ઉચ્ચ સ્તરીય આદેશના પાંચેક દિવસ વીત્યે છતાં પોલીસના અધિકારીઓ દ્રારા કોઇ ઠોસ કાર્યવાહી નથીની ચર્ચા
રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચના તત્કાલીન અને હાલ સસ્પેન્ડેડ પીઆઇ વી.કે.ગઢવી અને તેમની ટીમ સામે ઉંઝાના પટેલ વેપારીને અરજીના આધારે ઉઠાવી લાવી ગોંધી રાખી બરહેમીથી માર મારી કરોડોની કિંમતી જમીનનું બાનાખત પડાવી લેવાના દસ માસ પહેલાના ચકચારી મામલામાં ઉચ્ચસ્તરીય આદેશ બાદ પણ રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ દ્રારા કોઇ કાર્યવાહી થઇ નથી. પોલીસને સસ્પેન્ડેડ પીઆઇ સામે ગુનો નોંધવા માટે ફરિયાદીની રાહ છે કે ? પછી કોઇની શેહશરમ નડી રહી છે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
ઉંઝાના ઇસબગુલના વેપારી મહેશકુમાર ગોવિંદભાઇ પટેલને ગત જાન્યુઆરી માસમાં ૨૧ તારીખના રોજ ઉંઝામાં તેની ઓફીસથી કારમાં ઉઠાવી લેવાયા હતાં અને રાજકોટ ક્રાઇમબ્રાન્ચમાં બે દિવસ સુધી આ વેપારીને ગોંધી રાખી તેની પાસે રહેલા રાજકોટની રૈયાની કરોડોની કિંમતનું જમીનનું અસલ બાનાખત કઢાવવા અને કરાર રદ કરાવી નાખવા માટે એ સમયના ક્રાઇમબ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવી અને ટીમે વેપારીને બેરહેમીથી માર માર્યેા હતો અને કેટલાંક કાગળો પર સહી કરાવી લીધી હતી. જે મામલે પોલીસના ફાંસલામાંથી મુકત થયેલા વેપારીએ જે તે સમયે તા.૨૫–૧–૨૦૨૨ના રોજ ઉંઝા પોલીસ મથકે લેખીત ફરિયાદ આપી હતી ત્યાં કોઇ પોલીસ કે એ સમયના ઉચ્ચ અધિકારીઓએ પણ આ ફરિયાદ ન લીધી હોય તે રીતે ગુનો નોંધવાને બદલે માત્ર અરજી પર પીએસઓ સાઇન કરીને અરજી સ્વીકારી લીધી હતી.
આ અરજીને દસ માસ જેવો સમય થયો છતાં ત્યાંના એ સમયના અધિકારીઓની બદલી થઇ નવા અધિકારીઓ આવ્યા તેમના દ્રારા પણ આ અરજી પર કોઇ ઠોસ કાર્યવાહી થઇ નથી. જે તે સમયે પોલીસ ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ લેવલે પણ મહેશભાઇ દ્રારા ફરિયાદ અપાઇ હતી. જેમાં કેન્દ્રના આયોગ દ્રારા આ મામલે યોગ્ય પગલાં લેવા માટે આદેશ છુટયા હોવાથી છેલ્લા પાંચેક દિવસથી શહેર પોલીસમાં સીપી કચેરીમાં આ મામલો ચર્ચાના એરણે ચડયો છે કે, સંભવત: પણે સસ્પેન્ડેડ પીઆઇ અને એ સમયના તેમના સાથીદારો સામે પણ ગુનો ગમે ત્યારે નોંધાશે. આ મુદ્દે હાલ તો પોલીસ અધિકારી ફોન ઉંચકવા કે જવાબ દેવા તૈયાર નથી ત્યારે એવી વાતો પણ વહેતી થઇ છે કે, શું પોલીસને કાર્યવાહી માટે ફરિયાદીની શોધ કે રાહ છે ? કે ટાઇમ પાસ કરીને કોઇપણ કારણોસર પ્રકરણને ઠંડુ પાડી દેવા માટે પોલીસની આવી કોઇ ચાલ છે ? અથવા તો સસ્પેન્ડેડ પીઆઇ અને અન્ય અધિકારી સ્ટાફ અગાઉ રાજકોટમાં ફરજ બજાવતો હતો જેથી જુના સબંધો હોય કે કોઇ ઉચ્ચ સ્તરીય દબાણ શેહશરમ હોય અને કાર્યવાહીમાં વિલબં થતો હશે ? એક એવી પણ વાત છે કે, આ પ્રકરણમાં એક મોટા રાજકિય માથાનું પણ પર્દા પાછળ કનેકશન છે. જયારે ફરિયાદી મહેશ પટેલ તરફે પણ એટલા જ મજબૂત રાજકિય અગ્રણીનું પીઠબળ છે. શું આ બન્ને મામલામાં પોલીસ પીસાઇ કે અચકાઇ રહી છે ? કે પછી રાજકીય રીતે સમાધાનના કે વચલો રસ્તો નીકળવાના કોઇ સોગઠાં ગોઠવાતા હોય અને પોલીસ સમાધાનની રાહમાં હશે ? આવી જો અને તોની અલગ અલગ ચર્ચાઓ કે વાતો ચાલી રહી છે પરંતુ ઉપરોકત તમામ બાબતોમાં સત્ય શું છે તે તો પોલીસ જ જાણતી હશે.