ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી દીધું છે. આજ કારણે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી રહી છે. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વિપુલ ચૌધરીની અર્બુદા સેના દ્વારા સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ માટે આગામી 15મી તારીખે માણસા તાલુકાના ચરાડા ગામમાં અર્બુદા સેના દ્વારા સભામાં અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ આપીને આમ આદમી પાર્ટીના સમર્થનની જાહેરાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. નોંધનીય છે કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીની વિસનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત આશાબેન ઠાકોર ખેરાલુ બેઠક પરથી આપ પાર્ટીમાંથી ચૂંટણી લડશે. માણસા સીટ પરથી જયેશ ચૌધરી ચૂંટણી લડશે તેવા સંકેત સેવાઈ રહ્યા છે. વિપુલ ચૌધરી અને અર્બુદા સેનાને આમ આદમી પાર્ટી જોડાવવા માટે ગોપાલ ઈટાલીયાએ તૈયારી દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીની નાણાકીય ઉચાપત બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે નવું સમીકરણ રચાશે. આ અગાઉ પણ વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા વિશાલ સંખ્યામાં રેલી પણ કાઢવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જઈ રહ્યો છે.