માણસના વાનરવેડા, પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, દૃશ્યો જોઈને ગુસ્સો આવી જશે

ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. લોકો પુણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુનો વાનરની કનડગત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પ્રાણીપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોને લઈ લોકોના મનમાં પણ એક સવાલ ઊઠી રહ્યો છે કે આમાં પ્રાણી કોણ?

વન વિભાગની સૂચનાનો ઉલાળિયો કર્યો
ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભ પહેલાં જ વન વિભાગ દ્વારા કોઈ વન્યપ્રાણીની કનડગત ન કરવાનો આદેશ આપતું હોય છે, પરંતુ પરિક્રમાના રૂટ પર શાંતિથી બેસેલા એક વાનરની પૂંછ પકડી કનડગત કરતા પ્રવાસીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં અન્ય પ્રવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

વાનરની કનડગત કરતા જોઈ એક મહિલા બોલી ઊઠી- ‘માણહ થાઓ હવે’
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે એમાં પરિક્રમાના રૂટની બાજુ પર બે વાનર બેસેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થઈ રહેલો એક પ્રવાસી વાનરની નજીક જાય છે અને પૂંછ પકડી કનડગત કરતો જોવા મળી રહ્યો છે. આ સમયે જ અન્ય પ્રવાસીઓમાંથી એક મહિલા બોલી ઊઠે છે કે ‘માણહ થાઓ હવે.’​​​​​​

વન વિભાગે ટીખળખોરની શોધખોળ હાથ ધરી
પરિક્રમાના રૂટ પર વાનરની કનડગત કરતા યાત્રાળુનો વીડિયો વાઈરલ થતાં વન વિભાગ દ્વારા વીડિયોમાં દેખાતા શખસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.