ભાણવડ પાલિકાની “મનમૌજી” નીતિ, માર્ગ રીપેરીંગમાં કોઈને ગોળ તો કોઈને ખોળ

ભાણવડ પાલિકામાં અણ આવડતનો ભોગ બનેલી ભાજપ સંચાલિત બોડીને મધ્યસત્ર ચુંટણીમાં લોકોએ “ટાટા બાય બાય” કરીને કોંગ્રેસની બોડીને જંગી બહુમત અને આશીર્વાદ આપ્યા, નવ નિર્વાચિત બોડીએ પણ શહેરના વિકાસ માટે રાત દિવસ એક કરીને લોકોને માર્ગની સુવિધા કરી આપી. રીપેર થયેલા માર્ગો કેટલા મજબુત નીવડશે એતો આવનારો સમય કહેશે પરંતુ કેટલાંક ખિસ્સાઓ મજબુત થયા હશે.

મનમૌજી નીતિનો ભોગ શહેરની બહાર વસેલી “મંત્રી સોસાયટી” બની છે. શહેરના માર્ગોના દુરસ્તી કરણ સામે કેટલાંક માર્ગો સંપૂર્ણ નવીનીકરણ પામ્યા છે, આવો જ એક માર્ગ શહેરની મંત્રી સોસાયટીમાંથી પસાર થઇ રહ્યો છે. આ માર્ગ આમતો નવું રૂપ ધારણ કરી ચુક્યો છે પરંતુ માર્ગના કિનારે આવેલા કેટલાંક મકાનો માર્ગ ના લેવલથી ઊંચા કે નીચા આવી ગયા છે. સગવડ ધરાવતાં લોકોએ સ્વખર્ચે સમતોલ કરાવી લીધા જયારે કેટલાંક સગવડ ધરાવતા હોવા છતાં પાલિકા શાશકોની મીઠી નજરથી સમતોલ થઇ ગયા, પરંતુ જેના પર પાલિકાની મીઠી નજર ન પડી અથવા તો સગવડ ધરાવતા નથી તેવા ઘરો અસમતોલ ભાસે છે.

જોકે માર્ગ બનાવી આપતી પાલિકા સમતોલન પણ કરી આપે એવી લોક અપેક્ષા જરા વધુ પડતી હોવાનું માની શકાય પણ જેના મકાનો પાલિકાના ખર્ચે સમતોલ થઇ ગયા હોય ત્યારે લોકોની અપેક્ષા ભભૂકી શકે તેને નજરઅંદાજ કરી ન શકાય. હવે જોવાનું એ છે કે જે મકાનો સમતોલનથી વંચિત રહી ગયા છે તેનું સમતોલન કેવી રીતે થશે ? પાલિકાની મીઠી નજર પડશે કે સગવડતા પ્રાપ્ત ન હોય તેવા મકાન ધારકોના ખિસ્સામાં ખર્ચ સરકાવી આપવામાં આવશે!