મોરબી કેબલ બ્રિજ તૂટયાની દુર્ઘટનામાં પોલીસે સરકારપક્ષે ફરિયાદ નોંધીને મોટું તીર માર્યું હોય તે મુજબ તપાસના ઘોડા દોડાવાઈ રહ્યા છે. પુલના રિનોવેશનથી લઈ મેઈન્ટેનન્સ સુધીની કામગીરીમાં ગજનો ખર્ચો (અંદાજે ૨ કરોડ) બતાવી માત્ર રજ (૨૮ લાખ) એવો ખર્ચ કરનાર ઓરેવા કંપની અને તેના માથાઓ અત્યારે નૈતિક રીતે સામાન્ય જનને પણ આરોપી જેવા દેખાઈ રહ્યા છે. ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસને ઓરેવાની ઓફિસે જવાનું મુનાસીફ દેખાયું અને ઓફિસે જતાં તાળાં લટકતા હતા.
ઘટનામાં પોલીસે રિમાન્ડ પર રહેલા ઓરેવાના મેનેજર પારેખ સહિતના ચાર ઈસમોની પૂછતાછ સાથે પુરાવાઓ મેળવવા કવાયત ચાલુ રાખી છે. જરા પણ શર્મ કે માનવતા ન હોય તે મુજબ ઓરેવાના મેનેજર પારેખે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે આ એકટ ગોડ જેવી ઘટના છે કહીને સમગ્ર મૃત્યુકાંડમાં દોષનો ટોપલો રોડ પર ઢોળવાની નફફટાઈ દાખવી હતી. ઓરેવાનો મેનેજર રિમાન્ડ પર હોવાથી સ્વાભાવિકપણે પોલીસે ઓરેવાની ઓફિસે પણ તપાસ કરવી પડે.
ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓના ગઈકાલે નિવેદનો નોંધ્યા બાદ પોલીસને ત્રણ દિવસ પછી ઓરેવાની ઓફિસે તપાસ કરવાનું સૂઝયું અથવા તો ત્યાં તપાસ માટે ગયા હતા તેવું ઓનપેપર બતાવવા માટે ઓરેવાની ઓફિસે પોલીસ પહોંચી હતી. જો કે અગાઉથી જ ખ્યાલ હોય તે આ ઓફિસે તાળાં લટકતા હોય, પોલીસ ડેલે હાથ દઈને પરત ફરી હતી. જેવી રીતે ઓરેવાની ઓફિસે પોલીસ ગઈ તે રીતે જયસુખ પટેલને શોધવા કે તેની પૂછપરછ કે નિવેદન લેવા માટે પણ જયસુખ પટેલના ઘર સુધી પોલીસ પહોંચશે કે કેમ ? કે ત્યાં પણ આવી જ રીતે દાખળો કે દેખાડો કરીને પરત આવી જશે ? તેવા સવાલો પણ મોરબીના નગરજનોમાં ચાલ્યા છે.