ચૂંટણી જાહેર થયાના ગણતરીના કલાકોમાં ભાજપ અને કોંગ્રેસ એક્ટિવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાશે. હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાતની જબરદસ્ત મેરેથોન મીટિંગો શરૂ થશે.આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં અમિત શાહ ભાજપના 47 ઉમેદવારો નક્કી કરશે. બીજી બાજુ કોંગ્રેસમાં 98 ઉમેદવારો ફાઈનલ થયા છે પરંતુ ભાજપની યાદી જાહેર થયા બાદ જ કોંગ્રેસ તેના ઉમેદવારોની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 108 ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે આવતીકાલે કેજરીવાલ ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે.

ભાજપમાં 13 જિલ્લાની 47 બેઠક પર ઉમેદવારો નક્કી થશે
આજે મળનારી ભાજપની ચૂંટણીલક્ષી બેઠકમાં 13 જિલ્લાની 47 બેઠક પરના ઉમેદવારો નક્કી થશે, જેમાં મુખ્યત્વે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, વલસાડ, તાપી, નર્મદા, મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર બેઠક પરના ઉમેદવારોનું મંથન થશે. નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોનાં નામો અલગ તારવીને છઠ્ઠી અને સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડને મોકલવામા આવશે. સ્ટેટ પાર્લમેન્ટરી બોર્ડમાં 14 સભ્યનો જ સમાવેશ થતો હતો. છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ તેમાં સમાવેશ થયો છે.

ભાજપની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ ગઈકાલથી દિલ્હીમાં ધામા નાંખ્યાં છે. 98 બેઠકો પર નામ પણ ફાઇનલ થઈ ચુક્યા છે છતાં હજુ કોંગ્રેસની ઉમેદવારો માટે થોભો અને રાહ જુઓની નીતિ ચાલી રહી છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. અગાઉની બેઠકમાં બાકી રહેલા નામો પર ચર્ચા કરવામાં આવી હતી. સુત્રો મુજબ 98 બેઠકો પર કોંગ્રેસે નામ પણ નક્કી કરી દીધા છે. કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે ત્યારે અનેક દાવેદારો નારાજ થવાની પુરી શકયતા છે અને નારાજ દાવેદારો ચૂંટણી અગાઉ જ પક્ષ પલટો કરે તો કોંગ્રેસને ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. આ ડરથી કોંગ્રેસે દ્વારા ઉમેદવાર નક્કી હોવા છતાં જાહેર કરવામાં આવ્યા નથી.

AAP દ્વારા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે
જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. આપ દ્વારા ગુજરાતની જનતા સુધી પહોંચવા માં અમારો પ્રયાસ હતો તે સારી રીતે થયો છે. ઇતિહાસમાં પહેલી વાર કોઈ પક્ષે ચૂંટણીની તારીખ પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે. અમે લોકોને ગેરંટીઓ આપી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે અને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે ગુજરાતની પ્રજાના મત લઈને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે. આવતીકાલે આપનો મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર થશે. ગુજરાતની જનતા આપને આ વખતે જીતાડશે. પાંચ વર્ષ પછી આ વિકલ્પ મળ્યો છે જેને ગુજરાતની જનતા સ્વીકારશે.

ભાજપે 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને સોંપી મોટી જવાબદારી
વિધાનસભાની ચૂંટણીની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે ત્યારે ભાજપે ફરીવાર ચૂંટણીમાં વિજય મેળવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે, જેમાં 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને આપી જવાબદારી સોંપવામાં આવી છે. એ માટે ભાજપે રાષ્ટ્રીય હોદ્દેદારો, સાંસદો, અન્ય રાજ્યોના મંત્રીઓને જવાબદારી સોંપી છે. એ અનુસંધાને શહેરી વિસ્તારો સિવાય તમામ જિલ્લાઓમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જે તમામ નેતાઓ જે-તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે અને ચૂંટણી જીતનાં સમીકરણો રચશે.

કોને ક્યાં જિલ્લામાં જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં ફરી BJPની સરકાર બનાવવા ભાજપ રણનીતિના માર્ગ મોકળો કરતો હોય એવું જણાવી રહ્યો છે. ભાજપે સેન્સ પ્રક્રિયા બાદ ચૂંટણી જીત માટે તેમણે 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠાની જવાબદારી સોંપાઈ છે. વિનોદ તાવડેને વડોદરાની જવાબદારી, સીટી રવિને આણંદની જવાબદારી સોંપાઈ છે. તરુણ ચૂગને જામનગર જિલ્લો સોંપાયો તો સ્વતંત્રદેવ સિંહને કચ્છ જિલ્લાની જવાબદારી અપાઈ છે. ઈંદર પરમારને ખેડા જિલ્લો, અરવિંદ ભદોરિયાને ભરૂચ જિલ્લો સોંપાયો છે. નીતિન નવીનને સુરત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, જે તમામ નેતાઓ જે-તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે.