રાજકીય હલચલ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની રાજકીય સ્થિતિ હંમેશાં અસ્થિર રહી છે. એમાં છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લાની પાંચ બેઠક- સાવલી, વાઘોડિયા, ડભોઈ, કરજણ અને પાદરા માટે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ માટે ખેંચતાણ ચાલી રહી છે. આ પાંચ બેઠકમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ અને કરજણ સીટ ભાજપ પાસે છે તો પાદરા બેઠક કોંગ્રેસ પાસે છે. તો આજે વાત આ પાંચ સીટનાં પળેપળે બદલાતાં રાજકીય સમીકરણોની.
વડોદરા જિલ્લાની પાંચ બેઠકમાં સાવલીમાં કેતન ઇનામદાર, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, ડભોઇમાં શૈલેષ મહેતા (સોટ્ટા) અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કરજણ સીટ પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને ત્યાર બાદ ભાજપમાંથી જ પેટાચૂંટણી જીતી ધારાસભ્ય અક્ષય પટેલ છે. જ્યારે પાદરામાં કોંગ્રેસના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર છે. ત્યારે કોંગ્રેસ જિલ્લામાં ભાજપ પાસેની ચાર બેઠક પર કોંગ્રેસ ગાબડું પાડવા માસ્ટર પ્લાન બનાવી રહી છે.
જેને ભાજપમાં લાવ્યા એ જ તેમની સામે પડશે
આગામી વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ વર્તમાન ધારાસભ્ય કેતન ઇનામદારને રિપીટ કરે એવી શક્યતા છે. એની સામે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયેલા બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસ મેદાનમાં ઉતારે એમ મનાય છે. સાવલીમાં આ વખતે કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવારને જો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તો બે ટર્મથી જીતતા આવેલા ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. કેતન ઇનામદારને પડકાર આપવા માટે જ કોંગ્રેસે કુલદીપસિંહ રાઉલજીનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. સાવલીમાં 1 લાખ ઉપરાંત ક્ષત્રિય મતદારો અને 14 હજાર ઉપરાંત મુસ્લિમ મતદારો છે. ત્યારે જો ક્ષત્રિય મતદારો જાતિવાદના આધારે વોટિંગ કરે તો પરિણામ બદલાઈ શકે છે.
ભાજપના આ ધારાસભ્ય તો ટિકિટ પહેલાં જ કહે છે મારી જીત નક્કી
કોગ્રેસ દ્વારા ક્ષત્રિય આગેવાન અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદિપસિહ રાઉલજીને ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે. તો આપને કોઈ અસર થશે ખરી? પ્રશ્નના જવાબમાં કેતન ઇનામદારે જણાવ્યું હતું કે વર્ષ 2012માં કોગ્રેસના સિનિયર આગેવાન ખુમાનસિહ ચૌહાણ અને ભાજપમાંથી સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલ સામે ચૂંટણી જીત્યો(અપક્ષ) હતો. એ બાદ 2017માં મારી સામે કોંગ્રેસમાંથી સાગર બ્રહ્મભટ્ટ, NCPમાંથી ખુમાનસિહ ચૌહાણ ચૂંટણી લડ્યા હતા, એમ છતાં મારા મતદારોએ મને 22 હજારથી વધુ મતોથી જિતાડ્યો છે. મારા તમામ જ્ઞાતિના લોકો સાથે પારિવારિક સંબંધો છે. દરેક સમાજના લોકોને સાથે રાખીને ચાલતો હોવાથી મારી સામે આગામી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર આવશે તોપણ મારી જીત નક્કી છે અને આ વખતે 50 હજારથી વધુ મતોથી જીત મેળવીશ એવો વિશ્વાસ છે.
કેતન ઇનામદાર સામે કુલદીપસિંહ બાથ ભીડવા તૈયાર
જ્યારે કોંગ્રેસમાંથી સાવલી સીટ પરની ટિકિટના દાવેદાર કુલદીપસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે ભાજપમાં સતત થઈ રહેલી અવગણનાને લઈ અમે કોંગ્રેસમાં જોડાયા છે. અમને કોંગ્રેસ ટિકિટ આપશે તો અમે ચોક્કસ વિજય મેળવીશું એમાં બેમત નથી. ચૂંટણી પછી અમે કોંગ્રેસ અને મતદારો સાથે દગો કરીશું નહિ. અમારું એકમાત્ર ધ્યેય અમારા મતવિસ્તારમાં ભાજપ દ્વારા જે વિકાસકાર્યો કરવામાં આવ્યાં નથી એ કરીશું.
ક્ષત્રિય નેતા કુલદીપસિંહ રાઉલજી 2003થી 2008 દરમિયાન વેજપુર ગામના સરપંચપદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ડેસર APMCના ડિરેક્ટર અને વાઇસ-ચેરમેનદ પણ રહી ચૂક્યા છે. સાવલી અને ડેસરમાં 67000 ક્ષત્રિય મતદાર છે. તેમના પિતા ઉદેસિંહ રાઉલજી પણ કોંગ્રેસના જાણીતા નેતા હતા.