T20 વર્લ્ડ કપ : ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામે 5 રનથી જીત

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં આજે એડિલેડ ખાતે ભારત અને બાંગ્લાદેશની રોમાંચક મેચમાં ભારતે 5 રને (ડકવર્થ લુઈસ) શાનદાર વિજય મેળવી સેમી-ફાઈનલમાં જવાનો પોતાનો રસ્તો મોકળો કર્યો છે.

એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-12ની મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટની સામે બાંગ્લાદેશનો 5 રને કારમો પરાજય થયો હતો. જો કે વરસાદના કારણે વચ્ચે મેચ અટકી હતી અને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ મેચ 16 ઓવરની થઈ ગઈ હતી. ત્યાર બાદ બાંગ્લાદેશ સામે 151 રનનો ટાર્ગેટ સામે આવ્યો હતો. જેમાં બાંગ્લાદેશની ટીમ 16 ઓવરના અંતે 6 વિકેટે 145 રન કરી શકી હતી.

બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં જ 60 રન ફટકારી દીધા હતા. લિટન દાસે માત્ર 21 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી હતી.

ટીમ ઈન્ડિયાના બેટરોએ રંગ રાખ્યો

અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં આજે ફરી વિરાટ કોહલીએ 44 બોલમાં 66 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.

આ બાજુ ટીમ ઈન્ડિયાના બોલરોએ પણ દેખાડ્યો કમાલ

185 રનના લક્ષ્યાંકને પહોંચવા બાંગ્લાદેશના બેટરો મેદાનમાં ઉતર્યા હતા ત્યારે શરૂઆતમાં તો એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા માટે જીત હાથમાંથી જતી રહેશે. વરસાદ પડ્યો ત્યારે બાંગ્લાદેશની સ્થિતિ એવી હતી કે જો ડકવર્થ લુઈસના નિયમ લાગ્યો હોત તો બાંગ્લાદેશ જીતી જાત. જો કે વરસાદ બાદ મેચમાં રંગ આવ્યો હતો અને ટીમ ઇન્ડિયાના બોલરોએ જોરદાર દમ દેખાડ્યો હતો. હાર્દિક પંડ્યા, અર્શદીપ અને મોહમ્મદ સામીએ 84 રનના સ્કોર બાદ ધડાધડ વિકેટો ખેરવી હતી અને 108ના સ્કોર પર તો બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

કોહલી T20નો કિંગ બન્યો

વિરાટ કોહલી હવે T20 વર્લ્ડ કપમાં કિંગ બની ગયો છે. કોહલીએ પોતાનું ફોર્મ જાળવી રાખતા આજે બાંગ્લાદેશની સામે 44 બોલમાં 64 રનની શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ હતું. વર્લ્ડ કપમાં હાઈએસ્ટ રન સ્કોર કરવા માટે કોહલીને 16 રનની જરૂર હતી. આ રેકોર્ડ બનાવતાની સાથે જ કોહલી શ્રીલંકાના જયવર્ધનેને પાછળ છોડીને T20 વર્લ્ડ કપમાં ટૉપ સ્કોરર બની ગયો છે.