મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 46 કલાક વીતવા છતાં હજુપણ સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ છે.
અપડેટ્સ:
- મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી, ઘાયલોના ખબર અંતર પૂછ્યા
- વડાપ્રધાન મોદી ઝૂલતા પુલનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
- વડાપ્રધાને હર્ષ સંઘવી પાસેથી માહિતી મેળવી
- CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત
- ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું
- PM મોદી મોરબીમાં ઝૂલતા પુલ પર પહોંચ્યા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા
- ધ્રાંગધાના સવિતાબેન બારોટને સિવિલમાં પીએમ મોદી મળશે
- પુલ પડ્યો ત્યારે સવિતાબેન અને તેમના મામી અને તેમના 3 દીકરા પુલ પર જ હતા
- સવિતાબેનના મામી કમળાબેન બારોટનું મોત થયું હતું
- પુલ પડતા સવિતાબેનના માથામાં ગંભીર ઇજ પહોંચી છે
- અત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે
તંત્ર દ્વારા પુરજોશમાં રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ
આજે સવારે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હજુ બે લોકો ગુમ છે. જેમને શોધવાની કામગીરી ચાલુ છે. સોમવારે સાંજે મોરબી જિલ્લા કલેક્ટર રવિવારે સાંજે ઝૂલતા પૂલ તૂટી પડવાની ઘટના બાદ તંત્ર દ્વારા પુરજોશમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરાવતા આવ્યું છે, જેમાં ગત રાત્રિથી બે NDRFની અને બે SDRFની ટીમો આર્મીની છ પ્લાટૂન, નેવીની 18 બોટ સાથેની ટીમ, SRPF, એરફોર્સ અને ફાયર દ્વારા મચ્છુ નદીમાં રેક્સ્યૂ-ઓપરેશન પુરજોશમાં ચાલુ છે. ઘટનાસ્થળે રેન્જ આઈજી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના SPની દેખરેખ હેઠળ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ બે વ્યક્તિ લાપતા છે.
કોઈ મિસિંગ હોય તો કંટ્રોલ રૂમમાં જાણ કરવી: મોરબી જિલ્લા કલેક્ટર
કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે ઝૂલતા પુલ ઉપર કોઈ ફરવા ગયા હોય અને હજુ લાપતા હોય તો તેમના સ્વજનો હજુ પણ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસરની કચેરીમાં ચાલુ કંટ્રોલરૂમમાં તેમજ હોસ્પિટલમાં જાણ કરી શકે છે. અત્યારસુધીમાં રેસ્ક્યૂ કામગીરી દરમિયાન 224 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 15 વ્યક્તિ મોરબીની વિવિધ હોસ્પિટલમાં અને બે વ્યક્તિ રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હોસ્પિટલમાંથી 73 લોકોને રજા આપી દેવાય છે અને રેસ્ક્યૂ-ઓપરેશન હજુ ત્વરિત ગતિએ ચાલુ છે. કોઈ મિસિંગ હોય તો તેની કંટ્રોલ રૂમમાં જાણ કરવી.