‘ટુ-ફિંગર ટેસ્ટ’ બળાત્કાર કહી શકાય? મહિલા સેક્સ્યુઅલી એક્ટિવ છે કે નહીં તે જાણી શકાય

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને વાંચો…

‘રેપ થયો છે કે નહીં તે જાણવા મહિલાનો સેક્સ્યુએલ ઈતિહાસ જાણવો જરૂરી નથી. આ એક દુઃખદ વાત છે કે આજે પણ મહિલાઓના ટુ-ફિંગર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ ટેસ્ટ પીડિત મહિલાઓને બીજી વખત દુઃખ પહોંચાડે છે.’ 31 ઓક્ટોબર એટલે કે, સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. સાથે જ ટુ-ફિંગર ટેસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી.

જાણો શું છે આ ટેસ્ટ અને આ ટેસ્ટ સાથે જોડાયેલો વિવાદ

સવાલ-1 શું છે ટુ-ફિંગર ટેસ્ટ?
જવાબ- 
તેનું નામ સૂચવે છે તેમ, આ ટેસ્ટમાં, એક ડૉક્ટર મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં આંગળી નાખીને એ જણાવવાનો દાવો કરે છે કે, તે સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ છે કે નહીં. એટલે કે સ્ત્રી નિયમિત સેક્સ કરે છે કે નહીં. આ મેન્યુઅલ ટેસ્ટિંગની વર્ષો જૂની પ્રક્રિયા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો કોઈ મહિલાનો ટુ-ફિંગર ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો તે સેક્સ્યુઅલી એક્ટિવ છે. તેનાથી વિપરિત, જો તે હકારાત્મક ન આવે તો તે સેક્સ્યુઅલી એક્ટિવ નથી.

સવાલ 2- ટુ-ફિંગર ટેસ્ટનું રેપ સાથે શું કનેક્શન?
જવાબ-
ટુ-ફિંગર ટેસ્ટ દ્વારા મહિલા સાથે રેપ થયો કે નહીં તે સમજવું એક ચર્ચાનો વિષય છે. પ્રગતિશીલ વિચારધારા અનુસાર, સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ છે કે કેમ તેનો તેના પર બળાત્કાર થયો છે કે નહીં તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ વાત મેડિકલ સાયન્સ પણ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો મહિલાનો ટુ-ફિંગર ટેસ્ટ પોઝિટિવ આવે તો પણ મહિલા બળાત્કારનો શિકાર થઈ શકે છે.

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયો પર સ્ટે હોવા છતાં પોલીસ બળાત્કારના કેસમાં ટુ-ફિંગર ટેસ્ટ કરી રહી છે. કોર્ટમાં ટુ-ફિંગર ટેસ્ટના પોઝિટિવ રિપોર્ટના આધારે આરોપીઓના વકીલો વારંવાર પીડિત મહિલાના ચારિત્ર્ય પર આંગળી ચીંધે છે. આ સાથે આ આધારે આરોપીને બચાવવાની દલીલ રજૂ કરે છે.

સવાલ-3: આ બાબત હવે શા માટે ચર્ચાઈ રહી છે?
જવાબ: 
ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકાર વિરુદ્ધ શૈલેન્દ્ર કુમાર રાયના કેસમાં ‘ટુ-ફિંગર ટેસ્ટ’ના આધારે બળાત્કાર અને હત્યાના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટાવીને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે મેડિકલ કોલેજોમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમમાંથી ‘ટુ-ફિંગર ટેસ્ટ’ હટાવવાનો પણ આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું, ‘એવું માનવું ખોટું છે કે સેક્સ્યુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર થઈ શકે નહીં. ટુ-ફિંગર ટેસ્ટ પિતૃસત્તાક છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે કે પીડિતાઓનો ટુ-ફિંગર ટેસ્ટ ન થાય.

સવાલ-4 આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો શું નિર્ણય હતો?
જવાબ- 
2013માં લિલુ રાજેશ વિરુદ્ધ હરિયાણા રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો.

કોર્ટે તેને રેપ પીડિતાની ગોપનીયતા અને ગરિમાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આ એક ટેસ્ટ છે જેનાથી શારીરિક અને માનસિક ઈજા થાય છે. જો આ ટેસ્ટ પોઝિટિવ આવે તો પણ સંબંધ સંમતિથી બનેલો છે એવું માની શકાય નહીં. 16 ડિસેમ્બર 2012ના ગેંગરેપ પછી જસ્ટિસ વર્મા કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ પોતાની 657 પેજની રિપોર્ટમાં કહ્યું હતું- ટુ-ફિંગર ટેસ્ટમાં યોનિની માંસપેશિયોનું લચીલાપન જોવા મળે છે. આ દર્શાવે છે કે મહિલા સેક્સ્યુઅલી એક્ટિવ હતી કે નહીં, પરંતુ તેનો અર્થ એ નથી કે સંબંધ તેની સંમતિ વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો. આ કારણે તેને બંધ કરી દેવો જોઈએ.

આ ટુ-ફિંગર ટેસ્ટ સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ પછી પણ થઈ રહ્યો છે. 2019માં જ લગભગ 1500 રેપ પીડિતો અને તેમના પરિવારજનોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. અરજીમાં ટેસ્ટ કરાવનાર તબીબોના લાયસન્સ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર પણ આ પરીક્ષણને માન્યતા આપતું નથી.

પ્રશ્ન-5: શું ટુ-ફિંગર ટેસ્ટ એ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે?
જવાબ:
હા. સુપ્રીમ કોર્ટે 2013 પછી ઘણા મામલાઓમાં ટુ-ફિંગર ટેસ્ટને બિનજરૂરી ગણાવ્યો છે. જે છોકરી કે મહિલા પર આ ટેસ્ટ કરવામાં આવે છે તે તેના પ્રાઈવસી, ડિગ્નિટી અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત અધિકારોનું ઉલ્લંઘન છે. ટુ-ફિંગર ટેસ્ટના આધારે સેક્સ માટે સંમતિ સાબિત કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતે વારંવાર કહ્યું છે કે બળાત્કારના કેસમાં મહિલા કે છોકરીના જાતીય ઇતિહાસથી કોઈ ફરક પડતો નથી. અહીં માત્ર સંમતિની વાત છે અને તે સંમતિ કયા સ્તરે અને કઈ સ્થિતિમાં આપવામાં આવી હતી, તે જોવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે ટુ-ફિંગર ટેસ્ટ પર આધારિત પરિણામોને અનુમાનિત અને વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યા છે.

પ્રશ્ન-6: આ ટેસ્ટ અંગે સરકારનું શું કહેવું છે?
જવાબઃ 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ ટેસ્ટને અવૈજ્ઞાનિક ગણાવ્યો હતો. માર્ચ 2014માં રેપ પીડિતો માટે નવી ગાઈડલાઈન બનાવવામાં આવી હતી. જેમાં તમામ હોસ્પિટલોને ફોરેન્સિક અને મેડિકલ ટેસ્ટ માટે ખાસ રૂમ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. ટુ-ફિંગર ટેસ્ટ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.

ગાઈડલાઈનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઈતિહાસને રેકોર્ડમાં લેવા જોઈએ. પીડિતાની શારીરિક અને માનસિક તપાસ માટે પણ કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે. તાજેતરમાં, મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સે ‘ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી’ વિષયના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો હતો. બળાત્કારના કેસોમાં નિષ્કર્ષ પર પહોંચવા માટે તબીબી પુરાવા મહત્વપૂર્ણ છે. જો કે, બળાત્કારના કેસમાં ફોરેન્સિક પુરાવા પર આધાર રાખી શકાય નહીં. કેટલીકવાર બે લોકો વચ્ચેનો સંબંધ પરસ્પર સંમતિથી બની શકે છે, જે ગુનો નથી. આ કારણોસર, તેને માત્ર સગીરોના કિસ્સામાં નક્કર પુરાવા તરીકે જોવામાં આવે છે.

પ્રશ્ન-7: આંતરરાષ્ટ્રીય સ્તરે કયા કાયદા છે?
જવાબ:
 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પહેલાથી જ ટુ-ફિંગર ટેસ્ટને અનૈતિક ગણાવી ચૂક્યું છે. WHOએ કહ્યું હતું કે બળાત્કારના મામલામાં માત્ર હાઈમનની તપાસથી જ બધુ બહાર આવતું નથી. ટુ-ફિંગર ટેસ્ટ માનવાધિકારનું ઉલ્લંઘન તેમજ પીડિતાની પીડાનું કારણ બની શકે છે. તે જાતીય હિંસા જેવું છે, જેનો પીડિતા ફરીથી અનુભવ કરે છે. ભારત સહિત મોટાભાગના દેશોમાં ટુ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ છે.

પ્રશ્ન-8: અન્ય કયા દેશોમાં ટુ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ છે?
જવાબઃ 
ભારત સિવાય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોએ ટુ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. 2021માં, પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે પણ આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે તપાસની આ પદ્ધતિ અનાદરકારી અને અવૈજ્ઞાનિક છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ઈન્ડોનેશિયાની સેનાએ સેનામાં જોડાવા ઈચ્છતી મહિલાઓ માટે ટુ-ફિંગર ટેસ્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ તપાસમાં પોઝિટિવ જોવા મળતી મહિલાઓને સેનામાં નોકરી આપવામાં આવી નથી. અફઘાનિસ્તાને 2018માં આ પ્રથાને ગેરકાયદેસર ઠેરવી હતી, પરંતુ દેશના સ્વતંત્ર માનવ અધિકાર પંચે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે મહિલાઓને હજુ પણ આવી તપાસ માટે દબાણ કરવામાં આવે છે.