અઢી વર્ષ સુધી કલેક્ટર-નગરપાલિકા સાથે વિવાદ ચાલ્યો, 2020માં ગાંધીનગરથી ઓરેવાને પુલ સોંપવા કહેવાયું હતું

મોરબીમાં રવિવારે સાંજે અંદાજિત 7 વાગ્યે ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલ તૂટવાથી અંદાજિત 400 લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હતો. રિનોવેશન બાદ આ મહિને દિવાળીના એક દિવસ બાદ એટલે કે 25 ઓક્ટોબરે લોકો માટે ખુલ્લો મુકાયો હતો. આ ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ પુલ અગાઉ વિવાદમાં આવી ચૂક્યો છે. આ દુર્ઘટનાને લઇને હાલ ઓરેવા ગ્રુપ પર ગંભીર આરોપ થઇ રહ્યા છે કારણ કે….

પુલ NOC અને નિરીક્ષણ વગર જ ખુલ્લો મુકી દેવાયો હતો
ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના MDએ પુલને ખુલ્લો મુક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે. કારણ કે, નગરપાલિકા કે વહિવટી તંત્ર પાસેથી કોઇ પણ NoC સર્ટિફીકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મુકી દીધો હતો. ઓરેવાએ 2 કરોડનો ખર્ચ કર્યાનો તેમજ અત્યંત મજબૂત મટિરિયલ દ્વારા રિનોવેશન કર્યાનો દાવો કર્યો હતો. જવાબદારી ઓરેવા ગ્રુપ પાસે હતી પરંતુ રિનોવેશન બાદ તેનું કોઇ નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. પુલની સુરક્ષાની ચકાસણી પણ થઇ ન હતી. તો પુલ પર ટિકિટની વહેંચણીની ઘોર બેદરકારીના કારણે હાલ અનેક લોકોના ઘરના દીવા ઓલવાય ચૂક્યા છે. એક તરફ આટલો મોટો ખર્ચ કરવા છતા પુલ તુટવા અને સર્ટિફિકેટ વગર જ પુલને ખુલ્લો મુકી દેવાથી હાલ તમામ બેદરકારીનું કારણ ‘ઓરેવા’ ગ્રુપને ગણવામાં આવી રહ્યું છે. હાલ આ ઘટનાના અસરગ્રસ્તો આ બેજવાબદારી અને હોનારત માટે સંપૂર્ણપણે ઓરેવાને જ જવાબદાર ગણી રહ્યા છે. તેમણે તો ઓરેવા સામે પગલાં ભરવાની માગણી પણ કરી છે. તો અઢી વર્ષ અગાઉ અને 9 મહિના પહેલા પણ ઝૂલતા પુલની જવાબદારીને લઇને વિવાદ સર્જાયો હતો.

કલેક્ટર, નગરપાલિકા અને ઓરેવા ગ્રુપનો વિવાદ….

મોરબી શહેરમાં રાજાશાહી સમયથી ઝૂલતો પુલ જોખમી બન્યો હતો અને અકસ્માતની ભારે ભીતિ હતી. આ વિરાસતની જાળવણી અને અને અકસ્માત ન થાય તેવા પગલા લેવાની ઉગ્ર લોકમાંગ પણ ઉઠી હતી. મોરબીનો ઝૂલતો પુલ હેરીટેજમાં લેવા સમાન હોવા છતાં પણ તંત્ર દ્વારા સતત તેની ઘોર ઉપેક્ષા કરવામાં આવતી રહી હતી. જોકે આ જોખમી બની ગયેલો પુલ ગમે ત્યારે સહેલાણીઓ માટે જોખમી કે પછી જીવલેણ સાબિત થાય તેમ હતો. છતાં પણ તેનું રીપેરીંગ કામ કરવામાં આવતું ન હતું. તેનું કારણ એ હતું કે તંત્ર દ્વારા નવું એગ્રીમેન્ટ ન કરવું અને જવાબદારી સમયસર ન સોંપવી. જોકે બાદમાં ઓરેવા ગ્રુપને 15 વર્ષ સુધીની જવાબદારી સોંપી દેવામાં આવી હતી પરંતુ લોકો માટે આ ઉતાવળે જ મંજુરી વગર પુલ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. જોકે આ પુલ ખુલ્લો મુકાયા પહેલા જાન્યુઆરી 2020, જાન્યુઆરી 2022 અને માર્ચ 2022માં વિવાદ થયો હતો. જાણો સરકાર, કલેક્ટર, નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે શું વિવાદ હતો…

જાન્યુઆરી 2020માં શું બન્યું…

ઝૂલતા પુલનો કબજો તંત્રને પરત સોંપવા ઓરેવા ટ્રસ્ટે તંત્રને પત્ર લખ્યો

અઢી વર્ષ પહેલા ઝૂલતા પુલનો કબજોને લઇને વિવાદ સર્જાયો હતો. જાન્યુઆરી 2020માં ઝૂલતા પુલનો કબજો તંત્રને પરત સોંપવા મામલે ઓરેવા ટ્રસ્ટ દ્વારા પત્ર લખાયો હતો. ઓરેવા ટ્રસ્ટ દ્વારા જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે વર્ષ 2001માં ભૂકંપ સમયે મોરબીના ઝૂલતા પુલને નુકસાન થયું હતું. ત્યારે સરકાર દ્વારા અને રાજકોટ જીલ્લા કલેક્ટરે ડેમેઝ થયેલ ઐતિહાસિક વારસાને રીપેરીંગ, જાળવણી અને મેન્ટેનન્સ માટે જણાવ્યું હતું. આ ઝૂલતો પુલ અને વાઘમહેલ (મણીમંદિર) સરકાર તરફથી પ્રાઇવેટ ટ્રસ્ટ અથવા કંપનીને એગ્રીમેન્ટ દ્વારા ઓપરેશન, મેન્ટેનન્સ, સિક્યોરીટી અને લોક ઉપયોગ માટે વારસાને જાળવવા માટે સોંપવામાં આવે અને મહારાણી સાહેબા મોરબીને અને ઓરેવાને ઝૂલતા પુલ સોંપવાનું સરકાર અને જીલ્લા કલેક્ટર રાજકોટ નક્કી કરવામાં આવ્યું હતું.

ઝૂલતો પુલ ઓરેવા ગ્રુપને સોંપવો તેવું ગાંધીનગરથી કહેવાયું હતું
વર્ષ 2006-07માં ઝૂલતો પુલ જે મોરબી નગરપાલિકા હસ્તક હતો અને ભૂકંપ પછી ટોટલી ડેમેજ અને બંધ હતો. મોરબી નગરપાલિકા તરફથી એક ઠરાવ કરી ઝૂલતા પુલને કાયમી ધોરણે સરકારને વર્ષ 2006-07માં સોંપવામાં આવ્યો હતો. જીલ્લા કલેક્ટર દ્વારા ઝૂલતા પુલને ફરી રીપેરીંગ કરી ચાલુ કરવા માટે અલગ અલગ એજન્સી તરફથી કોસ્ટ મંગાવવામાં આવ્યા હતા. મુંબઈથી એક કંપનીએ અંદાજે રૂ.89 લાખની કોસ્ટ તથા અન્ય કંડીશન સાથે ચાલુ કરી આપવાની ઓફર કરી હતી. આ જ રીતે તે સમય દરમિયાન અન્ય ઐતિહાસિક ઈમારતો, સ્મારકો PPPના ધોરણે નક્કી કરી રાજકોટ જીલ્લામાં આવેલ અલગ અલગ વ્યક્તિઓને સોપવાનું નક્કી કર્યું હતું. જેમાં મોરબીના ઝૂલતા પુલને ઓરેવા ગ્રુપને સોંપવો એવું ગાંધીનગર ખાતેથી જીલ્લા કલેક્ટરને કહેવામાં આવ્યું હતું.

માલિકી સરકાર કે પાલિકાની ન હોવાથી અમે માત્ર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીએ છીએ
જેથી રાજકોટ જીલ્લા કલેક્ટર ઓફીસ દ્વારા એગ્રીમેન્ટ કરીને ઝૂલતા પુલને વર્ષ 2007માં સિક્યોરીટી, રીપેરીંગ, ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ઓરેવા ગ્રુપને સોપવામાં આવ્યો હતો. વર્ષ 2008માં ઓરેવા ગ્રુપ તરફથી અંદાજે 1 કરોડ રૂપિયા જેવો ખર્ચ કરીને ઝૂલતા પુલને ફરી લોકોના ઉપયોગ માટે ચાલુ કરવામાં આવ્યો હતો. જ્યારે ઓરેવા ગ્રુપને આ ઝૂલતો પુલ જીલ્લા કલેક્ટર દ્વારા સોંપવામાં આવેલ ત્યારે કાયમી ધોરણે તેની માલિકી સરકાર કે મોરબી નગરપાલિકાની ન હતી. તેથી અમે ફક્તને ફક્ત જીલ્લા કલેક્ટરને હંમેશા રજૂઆત કરીએ છીએ અને તેની કોપી મોરબી નગરપાલિકાને આપવામાં આવે છે ફક્ત જાણ માટે તેવું પણ જણાવ્યું હતું. ઓરેવા ટ્રસ્ટે વારંવાર રજૂઆત કરેલ છે હવે કોઈપણ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે જેથી યોગ્ય નિર્ણય તાત્કાલિક લેવા પણ જણાવ્યું છે.

જાન્યુઆરી 2022માં શું બન્યું…

નવું એગ્રીમેન્ટ ન થાય તો ઝૂલતા પુલની જવાબદારી તંત્રને પાછી સોંપી દેવાનો ઓરેવા ગ્રુપનો નિર્ણય

અઢી વર્ષ અગાઉ ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલની જવાબદારીમાંથી મુક્ત થવા કલેક્ટરને પત્ર લખ્યો હતો તે સમય દરમિયાન કલેક્ટર કચેરી ખાતે જોઈન્ટ મીટીંગ યોજાઇ જેમાં ટેમ્પરરી રીપેરીંગ કરી અને ચાલુ કરવો અને એગ્રીમેન્ટ થયા બાદ સંપૂર્ણ રીનોવેશન કરવાના મુદ્દા પર ચર્ચા થયેલ હતી. બે-ત્રણ મહિનામાં એગ્રીમેન્ટ મોકલવાનું હતું જેનો ડ્રાફ્ટ પણ ઓરેવા ગ્રુપ દ્વારા 31-1-2020ના રોજ નગરપાલિકાને મોકલી આપવામાં આવ્યો હતો. સમયાંતરે લેખિત રિમાઇન્ડરો પણ આપેલ હતા પરંતુ ઓરેવા ગ્રુપને હજી સુધી એગ્રીમેન્ટ મળ્યું ન હતું. બાદમાં ઝૂલતા પુલને સંપૂર્ણ રિનોવેટ કરવો પડે તેવું જણાવ્યું હતું અને તેના રિનોવેટ કરવાની તૈયારી પણ ઓરેવા ગ્રુપે દર્શાવી હતી. જોકે નવું એગ્રીમેન્ટ ન મળવાને કારણે ઓરેવા ગ્રુપ આ રીનોવેશન કર્યું ન હતું. તેથી નવું એગ્રીમેન્ટ ન થાય તો ઓરેવા ગ્રુપે આ ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પાછી સોંપી દેવાનો જાન્યુઆરી 2022માં નિર્ણય લીધો હતો.

માર્ચ 2022માં શું બન્યું…

મોરબીના ઝૂલતા પુલની જવાબદારી ‘ઓરેવા’ ગ્રુપને જ સોંપવામાં આવી, 15 વર્ષનો કરાર થયો

મોરબીના ઝૂલતો પુલ બંધ હાલતમાં હતો અને તેના કરારની સમય મર્યાદા વીતી ગઈ હતી. જેથી નવો કરાર કરવામાં આવ્યો હતો. મોરબીના અજંતા મેન્યુફેકચરીંગ પ્રાઈવેટ લીમીટેડ (ઓરેવા) ગ્રુપ દ્વારા મોરબી નગરપાલિકા સાથે માર્ચ 2022થી માર્ચ 2037 સુધી એટલે કે 15 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો. જેથી ઓરેવા ગ્રુપ જ આ ઝૂલતા પુલનું મેનેજમેન્ટ જેમાં સિક્યુરીટી, સફાઈ, મેન્ટેનન્સ, પેમેન્ટ કલેક્શન, સ્ટાફ સહિતની જવાબદારી સંભાળી રહ્યું હતું. ત્યારે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીથી હચમચાવી દેનારા સમાચાર આવ્યા છે. આ ઝૂલતો પુલ તૂટ્યો અને મોતનો પુલ બની ગયો છે. ઓરેવા ગ્રુપ દ્વારા કરાયેલ કામગીરીની તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના સુપ્રીમો જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.