ઓરેવાના માથે બ્રિજ તૂટવાની કાળી ટીલી:2 કરોડમાં ઓરેવાએ રિનોવેટ કરેલો મોરબીનો બ્રિજ 5 દિવસમાં તૂટ્યો

  • ઓરેવાના MD જયસુખ પટેલે 26મીએ કહ્યું હતું કે, સ્પેશયલાઈઝ મટિરિયલ વાપરી બ્રિજ રિનોવેટ કર્યો

મોરબીમાં મચ્છુ નદી પરના હેન્ગિંગ બ્રિજનું રિનોવેશન જાણીતી કંપની ઓરેવાએ હજી હમણાં જ 2 કરોડના ખર્ચે કર્યું હતું. જ્યારે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો તેના પાંચ જ દિવસમાં આ બ્રિજ તૂટી પડ્યો અને 30થી વધુના મોત થયા છે. મૃત્યુઆંક હજી પણ વધી શકે છે કારણ કે પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુના પાણીમાં ગરકાવ થયાનું મનાય છે. આ પુલ તૂટવાની ઘટના હકીકતમાં ઓરેવાના માથે કાળી ટીલી સમાન પૂરવાર થઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરન્ટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરન્ટી પોતે રિનોવેટ કરેલા હેન્ગિંગ બ્રિજમાં આપી શક્યા નહીં.

ઓરેવાને 15 વર્ષ માટે હેન્ગિંગ પુલ સોંપાયો હતો
હજી છ મહિના પહેલાં જ મોરબી નગરપાલિકાએ હેન્ગિંગ બ્રિજના રિનોવેશનની કામગીરી ઓરેવા કંપનીને સોંપી હતી. ઓરેવા કંપની આ બ્રિજનું રિનોવેશન કરે તે માટે આ હેન્ગિંગ બ્રિજને છ મહિના માટે બંધ રાખવામાં આવ્યો હતો. ઓરેવા કંપનીએ હજી બેસતા વર્ષના દિવસે આ પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે ઓરેવા કંપનીએ બહુ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલને રિનોવેટ કર્યાની વાતો કરી હતી.

સ્પેશિયાલિસ્ટ કંપનીના મટિરિયલનો ઉપયોગ કર્યો હતોઃ ઓરેવા
ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે આ પુલને ખુલ્લો મૂકતા પહેલા દાવો કર્યો હતો કે, તેમણે મોરબીની જનતાને આ હેન્ગિંગ બ્રિજની ભેટ આપવા માટે ખૂબ ચીવટપૂર્વક રિનોવેશન કરાવ્યું હતું. તેમણે જિંદાલ સહિતની કંપનીઓને સ્પેસિફિકેશન આપીને આ બ્રિજ માટે ખાસ મટિરિયલ ડેવલપ કરાવ્યું હતું. આવા હેન્ગિંગ બ્રિજ બનાવતી ધાંગધ્રાની પ્રકાશભાઈની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરવા માટે કંપનીએ 2 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.

શું નગરપાલિકાએ બ્રિજ માટે ફીટનેસ સર્ટિ. લીધું હતું?
આ હેન્ગિંગ બ્રિજને રિનોવેટ કરાયો તે પછી તેની ફીટનેસનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું હતું કે કેમ તે એક પ્રશ્ન છે. આ બ્રિજને ખુલ્લો મૂકતા પહેલા તેની મજબૂતાઈની વિવિધ ટેસ્ટ માટે તપાસ કરવામાં આવી હતી કે કેમ? આ ઉપરાંત તેના પર એક સાથે કેટલી વ્યક્તિઓ ઉપર જઈ શકે છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? આવા તો અનેક પ્રશ્નો અનુત્તર છે અને હજી સુધી આવા કેટલાય પ્રશ્નો ઊભા થયા હશે પરંતુ તેના કોઈ જવાબ નથી.

ઓરેવાની સામે ગુનો નોંધવા અસરગ્રસ્તોની માગ
આ પુલનું રિનોવેશન કરવા માટે ઓરેવાને જવાબદારી સોંપવામાં આવી હતી. ઓરેવાએ 2 કરોડનો ખર્ચ કર્યાનો તેમજ અત્યંત મજબૂત મટિરિયલ દ્વારા રિનોવેશન કર્યાનો દાવો કર્યો હતો. આ દાવો કેટલો પોકળ હતો તે તો બ્રિજ ખૂલ્યાના પાંચ દિવસમાં જ પૂરવાર થઈ ગયું છે. હવે આ ઘટનાના અસરગ્રસ્તો આ બેજવાબદારી અને હોનારત માટે સંપૂર્ણપણે ઓરેવાને જ જવાબદાર ગણી રહ્યા છે. તેમણે તો ઓરેવા સામે પગલાં ભરવાની માગણી પણ કરી છે.

પુલ રિનોવેટ થતો હતો ત્યારે નગરપાલિકાએ શું કર્યું?
આ હેન્ગિંગ પુલને રિનોવેટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે શું નગરપાલિકાના એન્જિનિયરોએ ક્વોલિટીના માપદંડોની ચકાસણી કરી હતી કે કેમ? આ પ્રશ્નનો પણ અત્યારે તો કોઈની પાસે જવાબ નથી. ઓરેવાની કામગીરી ચાલી રહી હતી તો બધું નગરપાલિકાએ પણ રામભરોસે છોડી દીધું હતું કે કેમ? ઓરેવાની આ ગંભીર બેદરકારી બદલ તેની સામે શું પગલાં લેવામાં આવશે અને નગરપાલિકાના જવાબદારોને પણ સજા કરાશે કે કેમ? આવા અનેક પ્રશ્નો અત્યારે ઉઠ્યા છે.

શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના સુપ્રીમો જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.

બલ્બમાં 1 વર્ષની વોરન્ટીની શરુઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સીએફએલ તથા એલઈડી બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. તે સમયે ફિલિપ્સ તથા હેવેલ્સ જેવી કંપનીઓને જયસુખ પટેલે હંફાવી હતી. પરંતુ બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપનારા ઓરેવા હેન્ગિંગ બ્રિજમાં કોઈ વોરન્ટી આપી ન શક્યા.

એક જ ઘરના 8 લોકો ઝૂલતા પુલ પર હતા:પત્ની-પુત્ર અને બેનની લાશ મળી; અન્ય 4ને શોધી રહેલા મોભીનું હૈયાફાટ આક્રંદ, “મારો પરિવાર ક્યાં?”

મોરબીમાં આજે ઝૂલતો પુલ તૂટતાં 400થી 500 લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં 60 લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે. એવામાં આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. તેમાંથી તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ મળતાં તેમના માથે આભ ફાટ્યું છે. જ્યારે તેમની દીકરી સહિત પરિવારના 4 લોકો હજુ લાપતા છે. આ કરૂણાંતિકાને પગલે તેમના પરિવાર સહિત સમગ્ર મોરબીમાં માતમ છવાયો છે.

ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા
આરીફશા નૂરશા શાહમદાર મજૂરી કામ કરે છે. તેમના બેન જામનગરથી આવ્યા હતા અને તેઓ ઘરના 8 લોકો મોરબીના ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. જેમાં તેમના પત્ની દીકરો દીકરી અને ભાભી અને ભત્રીજીનો તેમજ બેન, બેનની દીકરી-દીકરાનો સમાવેશ થાય છે. તેમના પત્ની અને દીકરાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે દીકરી લાપતા છે. દીકરી સહીત 4 લોકો હજુ લાપતા છે. 8 પૈકી એક ભાભી જીવિત મળ્યા, જેમને હાથના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે.

હજુ ઘણા બાળકોના મૃતદેહ મળશે – સ્થાનિક
આ અંગે આરિફશાના મિત્ર મોહસીન માડકીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આરિફશાના ઘરના 8 લોકો લાપતા હતા. જેમાંથી એમની પત્ની અને પાંચ વર્ષીય દીકરાનો મૃતદેહ મળ્યો છે. એમના બેનનો મૃતદેહ મળ્યો છે. બાકી એમના દીકરી, એમની બેનની દીકરી-દીકરો અને એમના ભાઈની દીકરી લાપતા છે. હજુ 100થી 150 બાળકો નીકળશે એવું મારું માનવું છે. ઘણા નાના બાળકોના મૃતદેહ મળશે. પરિસ્થિતી હમણાં ખૂબ ખરાબ છે. તેમણે સમગ્ર ઘટના અંગે તેમની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારો એક સવાલ છે કે આ જે પુલ બનાવ્યો એના પર જનારાનો ટાર્ગેટ તો હોવો જોઈએ ને. જો ટાર્ગેટ કરતાં વધુ લોકો જવા દેવામાં આવે તો આ તો બનવાનું જ છે ને.

મોરબી સિવિલ હોસ્પિટલે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં
એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી રહ્યાં છે. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દર્દીઓની સારવાર માટે લાગી ગયો છે.