PM મોદી વડોદરા પહોંચી ગયા છે. જ્યાં તેઓએ એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ પર રોડ શો કર્યો હતો અને લેપ્રસી મેદાન પહોંચ્યા છે. વડોદરા ખાતે એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં સવાર થઈ અને લેપ્રસી ગ્રાઉન્ડ સુધી ધીમી ગાડી રાખી અને રોડ શોમાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM નરેન્દ્ર મોદી ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે અને 5 હજાર જેટલા ઉદ્યોગપતિઓને સંબોધશે.
એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો
શિલાન્યાસના કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટ ખાતેથી લેપ્રસી મેદાન સુધી રોડ શો યોજ્યો હતો. કાર્યક્રમ માટે આવનારા વીઆઈપી અને વીવીઆઈપી આમંત્રિતો માટે વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. લેપ્રેસી ગ્રાઉન્ડ નજીક 10થી વધુ પ્લોટ પર પાર્કિંગ કરવામાં આવશે. તદુપરાંત આખા રૂટ પર ઠેર-ઠેર ડિફેન્સ એક્ઝિબિશનના અને નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવાયા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી પહેલા વધુમાં વધુ લોકો રોડ શોમાં જોડાય તે માટેનું આયોજન કર્યું છે.
રોડ શોના રૂટ પર નેતાઓના હોર્ડિંગ નહીં લગાવવા સૂચના
વડાપ્રધાન આજે બપોરે એરપોર્ટ સર્કલથી લેપ્રસી મેદાન સુધી 4.2 km લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ પર માત્ર વડાપ્રધાન અને ડિફેન્સ એક્ઝિબિશનના હોર્ડિંગ્સ લગાવાયા છે. સૂત્રો મુજબ આ રૂટ પર એક પણ નેતા કે હોદ્દેદારના નરેન્દ્ર મોદીને આવકારતા કે અન્ય પોસ્ટર નહીં લગાડવા કડક સૂચના અપાઈ છે.
વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાનની વડોદરા મુલાકાત માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી બંને તરફ બેરિકેડિંગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. રોડ પરના સ્પીડ બ્રેકર હટાવી લેવામાં આવ્યા છે. તેમજ લેપ્રસી મેદાન અને તેની આજુબાજુમાં 5570 વાહન પાર્ક થઇ શકે તે માટેની વ્યવસ્થા કરાઇ છે.
કેવી છે પાર્કિંગ વ્યવસ્થા
લેપ્રસી મેદાનમાં ગોલ્ડ પાર્કિંગમાં 100 તેમજ તેની બાજુમાં સિલ્વર પાર્કિંગમાં 400 કાર પાર્ક થશે. તેની નજીકમાં જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જ્યારે મેદાનની સામે અને આજુબાજુમાં કુલ 10 પાર્કિંગ પ્લોટ તૈયાર કરાયા છે. જેમાં 150થી લઇને 2500 કાર પાર્ક કરી શકાય છે. કુલ મળીને આ કાર્યક્રમ માટે 5570 કાર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
PMO અને CMOના અધિકારીઓ માટે સ્ટેજ પાસે વ્યવસ્થા
વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ માટે સ્ટેજની બાજુમાં જ વ્યવસ્થા કરાઇ છે. સાથે જ વીવીઆઇપી અને મિનિસ્ટર્સ માટે પણ ત્યાં વ્યવસ્થા કરાઇ છે. સ્ટેજની બાજુમાં એક્ઝિબિશન એરિયા પણ બનાવાયો છે.