તો, ધાનાણી હારે ? પણ અમરેલીમાં મોદીના બે ‘ખાસ’ દાવેદારો સામે ભાજપ મજબૂર

 

ગુજરાતનો એક એવો જિલ્લો, જેના રાજકારણને સમજવામાં ભલભલા રાજકીય પંડિતો ગોથાં ખાય છે. વાત થઈ રહી છે ગુજરાતને સૌથી પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાની ભેટ આપનાર અમરેલી જિલ્લાની. દાયકા પહેલાં પીવાના પાણી માટે ટળવળતા અમરેલી જિલ્લામાં હવે નર્મદાનું પાણી તો પહોંચી ગયું છે, પણ રાજકારણનો ગરમાવો હજી એવો ને એવો જ છે. આખા ગુજરાતમાં ભલે ભાજપનું રોલર ફરી વળ્યું હોય, પણ ખેડૂત અને પાટીદાર સમાજની બહુમતીવાળા અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારેય ભગવો નથી લહેરાવી શક્યો. વળી, ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો. જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની ભૂંડી હાર થઈ હતી. જોકે અમરેલી જિલ્લાને ફરી સર કરવા ભાજપે ખાસ સ્ટ્રેટેજી બનાવી છે. તો અમરેલીની પાંચેય સીટ પર કેવા કેવા કેવા દાવપેચ થઈ રહ્યા છે? એના પર નજર કરીએ.

અમરેલીમાં ધાનાણીને પછાડવા કોણ જંગે ચડશે?

એક સમયે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીનું અમરેલી સીટ પર નામ ફાઈનલ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના ધુરંધરોને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડને હરાવનાર ધાનાણીનો તોડ શોધવો ભાજપ માટે સરળ નથી. પરેશ ધાનાણીએ એબીટુ સાથે વાત કરતાં કહ્યું હતું કે અમારામાં ટિકિટ માગવાની પરંપરા ક્યાં છે? પાર્ટી જે નિર્ણય કરે એ માથે ચડાવવાનો છે. મારાથી કોઈ શ્રેષ્ઠ વિકલ્પ મળતો હોય તો દરવાજો ખૂલો છે. અમે ખભે બેસાડી જિતાડવા મહેનત કરીશું. પાર્ટી કહેશે કે સેનાપતિ બનવાનું છે તો સામી છાતીએ લડાઈ કરીશું.

દિલીપ સંઘાણીનું દીકરાને ચૂંટણીમાં ઉતારવા હાઇકમાન્ડ સુધી લોબિંગ

પીએમ નરેન્દ્ર મોદીના ખાસ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી સીટ પર પરાજય થયો છતાં ભાજપે તેમને વર્ષ 2017માં ધારી સીટ પર ઉતાર્યા હતા. પરંતુ તે સમયે કોંગ્રેસના JV કાકડિયા સામે તેમની હાર થઈ હતી. ઉપરાઉપરી બે હાર બાદ 68 વર્ષીય સંઘાણીનો રાજકારણ પ્રત્યનો મોહ હજી છૂટ્યો નથી. સહકારી આગેવાન છેલ્લાં 5 માસથી પુત્ર મનીષ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીને ચૂંટણી લડાવવા સોગઠાં ગોઠવી રહ્યા છે. તેઓ દીકરા અથવા ભાઈની ટિકિટ માટે લોબિંગ પણ કરી રહ્યા છે. જોકે ભાજપ આવું જોખમ ફરીવાર લે એવી કોઈ શક્યતા સમીકરણો પ્રમાણે દેખાતી નથી.

ડો. ભરત કાનાબાર દાવેદારીથી અન્યોને ચિંતા પેઠી?

દિલીપ સંઘાણીની જેમ PM મોદીના ખાસ ડૉ. ભરત કાનાબારે પણ અમરેલીથી ટિકિટ માગી છે. ભાજપ અગ્રણી કાનાબાર અગાઉ જિલ્લા ભાજપ-પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ટ્વિટરમાં ફોલો કરે છે. તેમજ જ્યારે મોદી ગુજરાતના પ્રવાસે આવે અને ડો. કાનાબારને મળે એટલે સૌથી પહેલા બધા સાંભળે એમ કહે કે ‘ડૉક્ટર કેમ છો તબિયત-પાણી સારાં, અમરેલીમાં બધું બરાબર છે ને?’ આવું તો અનેક વખત બોલી ચૂક્યા છે, અમરેલીમાં ડો. ભરત કાનાબાર ભાજપ અને મોદીના વિશ્વાસુ નેતા છે. તેમની સર્વે સમાજના નેતા તરીકેની ઓળખ છે. જરૂર લાગે ત્યાં પોતાની સરકારને પણ વખોડતા અચકાતા નથી. તેમણે અમરેલી અને લાઠી બન્ને બેઠક પર દાવેદારી કરી છે અને એ બન્નેમાંથી એક બેઠક પર ટિકિટ મળે તેવી તેમણે નિરીક્ષકો સામે રજૂઆત કરી છે. એને કારણે ભાજપમાં વધુ ગણગણાટ શરૂ થયો છે.

મેં અમરેલીથી ટિકિટ માંગી છે’

આ અંગે એબીટુ સાથેની ખાસ વાતચીતમાં ડો.ભરત કાનાબારે કહ્યું હતું કે ”હા, મેં અમરેલી અને લાઠી બેઠક પરથી ટિકિટ માગી છે અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા લોકશાહી ઢબે પોતાના મત વ્યક્ત કરી શકે છે. તેમજ નાનામાં નાનો કાર્યકર પણ ટિકિટ માગી શકે છે. આ ભાજપની તંદુરસ્ત પ્રક્રિયા છે અને પાર્ટીનો જે નિર્ણય હોય એ ટિકિટ માગનારા લોકો માથે ચડાવતા હોય છે. પાટીદાર આંદોલનનો કોઈ મુદ્દો ચિત્રમાં છે જ નહીં. આખા જિલ્લામાં ભાજપનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને AAPથી તો ગુજરાતના લોકો ભરમાય એવી કોઈ શક્યતા નથી. અમારા માટે તો AAPવાળો આ મુદ્દો મોટામાં મોટો ફાયદાનો વિષય છે.”

મોદીના ખાસ સામે ભાજપનો યુવા ચહેરો રેસમાં આગળ

અમરેલી સીટ પર ભાજપમાંથી સૌથી આગળ પડતું નામ હોય તો છે યુવા નેતા કૌશિક વેકરિયાનું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ખાનગી સર્વે અને આઈબી રિપોર્ટ પ્રમાણે કૌશિક વેકરિયાની સ્વચ્છ છબિ અને જિલ્લા ભાજપ-પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કામગીરીનો ફાયદો મળી શકે છે. કૌશિક વેકરિયાએ અમરેલીના દેવરાજિયા ગામના પ્રથમ યુવા સરપંચ બન્યા બાદ ગામમાં સીસીટીવી, ગાર્ડન, રોડ-રસ્તા વગેરેનાં વિકાસકાર્યો કર્યાં હતાં. ત્યાર બાદ તેમને અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યકરોમાં પણ જિલ્લા ભાજપ-પ્રમુખ વેકરિયા લોકપ્રિય છે.

લાઠી-બાબરા સીટ પર સરદારની 147 પ્રતિમા મૂકનાર ઉદ્યોગપતિ આવી શકે

લાઠી-બાબરા વિધાનસભા બેઠક પર હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુંમર ધારાસભ્ય છે, કોંગ્રેસ ફરીવાર વીરજી ઠુંમરને રિપીટ કરશે એ પણ નિશ્ચિત છે. ઠુંમર સામે ગઈ ચૂંટણીમાં ભાજપ તરફથી મેદાનમાં ઊતરેલા ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા નો 9 હજાર મતથી પરાજય થયો હતો. વસ્તપરાને પાટીદાર આંદોલન નડી ગયું હતું. ગઈ વખતે હાર છતાં આ વખતે ફરી ભાજપમાં ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરાનું નામ આગળ ચાલી રહ્યું છે. ગોપાલ વસ્તપરાએ છેલ્લા કેટલાક દિવસથી મતવિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં તેમણે લાઠી-બાબરા વિસ્તારનાં ગામડાંમાં સરદાર વલ્લભભાઈ પટેલની 147 જેટલી પ્રતિમાઓની સ્થાપના કરી હતી. તેમણે ફરીવાર ચૂંટણી લડાવવાની ઇચ્છા ખાનગી રાહે દર્શાવી છે. વસ્તપરા ઉપરાંત ભૂતપૂર્વ ધારાસભ્ય બાવકુ ઉધાડ અને જનક તળાવયાનાં નામ પણ ચર્ચામાં છે.

સાવરકુંડલા બેઠક પર ટિકિટ માટે ખેંચાખેંચી, કોનું નામ છે આગળ?

સાવરકુંડલા બેઠક પર અનેક દાવેદારો અને ખેંચાખેંચી વચ્ચે ભાજપ છેલ્લી ઘડીએ નવો ચહેરો પસંદ કરી બધાને ચોંકાવી શકે છે. કોંગ્રેસના દબંગ અને યુવા નેતા પ્રતાપ દૂધાત સામે ભાજપ તેના જ ક્રાકચ ગામના યુવા ચહેરા વિપુલ દૂધાતને ઉતારી શકે છે. સાવરકુંડલામાં દૂધાત Vs દૂધાતનો જંગ જામે તો નવાઈ નહીં. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દૂધાત સ્વચ્છ છબિ અને જૂથવાદથી દૂર રહેતો ચહેરો છે, જેને કારણે અંતિમ સમયે તેનું નામ આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભાજપ તરફથી અહીં સુરેશ પાનસુરિયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા, પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી સહિતના નેતાઓએ પણ ટિકિટ માગી છે.

રાજુલા બેઠક ઉપર ભાજપમાં હીરા સોલંકીનું નામ નિશ્ચિત

રાજુલાના હાલના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અંબરીષ ડેરને ભાજપમાં પ્રવેશ આપવા માટે પણ છેલ્લાં 2 વર્ષથી દોડધામ ચાલતી હતી. જોકે અત્યાર સુધી વાત ફાઈનલ થઈ શકી નથી. જોકે એવી અફવા વહેતી થઈ હતી કે રાજુલાની સીટ પર અંબરીષ ડેર ભાજપની સીટ પરથી નવેસરથી ચૂંટણી લડી શકે છે. જોકે સૂત્રો પાસે મળતી પાકી માહિતી મુજબ રાજુલા સીટ પર ભાજપમાંથી ફરી હીરા સોલંકીની ટિકિટ લગભગ નિશ્ચિત મનાય છે, જ્યારે અંબરીષ ડેર કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડશે.

રાજુલા સીટ પર દાવેદાર છું: હીરા સોલંકી

હીરા સોલંકીએ કહ્યું હતું કે, ‘હા મેં રાજુલા બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. ટિકિટ આપવી કે નહીં એ પાર્ટીનું મોવડીમંડળ નક્કી કરતું હોય છે. પાર્ટી ટિકિટ આપશે તો સારી એવી લીડથી જીતીશ.’ અંબરીષ ડેરના ભાજપ પ્રવેશના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘પાર્ટી તેની પોલિસી પ્રમાણે જે નક્કી કરશે તે નિર્ણય માન્ય છે.’

ભાજપ પાસે સોલંકી બંધુઓનો કોઈ વિકલ્પ નથી

રાજુલા બેઠક પર હાર છતાં હીરા સોલંકીને ફરી ટિકિટ આપવા પાછળ ભાજપની અમુક મજબૂરીઓ હોવાનું જાણવા મળે છે. ભાજપ અંબરીષ ડેરને પ્રવેશ આપી પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકીની નારાજગી વહોરી લેવા માંગતો નથી. કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકીનું હજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે કોળી સમાજમાં સારું એવું પ્રભુત્વ છે. હીરા સોલંકી પરષોત્તમ સોલંકીના નાના ભાઈ છે અને પરષોત્તમ સોલંકીની પણ ભાજપને જરૂર છે. તેમજ અન્ય કોળી નેતાઓમાં સોલંકીબંધુ જેવી પક્કડ નથી જોવા મળતી તેવું ભાજપ માને છે. ભાજપે પણ કોળી વોટબેંક ઉપર કોઈ મોટી અસર ન થાય તે માટે હીરા સોલંકીને રાજુલા બેઠક ઉપર કામે લગાડી દીધા છે અને તેઓ સક્રિય પણ થઈ ગયા છે. રાજુલા બેઠક પર સોલંકી સિવાય જાફરાબાદ કોળી સમાજના કરણ બારૈયા અને રવુ ખુમાણનું નામ ચાલી રહ્યું છે. કરણ બારૈયાએ ભાજપમાંથી ટીકીટ મેળવવા માટે બે વખત શક્તિ પ્રદશન કર્યું હતું. અગાઉ કોળી સમાજનું સંમેલન અને ત્યાર બાદ લોકડાયરો યોજી પાટીલને બોલાવ્યા હતા.

‘આ વખતે લડાવવા જેવું લાગે તો પાર્ટી લડાવશે’

આ અંગે રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેરે એબીટુના ભાર્ગવ જોશીનેને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય ચડાવીશ અને આગળ વધીશ. પાર્ટીને એમ લાગશે કે આ વખતે લડાવવા જેવું છે તો મને પાર્ટી લડાવશે. પાર્ટીને એવું થાય કે આ વખતે ચેન્જ કરવું છે તો પણ આવકાર્ય છે. મેં ટિકિટની કોઈ માંગ કરી નથી. હું વર્ષ 2017માં ચૂંટણી લડ્યો ત્યારે નવો હતો. ભાજપમાં જોડાવવાની વાતો મીડિયાએ ચગાવી છે. હું ઘણી વખત ના કહી ચૂક્યો છું. કોંગ્રેસ પક્ષે મને ઘણું બધું આપ્યું છે.

હંમેશાં ચોંકાવતી ધારી બેઠકનો ઉપર ફરી ત્રિપાંખિયો જંગ

ધારી-બગસરા બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં જે.વી. કાકડિયા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. બાદમાં વર્ષ 2020માં તેઓએ ભાજપમાં પ્રવેશ કરતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં તેઓ ભાજપની ટિકિટ પરથી ફરી ધારાસભ્ય બન્યા હતા. જોકે વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ તરફથી જે.વી.કાકડિયા નિશ્ચિત છે. જે.વી. કાકડિયાને ટક્કર આપી શકે એવો કોંગ્રેસને કોઈ ચહેરો મળતો નથી, જેથી કોંગ્રેસ તરફથી એક માત્ર નામ ડો.કીર્તિ બોરીસાગરનું ચાલી રહ્યું છે.

હંમેશાં ત્રિપાંખિયા જંગ માટે જાણીતી ધારી બેઠક પર આ વખતે પણ આવી જ સ્થિતિ ઊભી થઈ છે. અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ધારીમાં જ સૌથી વધુ જોર દેખાઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જંગ જામશે. તાજેતરમાં બગસરા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ નેતા કાંતિ સતાસિયાએ કેજરીવાલની હાજરીમાં AAP પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાંથી કાંતિ સતારિયા અને ક્ષત્રિય અગ્રણી ઉપેન્દ્ર વાળા આ બે નામ ચાલી રહ્યાં છે. AAP પાર્ટીએ હાલ બંને નેતાઓને હાથ ઉપર રાખ્યા છે કેમ કે અહીં જ્ઞાતિનાં સમીકરણો ઉપર નજર કરીએ તો પાટીદાર અને કાઠી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. કાંતિ સતાસિયા પાટીદાર છે, ઉપેન્દ્ર વાળા કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે.