એકસાથે 50થી વધુને રહસ્યમય રીતે હાર્ટએટેક, દક્ષિણ કોરિયામાં 151 લોકોનાં મોત

  • અનેકને હાર્ટએટેક આવ્યો, પમ્પિંગ કરીને બચાવવાના પ્રયાસો પણ થયા

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મોડી રાત્રે હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 151 લોકોનાં મોત થયાં હતાં. દુર્ઘટનામાં 82થી વધુ લોકો ઘાયલ થયા હતા.આમાંથી ઘણા લોકો કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ પામ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ફેસ્ટિવલ દરમિયાન ચાર મીટર પહોળાઈ ધરાવતા એક સાંકડા રસ્તા પર લાખો લોકો એકઠા થયા હતા, ત્યારબાદ અચાનક નાસભાગ મચી ગઈ હતી. ભીડમાં કચડાઈ જવાને કારણે અનેક લોકોનાં મોત થયાં છે. દુર્ઘટના બાદ દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

50 લોકોને સી.પી.આર આપવામાં આવ્યું હતું
નેશનલ ફાયર એજન્સીના અધિકારી ચોઈ-ચેઓન-સિકે જણાવ્યું હતું કે ઈટાવાન લેસર જિલ્લામાં એક સાંકડી શેરીમાં લાકો લોકોની ભીડ એકઠી થઈ હતી ત્યારે આ ઘટના બની હતી. મૃત્યુઆંક વધી શકે છે. અનેક લોકોને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

ઈમર્જન્સી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ તમામ લોકોને સી.પી.આર. આપવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવા સૂચના આપી છે. તેમજ તહેવારનાં સ્થળોની સુરક્ષા સમીક્ષા કરવા કહ્યું હતું.

એક કાર પણ પાર્ક કરવી મુશ્કેલ છે એટલો સાંકડો રસ્તો હતો
કોરિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લોકો એક અનામી સેલિબ્રિટીને જોઈને પાગલ થઈ ગયા હતા અને પછી તેમની આ દીવાનગી દુર્ઘટનાનું કારણ બની ગઈ. અહેવાલો કહે છે કે જ્યાં નાસભાગ થઈ હતી તે શેરી માત્ર ચાર મીટર પહોળી છે. આ શેરી એટલી સાંકડી છે કે ત્યાં એક કાર પણ પાર્ક કરવી મુશ્કેલ છે. જેમ જેમ ટોળાંએ એકબીજાને ધક્કો મારતા લોકો એકબીજા પર પડવા લાગ્યા. અનેક લોકોને ગૂંગળામણ થઈ હતી અને તેમને હાર્ટએટેક આવ્યો હતો.

જાણો શું હોય છે કાર્ડિયાક એરેસ્ટ
હૃદયના આંતરિક ભાગોમાં રક્ત પ્રવાહને અવરોધ પહોંચે છે, જેના કારણે હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે છે. જ્યારે, હાર્ટએટેકમાં લોહી જુદા જુદા ભાગોમાં જમા થાય છે. આવા કિસ્સાઓમાં, તાત્કાલિક સારવાર દર્દીનો જીવ બચાવી શકે છે.

વધુ એક્સાઈટમેન્ટના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવી શકે છે
ડોક્ટરોના મતે સામાન્ય વ્યક્તિને પણ કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. કેટલીક વાર વધુ એક્સાઈટમેન્ટના કારણે ‘એડ એનર્જી ડ્રાઈવ’ વધી જાય છે. હાર્ટ કોલોપ્સ થઈ જાય છે. સ્નાયુઓની મજબૂતાઈને કારણે ‘એડ એનર્જી ડ્રાઈવ’ દરમિયાન હૃદયના સંકોચનમાં વધારો થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવા સમયે હૃદયની લય બગડે છે અને કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક મૃત્યુ પણ થાય છે.

10 પોઈન્ટમાં જાણો કે આ દુર્ઘટના કેવી રીતે થઈ?

1. હેમિલ્ટન હોટેલ પાસે ઇટાવોનની સાંકડી ગલીમાં લાખો લોકો ભેગા થયા હતા. કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ પ્રથમ હેલોવીન ઈવેન્ટ સિઓલમાં યોજાઈ હતી.

2. સાઉથ કોરિયાના મીડિયા અનુસાર, રાત્રે લગભગ 10:22 વાગ્યે પહેલી ઈમર્જન્સીની માહિતી મળી હતી. આ પછી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભીડને કારણે મેડિકલ ટીમને પહોંચવામાં સમય લાગ્યો હતો.

3. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ચાર મીટર પહોળા રસ્તા પર લગભગ એક લાખ લોકો હાજર હતા. ઇટાઓન સબવે સ્ટેશન અને હોટલથી મોટી ભીડ ઘટના સ્થળે પહોંચી રહી હતી.

4. કોરિયન મીડિયા અનુસાર, એક સેલિબ્રિટી સાંકડી શેરીમાં નાઇટ સ્પોટ્સ સાથે હાજર એક એસ્ટાબ્લિશમેન્ટમાં જોવા મળી હતી, ત્યારબાદ ભીડ નોંધપાત્ર રીતે વધી ગઈ હતી.

5. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં નાસભાગ થઈ હતી તે શેરી માત્ર ચાર મીટર પહોળી હતી. જગ્યા એટલી નાની છે કે તેમાં સેડાન કાર પણ પાર્ક કરી શકાય નહીં.

6. નાસભાગ દરમિયાન લોકો એકબીજાને ધક્કા મારવા લાગ્યા. જેના કારણે લોકો એકબીજા પર પડવા લાગ્યા.

7. નાસભાગ થતાં જ લોકોની હાલત ખરાબ થવા લાગી. આ દરમિયાન, ઘણા લોકો ગૂંગળામણથી મોતને ભેટ્યા અને અનેકને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો.

8. ભીડને કારણે એમ્બ્યુલન્સ પીડિતો સુધી પહોંચી શકી ન હતી. આ દરમિયાન, પોલીસકર્મીઓ કારની છત પર ઊભા રહ્યા અને ભીડને રસ્તો છોડી દેવાની સૂચના આપી, જેથી એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવી શકાય.

9. નાસભાગ બાદ પણ ઘણા લોકો મસ્તી કરતા જોવા મળ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન પણ તેઓએ માર્ગમાં અવરોધ ઊભો કર્યો હતો.

10. ભીડ અને સાંકડી ગલીના કારણે જ્યારે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી, ત્યારે મેડિકલ ટીમે ઘટનાસ્થળે જ પીડિતોને CPR આપ્યું હતું.