શાહરુખ સમજીને ભીડે ઘેર્યો પોલીસે બચાવ્યો, આર્થિક તંગીને કારણે પત્ની ડિપ્રેશનમાં

સ્ટાર્સના ડુપ્લિકેટ્સ પર લોકો હસે છે, કમેન્ટ્સ કરે છે, કટાક્ષ પણ કરતા હોય છે, પરંતુ તેમણે કરેલા સંઘર્ષને કોઈ જાણતું નથી. આજે આપણે એવા જ ડુપ્લિકેટ, એટલે કે બૉડી ડબલ કલાકાર પ્રશાંત વાલ્દેની વાત કરીશું. પ્રશાંત 16 વર્ષથી શાહરુખ ખાનના ડુપ્લિકેટ તરીકે કામ કરે છે. શાહરુખે પણ તેને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો છે. શાહરુખ ખાનની સાથે પ્રશાંતે 20 ફિલ્મ તથા 300 જેટલી જાહેરાતોમાં કામ કર્યું છે.

પ્રશાંતની આ વાત સાંભળીને તેના જીવનમાં સંઘર્ષ નહીં હોય તેમ ધારી લેવાની જરૂર નથી. એન્જિનિયરિંગ છોડીને પરિવાર વિરુદ્ધ જઈને પ્રશાંત ડાન્સર બન્યો. મુંબઈમાં સંઘર્ષ કર્યો. શાહરુખ ખાન સુધી પહોંચવા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા. ક્યારેક એક દિવસના બાળકને હોસ્પિટલમાં મૂકીને કામે જવું પડ્યું. ક્યારેક બિસ્કિટ ને પાણીથી દિવસ કાઢવો પડ્યો. આર્થિક તંગીને કારણે પત્ની ડિપ્રેશનમાં જતી રહી અને આજે પણ ઊંઘની દવાઓ લે છે.

2007માં આવેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં પ્રશાંત પહેલી જ વાર શાહરુખનો બૉડી ડબલ બન્યો હતો અને ત્યારથી જ તે શાહરુખની સાથે છે. અપકમિંગ ફિલ્મ ‘ડંકી’ તથા ‘જવાન’માં પણ છે. જોકે જ્યારે શાહરુખનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે એક્ટરનો બોયકોટ થયો ત્યારે પ્રશાંતના અનેક શો કેન્સલ થયા હતા. પરિસ્થિતિ એવી આવી કે પ્રશાંતે ઘર ચલાવવા માટે દુબઈમાં નોકરી કરવી પડી હતી. જોકે કોરોનાને કારણે તે પણ જતી રહી અને ચાર મહિનામાં જ તે ભારત પરત ફર્યો હતો.

ગરીબ પરિવારના પ્રશાંતને ભણવામાં રસ નહોતો
પ્રશાંતનો જન્મ નાગપુરની નજીક તલૌદીમાં મિડલ ક્લાસ પરિવારમાં થયો છે. પિતા આયુર્વેદિક ડૉક્ટર હતા અને તેમની પર પૂરા ઘરની જવાબદારી હતી. પ્રશાંતને ભણવામાં ખાસ રસ નહોતો, પરંતુ પિતાએ એન્જિનિયરિંગમાં એડમિશન અપાવ્યું હતું. ડાન્સમાં રસ હોવાથી પ્રશાંતે પરિવારને કહ્યા વગર જ અભ્યાસ અધવચ્ચે મૂકી દીધો અને ડાન્સ શીખવા લાગ્યો. ડાન્સ સ્પર્ધા જીતી અને ન્યૂઝપેપરમાં નામ આવતાં પિતાને સાચી વાત ખબર પડી હતી. પિતાએ ખૂબ ધમકાવ્યો અને પરિવારે પ્રશાંતનો વિરોધ કર્યો હતો.

શાહરુખ જેવો દેખાવ હોવાથી લોકો ફોટો ક્લિક કરતા
મેં ડાન્સ એકેડેમી શરૂ કરી અને ઓર્કેસ્ટ્રામાં કામ શરૂ કર્યું હતું. હું જ્યારે પણ સ્ટેજ પર પર્ફોર્મ કરતો ત્યારે લોકો મને શાહરુખ ખાન જ કહેતા. લોકો મારી સાથે તસવીર પણ ક્લિક કરાવતા હતા. એ સમયે મને ખ્યાલ નહોતો કે ડુપ્લિકેટ, લુક અલાઇક, જુનિયર આર્ટિસ્ટ શું હોય છે. એ સમયે હું શાહરુખ ખાનની ફિલ્મ્સ જોતો. ફિલ્મ જોઈને પ્રેરિત થતો.

શાહરુખ જેવા પર્ફોર્મન્સની ઓર્ગેનાઇઝર્સ ડિમાન્ડ કરતા
ધીમે ધીમે ઓર્ગેનાઇઝર પણ કહેવા લાગ્યા કે શાહરુખના ગીત પર ડાન્સ કર, એ રીતે ડાયલોગ બોલ. મેં ઘણી CD ખરીદી અને શાહરુખના ડાયલોગ યાદ કર્યા, તેમના જેવી સ્ટાઇલ શીખવાનો પ્રયાસ કર્યો. ઊઠતાં, બેસતાં, જાગતાં બસ શાહરુખ જ દિમાગમાં રહેતો. એક સમય એવો આવ્યો કે મારા નામ પરથી શો ચાલવા લાગ્યા. મને પુષ્કળ કામ મળવા લાગ્યું, પરંતુ મારા મનમાં એ જ હતું કે મારે મુંબઈ જવું છે અને ડાન્સ કોરિયોગ્રાફર તરીકે ઓળખ બનાવવી છે.

પ્રેમ માટે ડાન્સ છોડીને સામાન્ય નોકરી કરી
મારી ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ મોટા સ્તર પર હતી. આખા નાગપુરમાં જાણીતી હતી. 2003માં મને એક વિદ્યાર્થિની સાથે પ્રેમ થયો અને તેનો પરિવાર અમારા પ્રેમસંબંધની વિરોધમાં હતો. તેના પરિવારે એમ કહ્યું કે હું સામાન્ય કોરિયોગ્રાફર છું. તે પૈસાદાર પરિવારની હતી. બહુ જ બબાલ થઈ. તેના પરિવારે શરત મૂકી કે લગ્ન કરવા હોય તો નોકરી કરવી પડશે. મેં એક કંપનીમાં નોકરી કરી. અહીં મારો પગાર સાડાચાર હજાર રૂપિયા હતો. મને મારી ડાન્સ એકેડેમીમાંથી 50 હજારથી એક લાખની કમાણી થતી હતી. નોકરીમાં 14-15 કલાક જતા રહેતા. પ્રેમને માટે મેં ડાન્સ ટ્રેનિંગ બંધ કરી દીધી. મેં આઠ મહિના નોકરી કરી, પરંતુ મજા ના આવી. દીકરો પણ થયો. દીકરો એક મહિનાનો હતો અને ઘરમાં આર્થિક તંગી પણ હતી. મેં પત્નીને કહ્યું કે મને એક તક આપ, હું મુંબઈ જઈને કામ કરવા માગું છું.

એક મહિનાના દીકરાને મૂકીને મુંબઈ આવ્યો
2007માં પત્ની પાસેથી 1200 રૂપિયા લઈને મુંબઈ આવ્યો. મિત્રના ઘરે રહ્યો. સવારે છ વાગે નીકળી જતો. કંઈ જ ખબર નહોતી કે ક્યાં જવું છે, કોને મળવું છે. ઓફિસના ચક્કરો કાપી કાપીને મારા ચંપલ ઘસાઈ જતા. એક મિત્રના મામા લાઇટમેન હતા. તેમણે મને જુનિયર પ્રેમ ચોપરાને મળવાની સલાહ આપી અને ઓડિશન અંગેની માહિતી મળી. સલૂનમાં રોકાઈને તૈયાર થયો અનો ઓડિશન આપ્યું, કાસ્ટિંગવાળા મારા કામથી ખુશ થયા.

જુહી ચાવલા સાથે પહેલી જાહેરાત કરી
ઓડિશન પછી મને જુહી ચાવલાની સાથે કુરકુરેની જાહેરાત મળી. પછી મને જાણ થઈ કે સુનીલ ગ્રોવરે પણ શાહરુખ ખાનના લુક અલાઇક બનીને ઓડિશન આપ્યું હતું, પરંતુ કામ મને મળ્યું. મને 16 હજાર રૂપિયા મળ્યા. ભાડાનું ઘર લીધું અને પત્ની ને દીકરાને બોલાવી લીધાં. ઘરમાં પલંગ કે વાસણો નહોતાં. ધીમે ધીમે સંઘર્ષ કરીને બધું સેટ કર્યું.

જાહેરાતથી લોકપ્રિયતા મળી અને ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ પણ મળી
કુરકુરેની જાહેરાત ઘણી જ લોકપ્રિય થઈ હતી અને લોકો મને ઓળખવા લાગ્યા કે શહેરમાં વધુ એક શાહરુખ ખાન જેવી દેખાતી એક વ્યક્તિ આવી છે. મને ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ માટે ફોન આવ્યો અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં લુક ટેસ્ટ લેવામાં આવ્યો હતો. અહીં ફરાહ ખાનને મળ્યો અને પ્રોડક્શનના લોકો મને શાહરુખ સમજીને મળવા આવતા. ફરાહ ખાન પણ મને મળીને ચમકી ગયા હતા અને તેમણે તરત જ શાહરુખ ખાનને ફોન કર્યો હતો. ફોનમાં એવું કહ્યું, ‘શાહરુખ તારે આવવાની જરૂર નથી, અમને શાહરુખ મળી ગયો છે.’

ડુપ્લિકેટ શાહરુખની સ્ટાર શાહરુખ સાથે પહેલી મુલાકાત
મેં આસિસ્ટન્ટને કહ્યું હતું કે જ્યારે પણ શાહરુખ આવે તો મને કહેજે. હું હંમેશાંથી તેમને મળવા માગતો હતો. શાહરુખ ખાન આવ્યા અને મેં તેમને દૂરથી જોયા. નજીક જઈને હું પગે લાગ્યો. વાતચીત કરી, મસ્તી-મજાક કરી. જેટલા પણ શોટ આપ્યા, તમામનાં વખાણ થયાં. ફિલ્મમાં માત્ર 2 દિવસ કામ કર્યું. 24 હજાર રૂપિયા મળવાના હતા, પરંતુ મને ખાલી 2 હજાર મળ્યા. બાકીના પૈસા કો-ઓર્ડિનેટરે લઈ લીધા. હું તો શાહરુખને મળીને ઘણો જ ખુશ હતો.

સતત કામ ના મળ્યું તો મફતમાં પણ કર્યું
એક ફિલ્મ તો મળી, પરંતુ સતત કામ મળતું નહોતું. ક્યારેક મફતમાં સ્ટેજ શો કર્યા તો ક્યારેક આખા દિવસના 300 રૂપિયા જ મળ્યા. એક સમયે તો મારી પાસે દૂધ ખરીદવાના પૈસા નહોતા. પૈસા બચાવવા માટે હું મીરા રોડ સ્ટેશનથી ઘર સુધી પાંચ કિમી ચાલીને જતો. ઘણો જ મુશ્કેલ સમય હતો. મિત્રો પાસેથી 10-20 રૂપિયા ઉધાર લેતો.

દુબઈ ગયો, પરંતુ પરિવારની સ્થિતિ જોઈને પરત આવ્યો
2008 સુધી મુંબઈમાં કામ ના મળ્યું તો દુબઈ જતો રહ્યો. અહીં એન્કર બન્યો, ગીતો ગાયા અને સ્ટેજ શો કર્યા. જે ક્લબમાં કામ કર્યું એ મારા સમયગાળા દરમિયાન દુબઈની નંબર વન ક્લબ બની ગઈ હતી. મુંબઈમાં મારી પત્ની ને બાળકની સ્થિતિ ખરાબ હતી. વીડિયો-કૉન્ફરન્સમાં બાળકની હાલત જોઈને હું ત્રણ મહિનામાં જ દુબઈથી ભારત આવી ગયો. થોડા ઘણા પૈસા જમા થયા હતા તેમાંથી ભાયંદરમાં EMI પર ફ્લેટ લીધો.

પત્નીની બીજી ડિલિવરી કરાવવાના પૈસા નહોતા
કામ બહુ ઓછું મળતું અને એને કારણે ઘર ચલાવવું મુશ્કેલ હતું. આ દરમિયાન બીજા બાળકનો જન્મ થયો. પત્નીની ડિલિવરી માટે મિત્રો પાસેથી 30 હજાર રૂપિયા ઉધાર લીધા. પરિવારનો સપોર્ટ નહોતો. ડૉક્ટરે પત્નીને દોઢ મહિના સુધી આરામ કરવાનું કહ્યું. પત્નીનાં પિયરિયાં ખબર કાઢીને તરત જ જતાં રહ્યાં. પત્નીની ડિલિવરીના બીજા દિવસથી જ કામ શરૂ કર્યું. હોર્મોન્સ ઇમબેલેન્સ થતાં પત્ની ડિપ્રેશનમાં જતી રહી. ઊંઘની દવા લીધા વગર સૂઈ શકતી નથી. ધીમે ધીમે શાહરુખ ખાન સાથે ફિલ્મ મળવા લાગી. મારી મહેનત જોઈને શાહરુખ પણ મને બીજે કામ અપાવતો હતો. ક્યારેક 2 તો ક્યારેક 3 હજાર રૂપિયા મળતા. પછી એક જાહેરાતના 10 હજાર રૂપિયા મળવા લાગ્યા.

શાહરુખે પ્રશાંતને ઓફિશિયલ લુક અલાઇક બનાવ્યો
સાથે કામ કરતાં કરતાં શાહરુખ ખાને જ પોતાની ટીમમાં મારું નામ આપવાનું શરૂ કર્યું. મને ડિરેક્ટર-પ્રોડક્શનમાંથી ફોન આવવા લાગ્યા. ક્યારેક 50 તો ક્યારેક 30 હજાર રૂપિયા મળતા. વિદેશમાં શૂટિંગ હોય તો 3 લાખ સુધી મળતા.

ફૅન’ ફિલ્મના પ્રતાપે ગોરેગાંવમાં ઘર ખરીદ્યો
‘ફૅન’ ફિલ્મમાં મેં 60 દિવસ કામ કર્યું. આ ફિલ્મમાંથી સારીએવી કમાણી થઈ અને એ જ પૈસામાંથી ગોરેગાંવમાં ઘર ખરીદ્યું.

શાહરુખના વિવાદોને કારણે પ્રશાંતનો બોયકોટ થયો
શાહરુખ ખાનની ફિલ્મ ફ્લોપ થવા લાગી તો મારું જીવન બદલાઈ ગયું. જ્યારે ઓરિજિનલ સ્ટાર્સ ચાલે ત્યારે જ ડુપ્લિકેટ્સ ચાલે છે. તેમનાં કેટલાંક વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેમનો બોયકોટ થયો અને તેને કારણે મારો પણ બોયકોટ થયો. લોકો કહેતા કે ભલે હું હિંદુ છું, પરંતુ એક મુસ્લિમની છબિ માટે કામ કરું છું. મને કામ મળવાનું બંધ થઈ ગયું.

2019માં દુબઈ જતો રહ્યો. અહીં બોલિવૂડ પાર્કમાં કામ કરતો અને મહિનાના 2 લાખ રૂપિયા મળતા. મારે લોન ચૂકવવાની હતી અને સેટલ થવાનું હતું. એ સમયે શાહરુખ ખાન કોઈ ફિલ્મ કરતા નહોતા, કારણ કે તેમની સતત પાંચ ફિલ્મ ફ્લોપ રહી હતી. ચાર મહિના સુધી દુબઈમાં સારું કામ ચાલ્યું, પરંતુ કોરોનાને કારણે કામ બંધ થઈ ગયું. તે લોકોએ મને મુંબઈ મોકલી દીધો.

નાગપુર જઈને ફિલ્મ બનાવી
હું પરિવાર સાથે નાગપુર આવી ગયો. એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી અને ઓળખીતાઓ સાથે ફિલ્મ બનાવી. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ બધા પોત-પોતાના પૈસા લઈને નીકળી ગયા. હું એકલો પડી ગયો. શાહરુખ ખાનની મદદથી ફિલ્મ રિલીઝ કરી. તેમની બ્રાન્ડ વેલ્યુને કારણે મારું પ્રમોશન થયું અને ફિલ્મ 125 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ.

લોકો મજાક ઉડાવતા
હું શોમાં શાહરુખ ખાન બનીને આવતો તો લોકો ગમે તેવી મજાક ઉડાવતા. લોકો ગંદી કમેન્ટ્સ કરતા. કોઈ અપમાન કરીને હસતું. મને ઘણું જ દુઃખ થતું. ત્યારે જ નક્કી કર્યું હતું કે મારી અલગ ઓળખ બનાવીશ, આથી જ મેં ફિલ્મ બનાવી હતી.

ભીડ જ્યારે પ્રશાંતને અસલી શાહરુખ ખાન સમજી બેઠી
એકવાર હું શાહરુખ ખાનને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા મન્નત ગયો હતો. મેં મન્નતના ગેટ આગળ શાહરુખના પર્સનલ બોયને ફોન કર્યો. તેણે કહ્યું કે શાહરુખ ખાન સૂવે છે અને તે 11.30 વાગે ઊઠશે. હું એ સમયે કેક ને ફૂલો લઈને આવ્યો હતો. લોકોને લાગ્યું કે હું શાહરુખ ખાન છું અને ભીડ મારી તરફ આવવા લાગી. બેકાબૂ ભીડે ભારે ઉત્પાત મચાવ્યો હતો. કારને પણ નુકસાન થયું હતું. ભગવાનનો આભાર કે પોલીસ આવી અને મને બચાવ્યો. પોલીસ જો ના આવત તો મારાં કપડાં પણ ફાટી ગયાં હોત. મને બ્રાંદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. અહીં શાહરુખ ખાનના પર્સનલ બોયનો ફોન આવ્યો તો મેં કહ્યું કે પોલીસ પકડીને લઈ ગઈ છે. અડધો કલાક અહીં બેસી રહ્યો. પોલીસે શાહરુખ ખાનના ડાયલોગ બોલાવડાવ્યા ને ગીતો ગવડાવ્યા હતા.

શાહરુખ બનીને મન્નતની બાલ્કનીમાં ચાહકોને મળ્યો છું
‘ફૅન’ ફિલ્મનું શૂટિંગ શાહરુખ ખાનના બંગલા મન્નતમાં થયું હતું. બર્થડેનો સીન શૂટ કરવાનો હતો. શાહરુખને મળવા ચાહકો બહાર ઊભા રહેતા હોય છે. શાહરુખ બાલ્કનીમાં આવીને ચાહકોનું અભિવાદન કરતો હોય છે. શાહરુખે મને મોકલ્યો હતો અને પછી સીન શૂટ કર્યો હતો.

‘ડિયર જિંદગી’નું શૂટિંગ ગોવામાં હતું. શાહરુખ ખાનને મળવા માટે ચાહકો ઉત્સુક હતા. ડિરેક્ટર ને શાહરુખને ખબર હતી કે પેકઅપ થતાં જ ભીડ ધસી આવશે. બંનેએ પ્લાન બનાવ્યો કે પેકઅપ બોલવાનું નથી. જોકે ગૌરીએ ભૂલથી પેકઅપ કહી દીધું, પરંતુ શાહરુખે આંખ મારી ને ગૌરીએ ફરીથી ટેક લેવાની વાત કહી. મને ખ્યાલ આવી ગયો હતો. હું લોકોની વચ્ચે જઈને પોઝ આપવા લાગ્યો. ભીડ મારી બાજુ આવી અને શાહરુખ ત્યાંથી નીકળી ગયો. થોડા સમય બાદ ભીડને પણ ખ્યાલ આવી ગયો કે હું શાહરુખનો ડુપ્લિકેટ છું.

લખનઉમાં તાજબાગમાં શૂટિંગ હતું. કોઈએ એવી અફવા ફેલાવી કે શાહરુખ ખાન આવ્યો છે. ભીડને કારણે હું એક ઘરમાં બે કલાક સુધી છુપાયેલો રહ્યો. તક મળતાં જ ત્યાંથી ભાગ્યો હતો.

શાહરુખ ખાનનાં જ કપડાં પહેરીને શૂટિંગ કરું
શૂટિંગમાં મોટા ભાગે મારા ને શાહરુખ માટે એક જેવાં જ કપડાં તૈયાર કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર શાહરુખ પર્સનલ કપડાં પણ પહેરે છે. આ સમયે તે મારા માટે કપડાં મૂકીને જાય છે. આ કપડાં પહેરીને હું શૂટિંગ કરું છું.

શાહરુખ નુકસાનની ભરપાઈ કરે છે
જ્યારે શાહરુખની ફિલ્મને કારણે મારે મારા બીજા પ્રોજેક્ટ્સ અધવચ્ચે છોડવા પડે તો શાહરુખ ખાન તે પ્રોજેક્ટ્સના પૈસા આપે છે. હું ઘણીવાર કહું કે મારી ગેરહાજરીમાં બીજા પાસે કામ કરાવી લો, પરંતુ શાહરુખે ક્યારેય આવું કર્યું નથી.

ટિકટોકને કારણે કામ મળતું ઓછું થયું
પહેલાં મુંબઈમાં અંદાજે 25-30 જ લુક અલાઇક હતા. એ સમયે પુષ્કળ કામ મળી રહેતું. જોકે પછી ટિકટોક આવ્યું, વ્હોટ્સએપ આવ્યું તો સ્પર્ધા ઘણી જ વધી ગઈ. હવે તો દરેક ઘરમાં એક કલાકાર છે.