AAPમાં આંતરિક વિખવાદ, ગેહલોતના પંચ પર આક્ષેપો, મોઢવાડીયાના આપ પર પ્રહાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પહેલી નવેમ્બર પછી કોઈપણ સમયે ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરવાની સાથે સાથે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા નંબર પણ જાહેર કર્યો છે. ત્યારે બીજી બાજુ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં અનેક પ્રકારની નારાજગી પણ જોવા મળી છે. કોંગ્રેસના નેતાઓની પરિવર્તન યાત્રા પણ શરૂ થઈ છે. ત્યારે કોંગ્રેસના નિરિક્ષક અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે, મોદીના કાર્યક્રમો પુરા નહીં થાય ત્યાં સુધી ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત નહીં કરે

મોદીનો કાર્યક્રમ પુરો થયા પછી ચૂંટણી જાહેર કરશેઃ અશોક ગેહલોત
દક્ષિણ ગુજરાતના પ્રવાસ આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલ સત્તામાં આવતા જ ગાંઘીના ફોટાઓને હટાવી નાખ્યા છે. આને ગુજરાત ક્યારેય સાખી નહી લે. ભાજપ દ્વારા જે સ્થિતિ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઊભી કરી છે.તેના કારણે લોકોમાં ભારે રોષ પરિવર્તની ઈચ્છા છે.ભારતીય જનતા પાર્ટી સત્તા પર ટકી રહેવા માટે કોઈપણ પ્રકારનો પ્રયાસ કરે છે. તેઓ એક પ્રકારે ડરનો માહોલ ઊભો કરે છે. આજે ગુજરાતની અંદર અને દેશમાં ભાજપની કાર્યાલય ફોર સ્ટાર જેવી બની રહી છે. આ બધા રૂપિયા ઉદ્યોગપતિઓને ધમકાવીને તેમની પાસેથી લેવામાં આવી રહ્યા છે. અહીં લોકશાહી જેવું કશું જ રહ્યું નથી માત્ર કાળા ઝંડા બતાવનારાઓને પાસામાં ધકેલી દેવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે.

કોંગ્રેસની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનસંપર્ક અને કોંગ્રેસની વાતને પ્રજા સુધી પહોંચાડવા માટે આગામી 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ અને ઈન્દિરા ગાંધીના નિર્વાણદિને ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ શરૂ કરવામાં આવશે.‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમિયાન ગુજરાતના 4.50 કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવશે. જે સમગ્ર યાત્રામાં 145 જાહેર સભાઓ, 35 સ્વાગત પોઈન્ટ, 95 રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વ્યાપક જનસંપર્ક માટેની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કુલ 5432 કિમીથી વધુનું અંતર કાપશે. આ અંગે કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ રાજકોટમાં મીડિયા સાથે વાત કરી હતી.

AAPએ ઉમેદવાર તેજસ ગાજીપરાને અયોગ્ય ગણાવ્યા
જસદણ 72 વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસ ગાજીપરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં ક્યાંકને ક્યાંક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લેવલે ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉથલ-પાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ તેજસ ગાજીપરાનો મેસેજ કરી વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકને ટિકિટ આપવા કાર્યકરોની માગ છે.જસદણ આમ આદમી પાર્ટીનું વોટ્સએપ ગ્રુપ ‘જીજે ઇલેક્શન કો-ઓર્ડિનેટર’માં કાર્યકરોએ તેજસ ગાજીપરાના વિરૂદ્ધમાં મેસેજ લખ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘આજરોજ જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે તે અયોગ્ય છે.

સુરતમાં મનપાના કાર્યક્રમમાં આપના કોર્પોરેટરોને ડિટેઇન કરાયા
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17 ના કિરણ ચોક ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાનું નામ ન લખ્યું હોવાનું તેમજ કાર્યક્રમમાં હાજરી આપવા જવાના આગ્રહ સાથે કોર્પોરેટરો પહોંચતા તેમને રોકવામાં આવ્યા હતા.સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ ઓફિસ નો લોકાર્પણ તેમજ અલગ અલગ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો વિરોધ પક્ષના નેતાના વિસ્તારમાં જ કાર્યક્રમ હોવા છતાં પણ વિપક્ષ નેતાનું નામ આમંત્રણ પત્રિકામાં નામ નહિ લખીને સુરતની જનતાના મતનું આપમાંન કર્યું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. ત્યાર બાદ કાર્યક્રમમાં “આપ”ના કોર્પોરેટરો ને એન્ટ્રી ન આપીને પોલીસ પાસે અટકાયત કરવામાં આવી હતી.

અર્જુન મોઢવાડિયાનો AAP પર પ્રહાર
આગામી વિધાનસભાની ચૂંટણી ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા ટૂંક સમયમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે જેની સામે અર્જુન મોઢવાડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક નહિ ચાર ચહેરા જાહેર કરશે કારણ કે એમની પાસે એક ધારાસભ્ય નથી, જિલ્લા પંચાયત નથી, કાર્યકર્તા નથી છતાં આવી ખોટી વાતો કરે છે. આમ આદમી પાર્ટી ભાજપની બી ટિમ છે કોંગ્રેસને હરાવવા ભાજપની બી ટિમ આવતી હોય છે. પાછલા વર્ષે હું 1800 મતથી હાર્યો હતો અને BSP 4500 મત લઇ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આજે પણ કોંગ્રેસ સક્ષમ વિપક્ષ તરીકે છે જયારે ભાજપ અને અન્ય પક્ષોને ઘર ભેગું થવું પડ્યું છે.