ભારતમાં લોકશાહી છે પરંતુ શાસન નોકરશાહી કરે છે, જેનું સંચાલન નેતાશાહી કરે છે અને દેખરેખ અથવા ન્યાય ન્યાયપાલિકા કરે છે.
જાતિ વિરોધી અથવા જાતિઓને પોષતા બે-પાંચ કાયદાઓના ઓઠા તળે ભારતની આત્મા એવી પ્રજા, જનતા એક યંત્રની માફીક મરવાના વાંકે જીવે છે. હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવતા ભારતમાં અનેક શાશન વ્યવસ્થામાં ક્રૂરતા જ જોવા મળી હોવાથી લોકોનો ગુસ્સો એક સ્પ્રિંગમાં કેદ હતો જેને આઝાદીના ચળવળકારોએ ઓળખ્યો અને મસમોટી કુરબાનીઓ બાદ ભારતમાં લોકશાહીનો જન્મ થયો.
આવી લોકશાહીને હજુ તો ૭૫ વર્ષ પુરા થવામાં છે તેવામાં જ પ્રજા અને જનતામાં લાગણીઓની શૂન્યતા આજે ઠેર ઠેર નજરે ચડે છે. બચી કુચી લાગણીઓને નેતાઓ પંપાળી જરૂર રહ્યા છે પરંતુ એના અંગત હિતો માટે!! ત્યારે આવનારી જનરેશન લાગણી વિહીન અથવા લાગણીઓની વિરુદ્ધ સ્વાર્થને પોષણ આપનારી ક્રાંતિકારી પેઢી હશે.
અસ્સલમાં ભારતમાં કાયદાઓ ક્રમશ ઘટાડવાની જરૂરિયાત સામે કાયદાઓમાં વધારો એવા હેતુસર કરવામાં આવે છે કે લોકોની સ્વતંત્રતા બરકરાર રહે. લોકોની સુરક્ષા, હક્ક અને હિતો સુરક્ષિત રહે. આ બધાની વચ્ચે એક સવાલ ઉઠે છે કે જનતા માણસ કે નાગરિક બની રહી છે કે ઉપભોકતા (ગ્રાહક) આજે સરકારી કચેરીઓમાં માણસ એના જ હકકની દુહાઈ માંગવા જાય તો અરજી કરતા પહેલા જ એ કેટલાંક ઠગોના હાથમાં ચડી જાય છે, પરિણામ લાગણીઓ દુભાવાનું વધુ એક કારણ હાથ લાગી જાય છે, ભપકાદાર નેતાઓ, અધિકારીઓ, ન્યાયતંત્રમાં જજો, થાણામાં જમાદારો, ફોજદારો, અરે ન્યાય મેળવવા વકીલો પાસે જાવ તો ત્યાં પણ ભપકાની ઝલકમાં લોકોની લાગણી સુધી પહોંચે એવો નેતા, એવો અધિકારી, એવા ન્યાયધીશ કે એવો જમાદાર ક્યાં છે ?
સ્વાર્થી નેતાઓએ લોકોને ભપકાના ઉજાસમાં ક્યારે માણસ મટીને ગ્રાહક બનાવી દીધા એ નવી જનરેશનને નહીં સમજાય પણ જૂની જનરેશન શાસનની આ વ્યવસ્થાથી બેહદ દુઃખી અને નારાજ છે.
આ નારાજગીના મૂળ છે, બિનજરૂરી અથવા અષ્ટસ્પષ્ટ કાયદાઓ, વાત કરીએ આવા કાયદાઓની અને તેના પરિણામોની તો “ભરણ પોષણ” ‘અભિવ્યક્તિની આઝાદી’ (સ્વચ્છન્દતા) પોક્સો, એટ્રોસિટી, મેરેજ એક્ટ, લેન્ડગ્રેબિંગ, લવજેહાદ, ગુજસીકોટ, ખાનગીકરણ અને વિદેશી ઇન્વેસ્ટમેન્ટ એક્ટ. આ કાયદાઓ આજના સમયમાં જરૂરી હશે તેથી તેને બિનજરૂરી ના કહી શકાય પરંતુ આ કાયદાઓ અષ્ટસ્પષ્ટ છે એમ કહેવામાં અતિશયોકતી ન જ કહી શકાય.
ભરણપોષણ
આ કાયદામાં નારી સન્માન અને સ્ત્રી હક્કો સચવાય છે એ ખરું પરંતુ કેટલીક બદચલન સ્ત્રીઓ આવા મહાન કાયદાનો દુરુપયોગ કરે છે ત્યારે તેનો ભોગ બનનારને વળતર શું ? અને વળતર છે પણ તો તેની પ્રક્રિયા જટીલ શા માટે ? એક લાંબી ન્યાય પ્રક્રિયામાંથી પસાર થઈને જેના પર આરોપ મળવામાં આવ્યો તે બેકસૂર પુરવાર થાય અને ફરિયાદી કસૂરવાર પુરવાર થાય ત્યારે બેકસૂરને વળતર એટલે કે ખોટી રીતે યાતનાઓ ભોગવી તેનો ન્યાય મેળવવા પાછું એવડી જ ન્યાય પ્રક્રિયામાંથી પસાર થવું પડે. અને એ પ્રક્રિયા મોંઘીદાટ તો હોય છે પરંતુ ઝાક્ઝમાળમાં એના પ્રત્યે દુર્લક્ષતા સેવવામાં આવે એનો ન્યાય કોણ કરે ?
આવું જ અન્ય કાયદાઓમાં છે, અહીં ઉલ્લેખ કરવામાં આવ્યા એ કાયદાઓ તો નામચીન અને મશહૂર છે આવા અસંખ્ય કાયદાઓ છે જેની એક જાળ બનાવીને, તેના પર ઝાકમઝોળની ચમક લગાવીને માણસને એના હાલ પર મરતો છોડી દેવામાં આવે છે, આવો માણસ મોટાભાગે મરી જ પરવારે છે પણ જો તેમાંથી કોઈ બચી જવા પામે તો એ અતિક્રૂર એટલે કે કાયદાની ભાષામાં એને આંતકવાદી કહી શકાય, તો શું બચી જાય છે એ આંતકવાદી બનતા હશે ખરા ?
આ સવાલો જેવા અનેક સવાલો વચ્ચે માણસ ધીમે ધીમે ક્રૂર એટલે કે લાગણી વિહીન બની રહ્યો છે અને જે આ બનવા નથી માંગતો એ માણસ ધીમે ધીમે રુંધાઈને મૌતને હવાલેઃ થઈ રહ્યો છે.
એ હકીકત છે કે કોઈ એકલદોકલ લાગણીઓને પોષવા કાયદાઓમાં છેડછાડ કરી ન શકાય પરંતુ એનાથી પણ મોટી હકીકત એ છે કે શું ભારતમાં જાતિવાદ, રિવાજ કે પરંપરા ને પોષણ આપતા કાયદાઓ પર પુનઃર્વિચાર કરી ન શકાય? આ વિચારણા જનતાને કરવાનો અવસર આપી ન શકાય ? અથવા તો અંગુઠાછાપ નેતાઓને ‘યાવર્ત ચંદ્ર દિવાકરો’ જેવા કાયદાની છૂટ પરત લઈ ન શકાય ? યાદ રાખવા જેવી અન્ય એક હકીકત એ પણ છે કે કાયદાની અમલવારી નોકરશાહો ના હાથમાં છે અને નોકરશાહીમાં પણ અનેક નોકરો ભ્રષ્ટાચારથી લિપ્ત છે. આવા સંજોગોમાં નાની અમથી ફરિયાદ ઉઠે ત્યારે કાયદો તટસ્થ છે અને કાયદો કાયદાનું કામ કરશે એવું કહી ને છટકી જતાં નેતાઓને ફરી બાગડોર શા માટે આપી શકાય? આ બહોળી જનતાએ વિચારવાનું છે જો લોકતંત્રમાં માનતા હોય તો, અન્યથા યા વત ચંદ્ર દિવાકર માં સુનમૂન, ગમગીન બેસીને ફરી સુભાષ, ગાંધી કે સરદાર, ભગત કે આઝાદ જેવા ચળવળ કારોની રાહ જોઈ શકાય.