લેઉવા પાટીદારોને મનાવવાનો મોદીનો ગેમ પ્લાન, મંત્રીની ટિકિટ કાપી બિઝનેસમેનને ઉતારી શકે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવા હવે ઘડીઓ ગણાઈ રહી છે. રાજકારણની શતરંજમાં તમામ પક્ષોએ એકબીજાને મ્હાત આપવા બાજી બિછાવી દીધી છે, જેમાં 25 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી બીજેપીએ નવો જ દાવ ખેલ્યો છે. વર્ષ 2017ની ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલી સર્જનારા પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપે આ વખતે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વિધાનસભાની ચૂંટણી વખતે લેઉવા પાટીદાર સમાજની આસ્થાના ધામ એવા ખોડલધામ ખાતે PM નરેન્દ્ર મોદી આવે એવી શક્યતા છે. નરેશ પટેલ સહિતના ખોડલધામના ટ્રસ્ટીઓ ખુદ દિલ્હી જઈને PMને આમંત્રણ આપી આવ્યા છે. મોદીની ખોડલધામની મુલાકાતથી સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી 22 અને ગુજરાતની 50 બેઠક પર સીધી અસર થશે, જેનો સીધો લાભ ભાજપને થશે એ નક્કી છે. આ 22 સીટ પર અંદાજે 10 લાખથી વધુ પાટીદાર મતદારો છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્રની 22 સીટમાંથી 15 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. માત્ર એટલું જ નહીં આ 22 સીટમાંથી ભાજપને માત્ર 9 અને કોંગ્રેસને 13 સીટ મળી હતી. પરંતુ આ વખતે ચિત્ર ઉલટાવી દેવા માટે મોદીએ સોગઠા ગોઠવી દીધા છે.

મોદી અને નરેશ પટેલ એક મંચ પર!
ખોડલધામ ખાતે યોજાનારા આ કાર્યક્રમનું રાજકીય મહત્ત્વ ખૂબ જ વધારે છે. સૌથી મહત્ત્વની વાત છે કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા છે. ચૂંટણી પહેલાં તેઓ રાજકારણમાં ભાજપ વિરુદ્ધ પક્ષમાં જોડાવા પણ ઇચ્છતા હતા, જોકે અંતિમ ઘડીએ તેમણે રાજકારણમાં પ્રવેશ ન કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે ભાજપની મહાસભા જો ખોડલધામમાં યોજાઈ એટલે એક સ્પષ્ટ સંદેશો આપવાનો પ્રયાસ થાય. નરેશ પટેલ નરેન્દ્ર મોદીની સાથે એક સ્ટેજ પર જોવા મળે એટલે લેઉવા પાટીદાર સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ થાય. આમ વિધાનસભાની ચૂંટણી પહેલાં છેલ્લા એક દાયકાથી ગ્રામ્ય સ્તરે નારાજ લેઉવા પાટીદારોને મનાવવાનો એક મોટો પ્રયાસ થશે.

કેવી રીતે મોદીએ મોકો જોઈને ચોગ્ગો માર્યો
આ આખો ખેલ 20 દિવસ પહેલાં ભજવાયો હતો. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ 11 ઓક્ટોબરે જામકંડોરણા જંગી રેલીનું આયોજન કર્યું હતું. ગુજરાતના રાજકારણની નસેનસથી પરિચિત મોદીએ અહીં મોકો જોઈને ચોગ્ગો માર્યો હતો. સભામાં ખોડલધામના અમુક ટ્રસ્ટીઓની હાજરીમાં મોદીએ કાગવડ આવી માતાજીનાં દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બિઝનેસમેન અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ તુંરત મોદીની ઈચ્છા પૂર્ણ કરવા તૈયારી બતાવી અને તેમને ખોડલધામ આવવાનું મૌખિક આમંત્રણ પણ આપી દીધું. એટલું જ નહીં, રમેશ ટીલાળાએ મીડિયામાં પણ આ વાતની જાહેરાત કરી દીધી હતી, જેને લઈને અમુક ટ્રસ્ટીઓમાં ગણગણાટ પણ શરૂ થયો હતો.

ખુદ નરેશ પટેલ આમંત્રણ આપવા દિલ્હી ગયા
પીએમ મોદીને ખોડલધામ આવવાના આમંત્રણને પગલે અમુક ટ્રસ્ટીઓમાં નારાજગી બહાર આવી હતી. જોકે જામકંડોરણાની સભાના 10 દિવસ બાદ, એટલે કે 22 ઓક્ટોબર ખુદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી, પ્રવીણભાઈ પટેલ દિલ્હીમાં પીમ મોદીને મળીને વિધિવત્ ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ આશરે 40થી 45 મિનિટ વડાપ્રધાનને મળ્યા હતા. આ અંગે નરેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ રાજકીય મુલાકાત નથી, સૌરાષ્ટ્રના પ્રવાસે આવો ત્યારે જરૂર ખોડલધામ મંદિરે દર્શન કરવા આવજો એવી વાત થઈ છે. ઔપચારિક વાત કરી હતી.

ખોડલધામમાં પાંચ લાખ લોકો ભેગા કરવાનું આયોજન
આ અંગે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે અમે દિલ્હી વડાપ્રધાનને મળ્યા હતા. પાંચ લાખથી વધુ લોકો ભેગા થાય એવી શક્યતા છે. વડાપ્રધાન સાથે મુલાકાત કરી એમાં ઔપચારિક ચર્ચાઓ થઈ હતી. ખોડલધામનાં દર્શન કરવા આમંત્રણ આપ્યું હતું તો વડાપ્રધાને અમને કહ્યું હતું કે આવીશ તો કહેવડાવીશ. અમારી વચ્ચે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. ટિકિટની કોઈ માગણી કરવામાં આવી નથી. દર્શન અને ધ્વજા ચડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. PMO દ્વારા હવે જાણકારી આપવામાં આવશે. જાણકારી આપવામાં આવ્યા બાદ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીશું.

નરેશ પટેલ કેમ માની ગયા?
ખોડલધામ-અધ્યક્ષ નરેશ પટેલની મોદી સાથે તસવીરો બહાર આવતાં અનેક લોકોને નવાઈ લાગી હતી. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે એવું તે અચાનક શું બન્યું કે નરેશ પટેલ છેક દિલ્હી જઈને મોદીને આમંત્રણ આપવા રાજી થયા. રાજકારણને અંદરથી જાણતા લોકોનું કહેવું છે કે આ મુલાકાત ભલે બિનરાજકીય હતી, પણ એમાં રાજકારણના અનેક ખેલ ખેલાયા હતા. નરેશ પટેલ સાથે જે ટ્રસ્ટીઓ ગયા હતા તેમાંથી અમુક ટ્રસ્ટીઓ ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક છે. નરેશ પટેલે પણ આડકતરી રીતે આ ટ્રસ્ટીઓનું લોબિંગ કર્યું હોય તો નવાઈ નહીં. એવી પણ ગણતરી હોઈ શકે કે અમુક ટ્રસ્ટીઓ ધારાસભ્યો બંને તો ભવિષ્યમાં પાટીદાર સમાજ માટે કંઈક કામ કરી શકે.

મંત્રી રૈયાણીની જગ્યાએ રમેશ ટીલાળાને ટિકિટ?
મોદીના આમંત્રણમાં સૌથી વધુ રસ ટીલાળા લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ટીલાળા રાજકોટ પૂર્વ સીટ પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માગે છે. આ સીટ પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહારમંત્રી અરવિંદ રૈયાણી છે. મંત્રી રૈયાણીની જગ્યાએ રમેશ ટીલાળાને ટિકિટ આપી બીજેપી તેમને શિરપાવ આપી શકે છે.

કોણ છે રમેશ ટીલાળા?
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા રમેશ ટીલાળાએ શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે. એટલું જ નહીં, ટીલાળાની કંપની એરબસ અને બોઇંગમાં એરોનેટિક પાર્ટ્સ પણ સપ્લાય કરી રહી છે. રમેશભાઈ સવારના સમયે 5.30 વાગ્યે યોગ પ્રાણાયામ પછી પૂજા-અર્ચના કર્યા બાદ પોતાના ઓફિસ કામની શરૂઆત કરે છે. ટીલાળા સપ્તાહમાં એક વખત પોતાનાં કુળદેવી અને લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન ખોડિયાર માતાજીનાં દર્શન કરવા કાગવડ અચૂક જાય છે. હાલમાં તેઓ રાજકોટ શહેરમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે, જે પૈકી પુત્રીના લગ્ન થઇ ચૂક્યા છે, જ્યારે પુત્રના લગ્ન બાકી છે.

ખોડલધામમાં કોઈપણ પોલિટિકલ પાર્ટીના નેતાઓ આવી શકે છે: મિતુલ દોંગા
ખોડલધામ સાથે જોડાયેલા મિતુલ દોંગાએ જોકે ખોડલધામમાંથી નિયમ મુજબ રાજીનામું આપી ગત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી અને હાર મળી હતી. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ખોડલધામ આસ્થાનું પ્રતીક અને ખોડિયાર માતાજીનું મંદિર છે. એ ધાર્મિક સંસ્થા છે જેમાં ભૂતકાળની અંદર કેશુબાપા પણ આવ્યા હતા. સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાં હતા ત્યારે અને ભાજપમાં હતા ત્યારે પણ આવ્યા હતા. જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રીઓ સહિત પાટીદાર નેતાઓ ખોડલધામ આવે છે. કોંગ્રેસના નેતાઓ પણ આવે છે. આ સંસ્થાની અંદર કોઈપણ પોલિટિકલ પાર્ટીના નેતાઓ આવી શકે છે. પાટીદાર ભાજપ તરફ વળે એવું એટલા માટે ન બને કે વ્યક્તિઓ એક વિચારધારા સાથે સંકળાયેલી હોય છે. મોદી ખોડલધામ આવે તો નરેશભાઈ કોઈ સ્પેસિફિક મેસેજ તો આપવાના નથી. વડાપ્રધાન તરીકે એક ગુજરાતી આવે તો સંસ્થા માટે ગૌરવ કહેવાય.

ગત ચૂંટણીમાં પાટીદારોએ ભાજપને પાણી બતાવી દીધું હતું
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સુરતની 50 જેટલી બેઠકો પર લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ભાવનગર જિલ્લામાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. જોકે વર્ષ 2012 અને વર્ષ 2017માં ગ્રામ્ય વિસ્તારોમાં લેઉવા પાટીદાર સમાજ નારાજગીનો ભોગ બન્યો હતો, જેની સીધી જ અસર પરિણામ પર જોવા મળી હતી. જો પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2012માં ભાજપને 35 અને કોંગ્રેસને 16 બેઠક મળી હતી, જે વર્ષ 2017માં ઘટીને ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે અન્યને 1 સીટ મળી હતી.

આ વખતે ભાજપ કોઈ રિસ્ક લેવા માગતો નથી
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. આમ આદમી પાર્ટીની અસરને કારણે શહેરી મતદારોમાં પણ અસર પડી શકે છે. ત્યારે ભાજપ કોઈ જ રિસ્ક લેવા માગતું ન હોય અને શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આમ તો ખોડલધામ એક સામાજિક સંસ્થા છે અને રાજકારણથી દૂર રહે છે, પરંતુ જ્યાં પણ લેઉવા પાટીદાર સમાજ વસે છે ત્યાં તેની ખોડલધામ સમિતિ આવેલી છે, જેને કારણે તેનું ગામડે-ગામડે નેટવર્ક જોડાયેલું છે અને ચૂંટણી સમયે ચોક્કસ એની અસર વર્તાય છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં લેઉવા પાટીદાર સમાજની નારાજગી દૂર થાય અને ભાજપને એનો ફાયદો થાય એવો પ્રયાસ ચોક્કસ થઇ રહ્યો છે.

અમરેલી, જૂનાગઢ, જામનગરમાં ભાજપને ભોગવવું પડ્યું હતું
વર્ષ 2017માં લેઉવા પાટીદાર સમાજના ગઢ સમાન અમરેલી, જૂનાગઢ, જામનગરમાં ભાજપને નુકસાન ગયું હતું અને કેટલીક તો પરંપરાગત વર્ષોથી ભાજપના ગઢ સમાન બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વાતનું પુનરાવર્તન ન થાય એ માટે BJP લેઉવા પાટીદાર સમાજને પોતાના તરફ આકર્ષિત કરવાનો કોઈ મોકો જોડવા માગતી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ખોડલધામ લેઉવા પાટીદાર સમાજની આસ્થા અને એકતાનું પ્રતીક છે. અત્યારસુધી નરેન્દ્ર મોદી કડવા પાટીદાર સમાજની અનેક સંસ્થાઓના કાર્યક્રમમાં આવી ચૂક્યા છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ માતાજીનાં દર્શન કરીને નરેન્દ્ર મોદી લેઉવા પાટીદાર સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરશે અને વિધાનસભાની ચૂંટણી પહેલાંનો આ માસ્ટર સ્ટ્રોક ગણાશે, જે ગેમ ચેન્જર પણ બની શકે છે.

દેશ-વિદેશના લાખો લેઉવા પટેલ દર્શનાર્થે આવે છે
વિધાનસભા ચૂંટણી ટાણે વડાપધ્રાન નરેન્દ્ર મોદી હોય કે અન્ય કોઈપણ પાટીદારો જ હોવાનું સ્પષ્ટ છે. ખોડલધામ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતીક છે અને વિખ્યાત ધર્મસ્થળ તરીકે ઊભરી આવ્યું છે. દેશ-વિદેશના હજારો-લાખો લેઉવા પટેલ દર્શનાર્થે આવે છે. અન્ય ધર્મના લોકો પણ આસ્થા-શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે. કોઈપણ સામાજિક કે રાજકીય કાર્યક્રમો વખતે પણ નેતાઓ આગેવાનો માથું ટેકવવા જતા હોય છે. લેઉવા પટેલ સમાજને પડખે રાખવાનો રહેતો હોય છે. ચૂંટણી વખતે નેતાઓની મુલાકાતો વધી જતી હોય છે.

ખોડલધામને રાજકીય પ્લેટફોર્મ ન બનાવવા અગાઉથી નિશ્ચિત
ખોડલધામના ટ્રસ્ટીઓ જુદા-જુદા પક્ષો સાથે સંકળાયેલા હોય છે. ખોડલધામ કોઈપણ રાજકીય પક્ષ કે નેતાને સમર્થન આપતું નથી કે સીધી રીતે રાજકા૨ણમાં સામેલ નથી. ચેરમેન નરેશ પટેલના રાજકા૨ણમાં સામેલ નથી. ચેરમેન નરેશ પટેલના રાજકા૨ણ પ્રવેશની હિલચાલ વખતે પણ ખોડલધામે જ બ્રેક મરાવી હતી. ટ્રસ્ટીઓ વ્યક્તિગત રીતે ભલે ગમે તે પક્ષ સાથે જોડાયેલા હોય, ખોડલધામનો રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ ન થવા દેવાનું અગાઉથી નિશ્ચિત થયેલું છે.

ક્યારે થઈ ખોડલધામની શરૂઆત
માર્ચ-2010માં ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અને જાન્યુઆરી-2011માં મંદિરની શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. ‘ભક્તિ દ્વારા એકતા શક્તિ’ અને ‘ચાલો એક બનીએ, એકમેકના બનીએ’ દ્વારા મંદિરની સ્થાપનાનો હેતુ સ્પષ્ટ હતો. જાન્યુઆરી 2012માં શિલાપૂજન વિધિ દરમિયાન લાખો પાટીદારો એકઠા કરીને નરેશ પટેલે શક્તિપ્રદર્શન કર્યું હતું. 2017માં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પાંચ દિવસમાં 75 લાખ લોકોએ દર્શન કર્યા હોવાનો સંસ્થાનો દાવો છે.

ખોડલધામમાં નોંધાયેલા રેકોર્ડ

  • 2015માં એક જગ્યાએ એક જ્ઞાતિના 521 લગ્નનો એશિયા બુક અને ઇન્ડિયા બુકનો રેકોર્ડ
  • 2017માં 5 લાખ લોકોએ એકસાથે રાષ્ટ્રગાન ગાયું, એનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
  • 2017માં 1008 કુંડ હવનમાં એક જ્ઞાતિના 6048 યજમાનો બેઠા હતા, એનો ઇન્ડિયા બુક અને એશિયા બુક રેકોર્ડ
  • 2016-17માં મા ખોડલનાં દર્શનનો 1.25 લાખથી વધારે કિમીનું પરિભ્રમણ થયું, એનો એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં રેકોર્ડ
  • 2012માં 24435 દંપતી શિલાપૂજન વિધિમાં બેઠા એનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ.