જામનગરની 5 બેઠક પર સેન્સ પ્રક્રિયા:કાલાવડ બેઠક પર 50થી વધુ દાવેદારો

જામનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગઈ કાલે જામનગર ઉત્તર અને દક્ષિણ બેઠક પરની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે વધુ ત્રણ બેઠક પર સેન્સ પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડવા ઈચ્છુંક દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યાં હતા.

ત્રણ નિરીક્ષકોએ દાવેદારોની રજૂઆત સાંભળી
જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ત્રણ નિરીક્ષકો ભાજપ કાર્યાલય ખાતે આવ્યાં છે. જેમાં પ્રદીપ પરમાર, સુરેશ ગોધાણી અને રેખાબેન ડુંગરાણીએ દાવેદારોની રજૂઆત સાંભળી હતી.

કાલાવડ બેઠક પર દાવેદારોનો રાફડો ફાટ્યો
​​​​​​​
જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભાની બેઠક માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગર ગ્રામ્ય બેઠક અને જામજોધપુર બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલ ભાજપના ત્રણ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લાની આ ત્રણ બેઠકો માટે સૌથી વધુ કાલાવડ વિધાનસભાની બેઠક પર દાવેદારોનો રાફડો ફાટ્યો છે. કાલાવડ બેઠક પર 50થી વધુ દાવેદારોએ ટિકિટની માગ કરી છે.

​​​​​​​કૃષિમંત્રી રાઘવજી પટેલે ગ્રામ્ય બેઠક પર દાવેદારી નોંધાવી
જામનગર ગ્રામ્ય બેઠક પર હાલના ધારાસભ્ય અને કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવેદારી નોંધાવી છે. જ્યારે કાલવડ વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, લાલજી સોલંકી અને શિક્ષણ વિભાગના સચિવ દિપક વાઘેલા સહિત 50 થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત જામજોધપુર વિધાનસભાની બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરિયા સહિત અનેક ભાજપના આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.

આ ત્રણમાંથી એક બેઠકમાં ભાજપની જીત થઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં જામનગરની ગ્રામ્ય બેઠક પર ભાજપની હાર થઈ હતી. જોકે, પેટા ચૂંટણી યોજવામાં આવતા તેમાં ભાજપના રાઘવજી પટેલની જીત થઈ હતી. જ્યારે જામજોધપુર અને કાલાવડ બેઠક પર ભાજપની હાર થતા આ ત્રણ બેઠકમાંથી એક બેઠકમાં ભાજપની જીત થઈ હતી.