પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રા 4 લગ્ન કરવા માટે મુસ્લિમ બન્યો:

‘તે મને મારાં બાળકોની સામે ચંપલથી અને લાતોથી મારતો, બેલ્ટથી પણ મારતો. મારું સિમ તોડી નાખ્યું અને ખર્ચ માટે પૈસા પણ નહોતો આપતો.’ આટલું કહેતાં જ બોલિવૂડ પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રાની પત્ની યાસ્મીન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.

કમલ કિશોર મિશ્રાની અંબોલી પોલીસ સ્ટેશને ધરપકડ કરી છે, જોકે યાસ્મીનની ફરિયાદના નવ દિવસ બાદ તેની ધરપકડ કરવામાં આવી, એ પણ ત્યારે, જ્યારે તેણે યાસ્મીને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે.

વાતચીતમાં યાસ્મીને એ દિવસની વાત કહી હતી. તેણે આરોપ મૂક્યો છે કે આ દરમિયાન તેના પતિની સાથે ચોથી પત્ની આયેશા પણ હતી. CCTV ફૂટેજ પણ યાસ્મીની વાતની પુષ્ટિ કરે છે. કમલ કિશોર મિશ્રાની સાથે આયેશા વિરુદ્ધ પણ અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

મોડલ આયેશા સુપ્રિયાની સાથે પકડાયો તો કાર ચઢાવી
યાસ્મીનના મતે ‘એ ઘટના 19 ઓક્ટોબરની છે. મે, 2022થી હું તેમના ઘરથી દોઢેક કિમી દૂર ત્રણ બાળકો સાથે એકલી રહું છું. 19 ઓક્ટોબરની રાત્રે 3 વાગે હું તેમને મળવા ઘરે આવી હતી. અહીં મારી નજર કાર પર પડી હતી.’

‘કારમાં મોડલ આયેશા તથા કમલ કિશોર મિશ્રી બંને રોમાન્સ કરતાં હતાં. મેં કારના દરવાજોનો કાચ ખખડાવ્યો હતો. તેમણે ઝડપથી કારવાળી અને મારા પગ પર ચઢાવી દીધી. હું પડી ગઈ અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્રણ ટાંકા પણ આવ્યા છે.’

‘હું પડી ગઈ તો મારા પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા સંબંધો 9 વર્ષના છે, પરંતુ તેણે 9 સેકન્ડ માટે પણ વિચાર્યું નહીં કે તે શું કરે છે. તે અવારનવાર મને મારાં બાળકોની સામે મારે છે. દીકરાએ આ હરકત મોબાઇલમાં રેકોર્ડ કરી છે. તે બાળકોને મારા વિરુદ્ધ ભડકાવીને મારાથી અલગ કરવા માગે છે.’

જો ગાર્ડ ના આવ્યો હોત તો મને મારી નાખી હોત
યાસ્મીને કહ્યું હતું, ‘એવું નથી કે તેમણે ભૂલથી મારા પર કાર ચઢાવી દીધી હોય. તે જાણીજોઈને મને કચડવા માગતો હતો. મેં સોસાયટીના ગાર્ડને બચાવવા માટે બૂમ પાડી હતી અને તે આવ્યો હતો.’

‘તે કારનું પાછળનું ટાયર મારા પર ચઢાવવા માગતો હતો, પરંતુ ગાર્ડને જોતાં જ ભાગી ગયો. જો ગાર્ડ ના આવ્યો હોતો તો કદાચ હું જીવિત ના રહી હોત. આજે મારો જીવ બચ્યો, પરંતુ જો તે આ રીતે જાહેરમાં ફરશે તો બની શકે કે હવે હું જીવિત ના રહું.’

આસપાસના લોકોએ હોસ્પિટલ પહોંચાડી
યાસ્મીને કારથી કચડ્યા બાદ કમલ કિશોર મિશ્રા ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ સોસાયટીના ગાર્ડ તથા આસપાસના લોકોએ યાસ્મીનને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરી હતી. પગમાં ફ્રેક્ચર થયું નથી. માથામાં ગંભીર ઈજા થઈ હતી.

એક્ટિંગ ના કરવા દીધી, સિમ તોડી નાખ્યું
તેણે વધુમાં કહ્યું હતું, ‘ગયા વર્ષે મને તેના ચોથા અફેર અંગે જાણ થઈ હતી. મેં ઘણી જ જીદ કરી તો માર્ચમાં મને મુંબઈ લઈને આવ્યો હતો. અંધેરીમાં એક ફ્લેટમાં મને રાખી હતી. થોડા દિવસ બાદ ખર્ચો આપ્યો, પરંતુ પછી પૈસા આપવાના બંધ કરી દીધા હતા. મકાનમાલિકે ઘર ખાલી કરવાનું કહી દીધું હતું. હું પહેલાં આર્ટિસ્ટ હતી. લગ્ન બાદ મને કામ કરવાની ના પાડી દીધી. હું કોઈની સાથે વાત ના કરું એ માટે મારું સિમ કાર્ડ તોડી નાખ્યું. આને જ કારણે હવે બોલિવૂડમાં મને કોઈ કામ આપતું નથી.’

‘લગ્ન માટે મુસ્લિમ બન્યો, પરંતુ ક્યારેય નમાઝ કરી નથી’
યાસ્મીના મતે, ’20 ફેબ્રુઆરી, 2014ના રોજ અંધેરી કોર્ટમાં તેમણે લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હતા. કમલ કિશોર મિશ્રા હિંદુ છે અને હું મુસ્લિમ છું. મારે ત્રણ બાળક પણ હતાં. તે મારી પાછળ પડ્યો હતો. લગ્નના ચાર મહિના બાદ જ કમલ કિશોર મિશ્રાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. ચાર મૌલાનાની સામે અમારા નિકાહ થયા હતા. લગ્ન માટે તે સુન્નત કરાવવા માટે પણ તૈયાર હતો. હું તેમની સાથે 2014થી માર્ચ, 2022 સુધી લખનઉમાં જ રહી હતી.’

ચોથી પત્નીએ ધમકાવી, પહેલેથી 2 પત્ની, 5 બાળકો હતાં
યાસ્મીને આગળ કહ્યું હતું, ‘મુંબઈ આવ્યા બાદ આયેશા નામની મોડલ ફોન કરીને કહેતી હતી કે તે પણ કમલ કિશોર મિશ્રાની પત્ની છે. ત્યાર બાદ માર્ચમાં તેણે આયેશા વિરુદ્ધ કેસ કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં આયેશાને સમજાવી હતી કે અમારા જીવનમાંથી દૂર જતી રહે, પરંતુ તે માની નહોતી. મને ગાળો આપી. તે ઈચ્છતી તો મારી પર કાર ચઢાવતા અટકાવી શકી હોત.’

તેણે વધુમાં કહ્યું હતું, ‘લગ્ન કરવા માટે કમલ કિશોર મિશ્રાએ પોતાને કુંવારો કહ્યો હતો. હવે મને ખબર પડી કે મારી સાથે લગ્ન કર્યા એ પહેલાં તેને બે પત્ની વિજય લક્ષ્મી તથા નેહા મિશ્રા છે. બે પત્નીથી પાંચ બાળકો છે. નેહા ગોંડામાં રહે છે. કમલે તેને 35 લાખ રૂપિયાનું ઘર આપ્યું છે. ચોથા લગ્ન કર્યા બાદ પણ તે મને મળવા આવતો હતો. બની શકે કે તેણે અન્ય યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હોય. તે ઇમોશનલ વાતો કહીને યુવતીઓને ફસાવતો હતો.’

પોતાને અબજોપતિ કહેતો, મને તલાક આપ્યા
યાસ્મીને કહ્યું હતું, ‘જ્યારે પણ કમલ કિશોર મિશ્રાને કોઈ યુવતી ગમી જતી તો તેને મનાવવા માટે તે પોતાને અબજોપતિ કહેતો. તે કહેતો કે ઉત્તરપ્રદેશમાં તેનો બિઝનેસ છે. પૈસાની લાલચ આપીને યુવતીઓને ફસાવતો હતો. ત્યાર બાદ સિંદૂર-મંગળસૂત્ર પહેરાવીને પતિ બની જતો. 6 માર્ચના રોજ તેણે આયેશા સાથે લગ્ન કર્યા અને મને માર માર્યો, ત્રણવાર તલાક બોલીને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આનો એક વીડિયો પણ મારી પાસે છે.’

બાળકોની સામે ત્રણવાર માર માર્યો
તેણે એમ પણ કહ્યું હતું, ‘મુંબઈ આવ્યા બાદ કમલ કિશોર મિશ્રાએ મને ત્રણવાર મારી હતી. લાતો મારી, ચંપલથી માર માર્યો હતો. બેલ્ટથી પણ માર માર્યો હતો. કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ તેની પત્નીએ ગોંડામાં કેસ કર્યો છે. બીજી પત્ની કાનપુરની છે. તેને પાંચ વર્ષ સુધી અંધારામાં રાખી અને પછી છોડી દીધી. જ્યારે મેં તેને સવાલ પૂછ્યા તો તેણે મને અને મારી દીકરીને ગાળો ભાંડી અને જેલમાં મોકલવાની ધમકી આપી.’ આયેશાએ પણ કબૂલ કર્યું છે કે કમલ કિશોર મિશ્રાએ તેને પણ કુંવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા. તેને પછી પરિણીત હોવાની જાણ થઈ હતી. ભાસ્કરે આયેશા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ફોન રિસીવ કર્યો નહોતો.

યાસ્મીનનો આરોપ છે કે ‘કમલ કિશોર મિશ્રાની બે નાની બહેનને બધી વાતની જાણ છે. 9 વર્ષ દરમિયાન તેમણે મારા નામથી બે અકાઉન્ટ ખોલ્યા હતા અને એક લોન લીધો છે. સો.મીડિયામાં જ્યારે મેં તેમનાં કારનામાં ખુલ્લાં પાડવાનો પ્રયાસ કર્યો તો મને ધમકી આપી હતી. મારા વિરુદ્ધ લખનઉમાં 50 લાખ રૂપિયા માગવાની તથા પાંચ લોકોને રોકીને માર મારવાની ખોટી પોલીસ ફરિયાદ કરી હતી.’

મીડિયામાં ન્યૂઝ આવ્યા બાદ પોલીસે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી
અંબોલી પોલીસે કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ 279 તથા 338 કલમ હેઠળ કેસ કર્યો હતો. યાસ્મીનનો આરોપ છે કે ઘાયલ થયા બાદ પોલીસ આવી તો તે હિંદીમાં વાત કરતી હતી તો પોલીસે મરાઠીમાં વાત કરવાનું દબાણ કર્યું હતું. આટલું જ નહીં, તેને લખાવેલી તમામ વાતો પોલીસે પૂરી રીતે લખી પણ નથી. મીડિયામાં આ વાત આવી પછી કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ 307 (હત્યાનો પ્રયાસ) કલમ ઉમેરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ કલાક સુધી તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

કોણ છે કમલ કિશોર?
કમલ કિશોર મિશ્રા ઉત્તરપ્રદેશનો છે અને બોલિવૂડનો જાણીતો પ્રોડ્યુસર છે. 2019માં બોલિવૂડમાં પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કર્યું હતું. કમલ ‘વન એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ પ્રોડક્શન્સ’ નામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેણે ‘ફ્લેટ નંબર 420’, ‘શર્માજી કી લગ ગઈ’ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. વર્ષની શરૂઆતમાં કમલ કિશોર મિશ્રાની ‘દેહાતી ડિસ્કો’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ડાન્સ પર આધારિત હતી. ફિલ્મમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે લીડ રોલ પ્લે કર્યો હતો. કમલ કિશોર મિશ્રા ઉપરાંત વસીમ કુરૈશી તથા ગીતેશ ચંદ્રાકરે સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી.