સ્કૂલ અને યુનિવર્સિટીના સંચાલકોએ ટિકિટની માંગણી કરતા હોબાળો

સિલ્વર કોલેજના માલિક જનક ખાંડવાલા અને એચબીકે સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મુક્તક કાપડિયાએ દરિયાપુર વિધાનસભા બેઠક પરથી જ ટિકિટ માંગણી કરતા ત્યાં આવેલા બીજેપી નેતા અને કાર્યકરો ગુસ્સે ભરાયા હતા.  બંને શાળા સંચાલકોએ ટિકિટની માંગણી કરતા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદની 16 વિધાનસભા સીટોમાં માટે ગઈકાલથી સેન્સ પ્રક્રીયા હાથ ધરાઈ છે. આજે 8 વિધાનસભા સીટો પર સેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં દરિયાપુર સીટ પર ચાલી રહેલી સેન્સ પ્રક્રીયા દરમિયાન હોબાળો મચી જવા પામ્યો હતો. શાહીબાગમાં મુક્તક કાપડીયા સ્કૂલ ચલાવે છે જેથી તેમણે આ વિસ્તારમાં ટિકિટની માંગણી કરી હતી.

મુક્તક કાપડિયાએ કહ્યું કે મેં દરિયાપુર વિધાનસભા બેઠકની માંગણી કરી છે. જો પક્ષ ટિકિટ આપે છે અને કોઈ મને જવાબદારી આપે છે તો તે હું સંપૂર્ણ રીતે નિભાવીશ. જનક ખાંડવાલાએ પણ તેમની સાથે  સાથે ટિકિટ માટેની માંગ કરી હતી.

જ્યારે એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયાએ દાવો દાખલ કર્યો ત્યારે દરિયાપુરના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ટિકિટની માંગ આ રીતે કરવામાં આવી રહી છે પરંતુ આ વિસ્તારની ટિકિટ  પાર્ટીના કાર્યકર અથવા સ્થાનિક નેતાને આપવામાં આવે. પાર્ટીના સભ્યો અને સ્થાનિક લોકોને ટિકિટ આપો તે પ્રકારે  માંગ કરી હોબાળો મચી ગયો હતો. કાર્યકર્તાઓએ કહ્યું કે, આ પ્રમાણે અમે જીતાડીશું. પણ જો કોઈ બહારનાને લાવવા હોય તો અમને પૂછવાની જ શુ જરુર. દરિયાપુરના સ્થાનિકો હોય અને દરિયાપુરનું હિત ઇચ્છતા હોય તેમને ટિકિટ આપવી જોઇએ. આમ આ બેઠક પર અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે