એક પોલીસ અધિકારીએ થિયેટરના સોદામાં લાખો રૂપિયા ઘર ભેગા કર્યા ?

વામન મહારાજ’ની મંજૂરી વગર PI પાણી પણ નથી પીતા

અમદાવાદ શહેરના એક સિંગલ સ્ક્રીન થિયેટરને થોડા સમય પહેલાં વેચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પણ કોઈ કારણસર એ સોદો થયો નહોતો. અનેક પ્રયાસો છતાં સોદો અટકી રહ્યો હતો ત્યારે જ એક દલાલ વચ્ચે આવ્યો અને તેણે એટલી મોટી દલાલી રાખી કે પોતે પણ લાખો રૂપિયા ઘરે લઈ ગયા અને પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ દિવાળી પહેલાં લાખો રૂપિયા કમાવી આપ્યા હતા. હાલ આ ચર્ચા પોલીસબેડામાં જોરશોરથી થઈ રહી છે. હવે આ દલાલી કેટલા લાખની હતી અને કોણ, કેટલા લઈ ગયું? એ ઉચ્ચ અધિકારીઓ પણ શોધી રહ્યા છે, કારણ કે તેમની જાણ બહાર બારોબાર જ મોટો ખેલ પડી ગયો છે.

વામન મહારાજ’ની મંજૂરી વગર PI પાણી પણ નથી પીતા
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર કચેરી નજીકના એક પોલીસ સ્ટેશનમાં ‘વામન મહારાજ’ નામના વ્યક્તિનો એટલો તો દબદબો છે કે આ વિસ્તારમાં પોલીસને કોઈપણ કાર્યવાહી કરવી હોય તો આ ‘વામન મહારાજ’ પોતાના પરિચિત પોલીસ-ઇન્સ્પેક્ટરને સમજાવી દે છે અને કોઈ કાર્યવાહી થાય એ પહેલાં જ અટકાવી દે છે. આ મહારાજને શુભકામનાઓ આપવી પડશે એમ કહીને મોટું ભંડોળ એકત્ર કર્યું છે. એ માટે સરકારી કચેરીનો પણ ઉપયોગ કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. હવે મહારાજના દબદબાની વાત છેક ડીજી ઓફિસ સુધી પહોંચી છે. ‘વામન મહારાજ’થી સામાન્ય લોકો પણ હવે ફફડી રહ્યા છે અને જો સામે દેખાય તો નમન કરવાને બદલે રસ્તો બદલી નાખે છે.

એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઇન્સ્પેક્ટર બદલાયા છતાં વહીવટદાર સુર અને ઇન્દ્ર ત્યાં જ રહ્યા
અમદાવાદ શહેરમાં ઘણા સમયથી વિજિલન્સ એક્શન મોડમાં આવી ગઈ છે, જેને કારણે ભલભલાનો પરસેવો છૂટવા લાગ્યો છે. સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તેને સ્થાનિક વહીવટદાર મંજૂરી આપતો હોય છે, જેના પર પોલીસ-ઇન્સ્પેક્ટરની મહોર હોય છે. તાજેતરમાં એક પોલીસ સ્ટેશન રેડ કરી હતી. આ પોલીસ સ્ટેશનમાં દિવાળીના તહેવારમાં જ રેડ થતાં પોલીસ અધિકારીઓને નીચા જોણું થયું હતું. આ પોલીસ સ્ટેશનમાં અગાઉ ત્રણ પોલીસ-ઇન્સ્પેક્ટર બદલાઈ ગયા છતાં અહીંનો વહીવટદાર સુર અને ઈન્દ્ર ત્યાંના ત્યાં જ રહ્યા છે એટલે પીઆઇ કોઈપણ હોય, બદલી થાય કે સસ્પેન્ડ થાય સુર અને ઈન્દ્રના સૂરમાં પુરાવો જ પડે છે.

પૂર્વના પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે પરમિશનમાં રાજનો પરવાનો
અમદાવાદના રિંગરોડ અડીને આવેલા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે ધંધો ચાલી રહ્યા છે, જેનાથી અનેક લોકો હેરાનપરેશાન થઈ ગયા છે, જેને કારણે પોલીસ કમિશનરે ખુદ આ વિસ્તારમાં મોટો ભા બની બેઠેલા પોલીસકર્મચારીને કંપનીમાં નાખી દીધો હતો. તેમ છતાં તેની પાસે જાણે રાજનો પરવાનો હોય તેમ તમામ ગુનેગારોને દારૂ-જુગાર ચલાવવાની બેફામ પરમિશન આપી દીધી છે. ઘણી વખત તો પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ આ જગ્યાની ખબર નથી હોતી આ અંગેની ફરિયાદ છેક પોલીસ કમિશનર સુધી પહોંચી છે, હવે આ ભા બની બેઠેલા કર્મચારીને ફરી કંપની નાખવાની તૈયારીઓ થઈ રહી છે.

વિજિલન્સની રેડનો જશ અને યશ એટલો બધો કે નવા પીઆઇ નતમસ્તક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દારૂની આખી ટ્રક પકડી હતી. આ સમયે આ વિસ્તારમાં પોલીસ-ઇન્સ્પેક્ટરના તમામ વ્યવહારો સંભાળતા જશ અને યશને નવા પોલીસ ઇન્સ્પેક્ટરે પણ મૂંગા મોઢે ચાલુ રાખવા પડ્યા છે. નવા પોલીસ-ઇન્સ્પેક્ટર શિસ્તબદ્ધ હોવા છતાં આવા ગુનાઇત માનસિકતા ધરાવતા લોકોને સંભાળવા પડી રહ્યા હતા. તેઓ હવે આ પોલીસ સ્ટેશનમાં નથી, પણ રિંગરોડને અડીને આવેલા પોલીસ સ્ટેશનમાં સક્રિય થઈ ગયા છે. આ વ્યક્તિ અમદાવાદ શહેરના ત્રણ પોલીસ-ઇન્સ્પેક્ટરને પોતાના આંગળીના ઇશારે નચાવે છે અને કેટલાક પોલીસ-ઇન્સ્પેક્ટર મૂંગા મોઢે સહન પણ કરી રહ્યા છે.

નોકરી બ્રાન્ચમાં અને કામગીરી પોલીસ કમિ.ના ઘર આસપાસ જ કરવી ગમે છે
અમદાવાદમાં થોડા સમય પહેલાં સંખ્યાબંધ પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલી થઈ હતી, જેમાં ઘણા પોલીસકર્મચારીઓના હાથમાંથી મલાઈદાર જગ્યા જતી રહી છે, ત્યારે રહી રહીને કમાવા માટે લોકો ધમપછાડા કરી રહ્યા છે, તેમાં ગુજરાત પોલીસની મહત્ત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસકર્મચારીને ઓફિસ કરતા અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર રહે છે એ વિસ્તારમાં જ નોકરી કરવી એટલે કે ત્યાં જ હરવુંફરવું ગમે છે. હવે પોતે એક જગ્યાએ નોકરી તો કરી શકતા નથી, પણ જે નોકરી મળી જાય એને પણ ન્યાય આપી શકતા નથી. હવે આ પોલીસકર્મચારી ઘણા અધિકારીઓની નજરે ચડ્યા છે, કારણ કે થોડા સમય પહેલાં જ આ પોલીસકર્મચારી જે વિસ્તારમાં ફરે છે ત્યાં હત્યા બનાવો બન્યા હતા.

જે વિસ્તારમાં ગુનેગારો બેફામ છે ત્યાં PI બપોરે મીઠી નીંદર માણે છે
અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી જે જગ્યાએ રહે છે એ વિસ્તારમાં થોડા સમય પહેલાં સંખ્યાબંધ ગુનાઓ બન્યા હતા. આ ગુનાઓ કંટ્રોલ કરવાની જગ્યાએ તેઓ રોજ બપોરે મીઠી નીંદર માણતા હોય છે, ખરેખર તેમણે આ સમયે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરાવ્યું હોત તો ગુનેગારો ખરેખર તેમને ઓળખતા પણ હોત અને ડરી ગયા હોત, પરંતુ બપોરે તેમને કોઈ મળવા જાય તો સાહેબ આરામમાં છે, હાલ નહીં મળે, આ સમય છે કંઈ મળવા આવવાનો એમ કહીને સામાન્ય લોકોને રવાના કરી દે છે. હવે આ પીઆઇને કારણે કેટલાક ઉચ્ચ અધિકારીઓને શરમમાં મુકાવું પડે છે.

ચાલુ સ્કોર્પિયોમાં ફટાકડા ફોડી પ્રજાને બાનમાં લીધી, પોલીસે સાન ઠેકાણે લાવી
તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં તહેવારો નિમિત્તે વાહન દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ નિર્ણયનો કેટલાક નબીરાઓએ ગેરલાભ ઉઠાવી પ્રજાને બાનમાં લીધી હતી. અમદાવાદના સિંધુભવન રોડ પર કેટલાક યુવકો કાયદો વ્યવસ્થાને નેવે મૂકીને બેફામ બની જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડ્યા હતા. ચાલુ ગાડીએ, ગાડી ઉપર બેસીને તથા રોડ-રસ્તા બંધ કરીને યુવકોએ ફટાકડા ફોડ્યા હતા. સોશિયલ મીડિયામાં ફેમસ થવા તથા દબદબો બતાવવા યુવકોએ કાળા કલરની સ્કોર્પિયો કારમાં બેસીને ચાલુ ગાડીએ બારીમાંથી ઉભા રહીને ફટાકડા ફોડ્યા હતા. ઉપરાંત ગાડીના બોનેટ પર બેસીને હાથમાં રાખીને ફટાકડા ફોડ્યા હતા, પરંતુ આ દાદાગીરીના વીડિયો વાઇરલ થતાં પોલીસે તેમને ઝડપી લઈ સાન ઠેકાણે લાવી દીધી છે.