શાહની આજે બેઠક, CM, પ્રદેશ પ્રમુખ જોડાશે

વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેના કારણે ભાજપમાં ટિકિટ કોણે મળશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે પાલનપુરમાં ઉ.ગુ. અને કચ્છના ટોચના નેતાઓ સાથે કરેલી બેઠક બાદ કેટલાક વર્તમાન ધારાસભ્યોને સંકેત આપી દેવાયા છે. આજે કમલમમાં અમિત શાહ બેઠક યોજશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે અને આ ચૂંટણીલક્ષી જ ચર્ચા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

નવા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ભાજપના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. થલતેજ ખાતે પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મીઠાઈ આપી અને શુભેચ્છા પાઠવી હતી. ભાજપના શહેરનાં તમામ હોદ્દેદારો તેમજ સંગઠનના નેતાઓ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

મંગળાવરે સોમનાથમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજી
​​​​​​​​​​​​​​આ પહેલા મંગળવારે ગૃહ મંત્રી શાહ સોમનાથ સાનિધ્યે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની 53 વિધાનસભા બેઠકો હાંસલ કરવા માટે સૌરાષ્ટ્રભરનાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.સવારથી લઈને સાંજ સુધી ત્રણ તબક્કામાં બેઠકો યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રની 53 વિધાનસભા બેઠકો કબજે કરવા ગૃહમંત્રી અમિત શાહે રણનીતિ ઘડી હતી.

રાજકોટના 4 ધારાસભ્યોની ટિકિટ લગભગ પાક્કી
રાજકોટ વિધાનસભા-68 બેઠકમાં હાલમાં મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય છે, તેમની સામે જ પાર્ટીના નેતાઓ મેદાને પડ્યા છે અને ટિકિટ મેળવવા માટેના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, તો મંત્રી રૈયાણી પણ પ્રથમ વખત જ ધારાસભ્ય બનીને મંત્રીપદ સુધી પહોંચી ગયા હોવાથી તેઓ પોતાની બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. વિધાનસભા-69માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે, રૂપાણીને પાર્ટી ચૂંટણી નહીં લડાવે તેવા સંકેતો મળતાં ગઢસમાન આ બેઠક પર રાજયોગ મેળવવા શહેર ભાજપના મોટામાથા મેદાને ઉતર્યા છે, આ બેઠકની સીટ ફાળવણીમાં રૂપાણી જેને આશીર્વાદ આપશે તેનું ભાગ્ય ચમકશે કે રૂપાણી જૂથનો સફાયો કરવા અન્ય કોઇને જ ટિકિટ અપાશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

વિધાનસભા-70માં ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય છે, સિનિયર નેતા ગોવિંદ પટેલે ફરીથી ચૂંટણી લડવાની તૈયારી કરી છે, પાર્ટીએ પણ વર્તમાન સ્થિતિને જોઇને વયમર્યાદાનો અને ત્રણ ટર્મવાળાને રિપીટ નહીં કરવાની પોલિસીને બદલે જીતે તેને ટિકિટ આપવાની નીતિ અમલી બનાવવાની વિચારણા કરતાં ગોવિંદ પટેલને હાશકારો થયો છે. જોકે આ બેઠક માટે ભરત બોઘરા, ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ ટિકિટ મેળવવા પ્રયાસો કરી રહ્યાં છે, તો વિધાનસભા-71માં આ વખતે ચૂંટણી રસાકસીવાળી બનવાના સંકેતો સાંપડી રહ્યાં છે, વર્તમાન ધારાસભ્ય લાખા સાગઠિયાને રિપીટ કરાશે કે તેની જગ્યાએ કોઇ મહિલા કે નવા ચહેરાને ચાન્સ અપાશે તેના પર સહુની નજર મંડાઇ છે.

29મીએ મુખ્યમંત્રીનો અને 31મીએ પીએમનો કાર્યક્રમ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા દિવાળીની આસપાસ કરાશે તેવી અટકળો ચાલતી હતી. જો કે 29 ઓક્ટોબર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારી કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 31 ઓક્ટોબર સરદાર જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે. તેના કારણે હવે ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બર આજુબાજુ થાય તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં મૂકાઇ રહી છે.

ભાજપ ભાઈબીજથી નિરીક્ષકોને મેદાને ઉતારશે
વિધાનસભાના 182 મતક્ષેત્રોમાં ઉમેદવારો શોધવા અને એક રીતે ટિકિટવાંચ્છુઓના દાવા સ્વિકારવા ભાજપ ભાઈબીજથી લાભ પાંચમ એમ ત્રણ દિવસ નિરીક્ષકોને મેદાને ઉતારશે. ગુજરાત પ્રદેશ ભાજપે નિરીક્ષકોના નામો કે ટીમની જાહેરાત કર્યા વગર જ ગુરૂવારે પદાધિકારી, કાર્યકરોની સેન્સ મેળવવાની પ્રક્રિયા માટે 27, 28 અને 29 એમ ત્રણ દિવસ જે તે જિલ્લામાં જશે એમ જાહેર કરતા ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓમાં સળવળાટ પ્રસર્યો છે. ભાજપ દ્વારા 1લી નવેમ્બરે 182 બેઠકોમાં બેઠકદિઠ એક સ્થળે 20 હજાર કાર્યકરોનુ એમ કુલ 40 લાખ કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.