બાંગ્લાદેશમાં તબાહી મચાવીને સિતરંગ પહોંચ્યું ભારત: 7 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં ટકરાયા બાદ ચક્રવાત સિતરંગે ભારતમાં દસ્તક આપી છે. હવામાન વિભાગ (IMD) મુજબ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુવાહાટીમાં મંગળવારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.

આ તરફ ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડમાં પણ 100થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગે બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગના, પૂર્વ મિદનાપુરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમજ બંગાળની ખાડીને અડીને આવેલા દરિયા કિનારે લોકોને ન જવાની સલાહ આપવામાં આવી છે. વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે. આ પહેલાં સોમવારે સિતરંગે બાંગ્લાદેશમાં ભારે તબાહી મચાવી હતી.

સિતરંગના કારણે બાંગ્લાદેશમાં 11નાં મોત થયાં
બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે ત્યાં 11 લોકોનાં મોત થયાં છે. મીડિયા અહેવાલો અનુસાર, બરગુના, નારેલ, સિરાજગંજ અને ટાપુ જિલ્લા ભોલામાં મૃત્યુ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ચક્રવાત 25 ઓક્ટોબરની સવારે તિનકોના ટાપુ અને બારીસલ નજીક બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર થઈ ગયું હતું.

IMD અનુસાર, બાંગ્લાદેશમાં ચક્રવાત હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સિતરંગ 24 ઓક્ટોબરે રાત્રે 11.30 વાગે ઢાકાથી લગભગ 40 KM પૂર્વમાં બાંગ્લાદેશ પર કેન્દ્રિત કર્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિતરંગ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

7 રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ
આ પહેલાં હવામાન વિભાગે 7 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું હતું. જે સાત રાજ્યોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે તેમાં ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડ સામેલ છે. આ ઉપરાંત ઓડિશામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મંગળવારે સિતરંગની સૌથી વધુ અસર સુંદરવન અને પૂર્વ મિદનાપુરના દરિયાકાંઠાના વિસ્તારો પર થવાની શક્યતા છે.

આસામમાં સોમવારે વરસાદ પડ્યો હતો
આસામમાં સોમવારે સવારે વાવાઝોડા સિતરંગની અસર અનુભવાઈ હતી કારણ કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો હતો. આસામના કરીમગંજ, કછાર, હૈલાકાંડી અને દિમા હસાઓ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. IMD અનુસાર, સોમવારે સવારે 3.17 કલાકે સિતરંગ પશ્ચિમ બંગાળમાં સમુદ્ર ટાપુની દક્ષિણે 520 કિમી અને બાંગ્લાદેશમાં બારિસલથી 670 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત હતું.