ભાવનગર ગ્રામ્ય સિવાયની તમામ બેઠકો પર ભાજપની લીડમાં ઘટાડો

ભાજપ દ્વારા ઉમેદવારોને ટિકિટ સંદર્ભે ઝીણામાં ઝીણી બાબતોની પણ છણાવટ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે નજીવી સરસાઈના ઉમેદવારોને બદલાવવા અને નવા ઉમેદવારોને તક આપવા માટે સંકેત આપ્યો હતો. જે મુજબ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી પાંચ બેઠકો કે જેની લીડમાં ઘટાડો થયો છે તેમાં પણ ફેરફાર થવાની શક્યતા રાજકીય વર્તુળોમાં વર્તાઈ રહી છે.

વિધાનસભાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની આગામી ચૂંટણીને લઇ સક્રિયતા અને લોકોનું પણ તેના તરફે ધ્યાન કેન્દ્રિત થતા ભાજપ વધુ સક્રિય થયું છે. જેથી આગામી ચૂંટણીમાં ભાજપ ફૂંકી ફૂંકીને ઉમેદવાર નક્કી કરશે.ચૂંટણી અનુસંધાને ગૃહમંત્રી અમીત શાહે ઉમેદવારો સંદર્ભે સ્પષ્ટ સંકેત આપ્યો હતો. અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ અને ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જોતા રાજ્યમાં 25% નવા ઉમેદવારોને ટિકિટ મળી શકે છે. જેનો પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર સહિત ગુજરાત રાજ્યની 32 સીટ પર નજીવી સરસાઈ છે. જેથી ભાજપ દ્વારા આ બેઠકો પર વિપરીત પરિણામ ન આવે તે માટે ધ્યાન કેન્દ્રિત કરાશે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી તળાજા બેઠક પર તો ભાજપ 1779 મતે હારી ગયું હતું. જ્યારે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક સિવાય અન્ય તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની લીડ ઘટી છે. મહુવા અને ગારિયાધાર બેઠક પર પણ લીડમાં ઉલ્લેખનીય ઘટાડો થયો.

જ્યારે ભાવનગર પશ્ચિમમાં પણ 50 ટકા જેટલો લીડમાં ઘટાડો થયો છે. આમ, વર્ષ 2012ની ચૂંટણી કરતા એકમાત્ર ભાવનગર ગ્રામ્યને બાદ કરતા વર્ષ 2017ની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોનો નબળો દેખાવ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ વખતે આમ આદમી પાર્ટીનું ફેક્ટર પણ કામ કરશે.