ગુજરાત ચૂંટણીનો આ છે માસ્ટર પ્લાન, ચૂંટણીની જાહેરાત 1લી નવેમ્બરે

  • ચૂંટણીનો આ છે માસ્ટર પ્લાન, જાહેરાત પહેલાં વાયદાની લહાણી-વચનોની રેવડીઓ વહેંચાશે
  • પહેલા તબક્કાનું મતદાન નવેમ્બરના આખરી સપ્તાહમાં
  • બીજા તબક્કાનું ચોથી ડિસેમ્બર આસપાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલી નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યા પછી થશે. કેન્દ્રીય ચૂંટણીપંચ આ દિવસે દિલ્હીમાં એક પત્રકાર પરિષદના માધ્યમથી ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓની જાહેરાત કરશે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 અને બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત અને વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓની 93 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ શકે છે.

ચૂંટણીનાં પરિણામો હિમાચલપ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે જાહેર થશે. જે દિવસે ચૂંટણી જાહેર થાય તે જ દિવસથી ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલા તબક્કાનું મતદાન ગુજરાતમાં નવેમ્બરના આખરી સપ્તાહમાં 29 કે 30 તારીખે થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 4થી ડિસેમ્બરે યોજાઈ શકે છે. મતદાન માટે શિયાળાની ઋતુને કારણે સવારના આઠથી સાંજે છ વાગ્યા સુધી એટલે કે દસ કલાક જેટલો લાંબો ગાળો આપવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં જ ભાજપ, કોંગ્રેસ અને ગુજરાતના રાજકારણમાં ઉમેરાયેલો નવો પક્ષ આમ આદમી પાર્ટીએ પોતાના એજન્ડા જાહેર કર્યાં છે. જોકે ખરાં વચનોની લહાણી પાર્ટીઓના ચૂંટણીઢંઢેરાઓમાં થશે. ભાજપ આ વખતે પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં ભરપૂર નવા વાયદા કરશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સત્તામાં આવવા માટે પોતાનાં શાસિત રાજ્યોના મોડલ પ્રમાણે ગેરંટી આપશે.

આ વખતે મતદાનનો સમય વધશે 1લી નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના

ભાજપનો ચૂંટણીઢંઢેરો

ભાજપનો ચૂંટણીઢંઢેરો તેના સંકલ્પપત્રના નામે આવશે જેને ભાજપ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તરીકે પણ ગણાવે છે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ એક એપ્લિકેશન તૈયાર કરાવી રહી છે જેમાં નાગરિકો પોતે જ ચૂંટણીઢંઢેરાના મુદ્દા રજિસ્ટર કરાવી શકશે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા મથકો અને મોટાં શહેરોમાં ડ્રોપ-બોક્સ મુકાશે ત્યાં પણ નાગરિકો પોતાની રીતે ચૂંટણીઢંઢેરાનો મુદ્દો લખીને ઉમેરી શકશે. ભાજપ પોતાના ચૂંટણીઢંઢેરા માટે પક્ષના વરિષ્ઠ નેતાને કામ સોંપશે અને તેમની ટીમ સર્વસમાવેશક મુદ્દા કે જેમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પછાતવર્ગ અને શહેરી નાગરિકોને ધ્યાને રાખીને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાશે. આ ચૂંટણીમાં ભાજપ શિક્ષણ અને આરોગ્ય તેમજ માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકશે. ચૂંટણીઢંઢેરામાં ભાજપ યુવાનો માટે નવી નોકરીઓ, ગ્રામ્ય વિસ્તારમાં સડકો, નર્મદા યોજના ઉપરાંત સ્કાય યોજના, ખેતી પાકોના સંગ્રહ અને વેચાણ, સિંચાઇ માટે મફત વીજળી પાણી, શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, મહિલાઓને રોજગાર અને સુરક્ષા ઉપરાંત પોતાની યોજનાઓનો વ્યાપ વધારવાના મુદ્દાઓનો સમાવેશ કરશે.

કોંગ્રેસનો ચૂંટણીઢંઢેરો

કોંગ્રેસ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ, યુવાનો માટે સરકારી અને ખાનગી નોકરીઓ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરવિહોણા લોકો માટે પોતાનું ઘર, ખેડૂતો માટે સંપૂર્ણ દેવામાફી, મફત વીજળી-પાણી, નવી સરકારી શાળાઓ અને કોલેજો ખોલવા ઉપરાંત સરકારી હોસ્પિટલો શરૂ કરવા સુધીના વાયદા પોતાના ચૂંટણીઢંઢેરામાં કરશે.
આમ આદમી પાર્ટીનો ચૂંટણીઢંઢેરો
આમ આદમી પાર્ટીનો ચૂંટણીઢંઢેરો કેજરીવાલની ગેરન્ટીને આધારે રહેશે, જેમાં 300 યુનિટ સુધીની ફ્રી વીજળી, સરકારી શાળાઓમાં ઉત્તમ અને ફ્રી શિક્ષણ, ફ્રી સારવાર, યુવાનોને 3000 રૂપિયાનું પ્રતિમાસ બેરોજગારી ભથ્થું, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા, ભ્રષ્ટાચારમુક્ત શાસન, પોલીસને ગ્રેડ-પે અને કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ જેવા મુદ્દાઓનો સમાવેશ કરાશે.

કઇ પાર્ટીનો કયો ચહેરો-મુદ્દો હાવી રહેશે

નરેન્દ્ર મોદીનો ચહેરો મુખ્ય રહેશે અને કેન્દ્ર અને ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ઉપરાંત 27 વર્ષ સુધી ગુજરાતની જનતાએ મૂકેલો ભરોસો, ગુજરાતમાં શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો મુદ્દો તેના પ્રચારમાં રહેશે, તેમ છતાં રામમંદિર, કાશ્મીરમાંથી 370ની કલમની નાબૂદી જેવા સોફ્ટ હિન્દુત્વના મુદ્દા પણ તેઓ ગજવશે.

કોંગ્રેસ- આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ નિષ્ક્રિય છે અને ગુજરાતમાં પાર્ટીના ઘણા નેતાઓ તથા તેમની વચ્ચે કોલ્ડ વોર છે, તેથી કોંગ્રેસ ચહેરા વિહીન ચૂંટણી લડશે. તેની સામે કોંગ્રેસ પોતાના પરંપરાગત એવા કોળી અને ઠાકોર જેવી ઓબીસી જ્ઞાતિ, આદિવાસી, દલિતો અને મુસ્લિમ મતદાતાઓ પર પોતાનો ઝોક વધારી રહી છે.

આપ- આમ આદમી પાર્ટી ગુજરાતમાં તદ્દન નવી છે, અને તે પોતાના ચહેરા તરીકે અરવિંદ કેજરીવાલને અને તેમના દિલ્હી સરકારના મોડલને જ પ્રોજેક્ટ કરી રહી છે. કેજરીવાલ મધ્યમવર્ગ અને ગરીબોને અનુલક્ષીને પોતાની ગેરન્ટી અને સ્વચ્છ સરકારના મુદ્દે આ વખતે ગુજરાતના ચૂંટણીજંગમાં સામેલ થઇ છે.