“ધોકો” પર્વને આડે શા માટે ? ધોકો વધારાનો દિવસ કેવી રીતે? જાણો માન્યતા!!

સનાતન હિન્દુ ધર્મ માન્યતા મુજબ ગ્રહોની ચાલ, ગ્રહણનું સચોટ અનુમાન અને વાતાવરણ બાબતે આધુનિક વિજ્ઞાન પણ માને છે કે હિન્દુ પંચાંગની જ્યોતિષાચાર્યોની ગણના સચોટ અને ચુસ્ત છે.

સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણના સમયની સચોટ માહિતી ખુદ વૈજ્ઞાનિકો પણ જ્યોતિષ આંકલનમાંથી મેળવે છે. તેવી જ્યોતિષ ગણના મુજબ અંગ્રેજી કેલેન્ડરના ૩૬૫ દિવસ ને સનાતન હિન્દુ ગણના મુજબ બંધ બેસતા કરવા માટે “ધોકો” બંધ બેસાડવામાં આવે છે.

દર ચાર વર્ષે પાંચ દિવસ અને સાડા છ કલાકનો ફરક અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ કેલેન્ડર વચ્ચે આવે છે જેને સેટ કરવા માટે હિન્દુ પર્વો હોળી, દિવાળી વચ્ચે “ધોકો” રાખીને હિન્દુ ગણનાઓ અંગ્રેજી કેલેન્ડર સાથે ફીટ કરવામાં આવે છે.

અંગ્રેજી કેલેન્ડર મુજબ ઇસ્લામ તવારીખીને દર ત્રણ વર્ષે ૧૪ દિવસનો ફરક આવે છે, પરંતુ ઇસ્લામમાં ધોકો જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ઇસ્લામનો રમઝાન મહિનો સવા ચાર દિવસ આગળ આગળ ખસતો જાય છે. ઉદાહરણ જોઈએ તો આગલા વર્ષ ની રમઝાન ઈદ, ચાલુ વર્ષની રમઝાન ઈદ અને આવનારા વર્ષની રમઝાન ઈદની ગણના કરી જુઓ, દર ત્રણ વર્ષે એ ૧૪ દિવસ આગળ આવી હશે.

ઈસાઈ ધર્મમાં પણ અમુક દિવસોનો ફરક અંગ્રેજી કેલેન્ડર સાથે આવે છે. પરંતુ સનાતન હિન્દુ ધર્મમાં હોળી, દિવાળી જે મહિનાઓમાં આવે છે તે પૂર્વે પણ તેમ જ હોય છે અને આગળ પણ તેમજ રહે તેથી “ધોકો” પાળવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં “વદ-શુદ” અથવા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની જાણકારી દર્શાવવામાં આવે છે, ઉત્તર ભારતીયો અને પૂર્વ ભારતીયો તેમજ પશ્ચિમ અને દક્ષિણ ભારતીયોના હિન્દુ ધર્મ હોવા છતાં પંચાંગો અલગ પડે છે, જે સૂર્યની ધરી (ડિગ્રી) અનુસાર જુદા પડે છે પરંતુ તે બધા જ પંચાંગો આસો મહિનાની અમાસના દિવસે એક ગણના બતાવે છે.

૨૦૭૯ ના વર્ષની પુર્ણાહુતી ગઈ કાલે અમાસના દિવસે પૂર્ણ થઈ, આજે ધોકો છે અને ૨૦૮૦ ની કારતક મહિનાની એકમ આવતીકાલથી શરૂ થતી હોય આજનો દિવસ “ધોકો” પાળવામાં આવે છે.

આ પણ વાંચો…

દિપાવલી પર આ વર્ષે રહેશે ધોકો, જાણો ધોકો એટલે શું?

આ વખતના હિન્દુ પંચાંગમાં દિવાળી અને નૂતન વર્ષ બાબતમાં વિવાદ અને વિરોધાભાસ જોવા મળે છે. અમુક પંચાંગોમાં દિવાળી તા.૨૫ ઓક્ટોબરના મંગળવારે બતાડવામાં આવી છે અને તા.૨૬ ઓક્ટોબરના બુધવારે નૂતન વર્ષ બતાડવામાં આવ્યું છે. જ્યોતિષની દૃષ્ટિએ આ પંચાંગ સાચું છે, કારણ કે તા.૨૫ના આસો વદ અમાસ છે અને તા.૨૬ના કારતક સુદ એકમ છે. પરંતુ કેટલાંક પંચાંગોમાં દિવાળી તા.૨૪ના સોમવારે બતાવવામાં આવી છે, તા.૨૫ના મંગળવારે ‘ધોકો’ બતાવવામાં આવ્યો છે અને તા.૨૬ના બુધવારે બેસતું વર્ષ બતાવવામાં આવ્યું છે. આવું શા કારણે બન્યું છે?

શુદ્ધ હિન્દુ પંચાંગ મુજબ રવિવાર, તા.૨૩ના ધનતેરસ છે, સોમવાર, તા.૨૪ના કાળી ચૌદસ છે, મંગળવાર, તા.૨૫ના અમાસ છે અને બુધવાર,તા.૨૬ના બેસતું વર્ષ છે, તો પછી વચ્ચે ‘ધોકો’ કેવી રીતે આવી ગયો? તેનો જવાબ શોધવા આ વિવાદમાં જરાક વધુ ઊંડા ઊતરવું પડશે. શનિવારે સવારે બારસ છે, પણ બપોર પછી તેરસ થઈ જાય છે. જે લોકો ધનતેરસના શ્રી લક્ષ્મીજીનું પૂજન કરતા હોય છે, તેઓ સામાન્ય રીતે સાંજે પૂજન કરતા હોય છે. શનિવારે સાંજે જ્યોતિષચક્ર મુજબ આસો વદ તેરસ થઈ જતી હોવાથી લક્ષ્મીપૂજન કરનારાઓ શનિવારે જ ધનતેરસ મનાવી લેતા હોય છે.

આ પરંપરા મુજબ આગળ વધતાં રવિવારે સવારે તેરસ છે, પણ સાંજે ચૌદસ થઈ જતી હોય છે. જે લોકો ચૌદસના હવન કરતા હોય છે, તેઓ સામાન્ય રીતે રાતે જ હવન કરતા હોય છે. રવિવારે રાતે ચૌદસ થઈ જતી હોવાથી તેઓ રવિવારે જ કાળી ચૌદસ મનાવી લેવાના છે. તેવી જ રીતે સોમવારે સવારે ચૌદસ હશે, પણ સાંજે અમાસ થઈ ગઈ હશે. જે વેપારીઓ દિવાળીનું ચોપડાપૂજન કરતા હોય છે, તેઓ રાતે જ કરતા હોય છે. સોમવારે રાતે અમાસ થઈ જતી હોવાથી તેઓ ચોપડાપૂજન સોમવારે રાતે જ કરી લેશે. અર્થાત્ તેઓ દિવાળી પણ આસો વદ ચૌદસના સોમવારે રાતે જ મનાવી લેશે.

દિવાળી સુધી તો બધું બરાબર ચાલશે, પણ તકલીફ મંગળવારે આવશે. જો દિવાળી સોમવારે મનાવી હોય તો દિવાળીના પછીના દિવસે મંગળવારે બેસતું વર્ષ મનાવવું જોઈએ, પણ તેમાં મુસીબત છે. દિવાળી રાતે મનાવાતી હોય છે, પણ બેસતું વર્ષ સવારે મનાવાતું હોય છે. મંગળવારે સવારે કારતક સુદ એકમ નથી પણ આસો વદ અમાસ છે. અમાસના દિવસે બેસતું વર્ષ કેમ મનાવાય? માટે મંગળવારે અમાસના ‘ધોકો’ મનાવાશે અને બુધવારે કારતક સુદ એકમના બેસતું વર્ષ મનાવવામાં આવશે.

શુદ્ધ હિન્દુ પરંપરા મુજબ જો પંચાંગમાં આસો વદ અમાસ બે હોય તો જ દિવાળી પછી ધોકો આવવો જોઈએ, પણ આ વર્ષના હિન્દુ પંચાંગમાં આસો વદ અમાસ એક જ હોવા છતાં ધોકો આવે છે, તેનું કારણ કેટલાક પંડિતો દ્વારા પંચાંગનું કરવામાં આવતું મનઘડંત અર્થઘટન છે. પંચાંગનો નિયમ છે કે સવારે સૂર્યોદયના સમયે જે તિથિ હોય તે તિથિ જ આખો દિવસ ગણવી જોઈએ. સૂર્યોદયના સમયે વિદ્યમાન તિથિને ઉદિત તિથિ કહેવામાં આવે છે. જો ઉદિત તિથિને ન માનવામાં આવે તો અંધાધૂંધી ફેલાઈ જાય છે, જેનું સાક્ષાત્ ઉદાહરણ આ વર્ષે પંચાંગ સાથે કરવામાં આવેલી ગરબડ છે. ઉદિત તિથિના નિયમ મુજબ રવિવારે તેરસ છે, સોમવારે ચૌદસ છે, મંગળવારે અમાસ છે અને બુધવારે કારતક સુદ એકમ છે. જો આ નિયમને બરાબર અનુસરવામાં આવે તો રવિવારે ધનતેરસ આવે, સોમવારે કાળી ચૌદસ આવે, મંગળવારે દિવાળી આવે અને બુધવારે બેસતું વર્ષ આવે. તેમાં ‘ધોકો’તો આવે જ નહીં. પરંતુ કેટલાક પંડિતો દ્વારા સોમવારે દિવાળી કરવાને કારણે બિનજરૂરી ‘ધોકો’ ઘૂસાડી દેવામાં આવ્યો છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે જૈનો પોતાનું પંચાંગ બનાવતા હોય છે અને તેને જ અનુસરતા હોય છે, પણ તેમના પૂર્વાચાર્યોની આજ્ઞા મુજબ તેમણે પણ દિવાળી જૈનેતરો મુજબ જ કરવાની હોય છે. જૈન પંચાંગ મુજબ પણ રવિવારે તેરસ આવે છે, સોમવારે ચૌદસ આવે છે અને મંગળવારે અમાસ આવે છે. પરંતુ જૈનેતરો સોમવારે દિવાળી કરતા હોવાથી જૈનોને પણ તેમના પૂર્વાચાર્યોની આજ્ઞા મુજબ સોમવારે દિવાળી કરવાની ફરજ પડશે. જૈનો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને નથી કરતાં પણ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકની ઉજવણી દ્વારા કરે છે. પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનું નિર્વાણ આસો વદ અમાસની રાતે થયું હોવાથી જૈનો તે રાતે દીવડાઓ પ્રગટાવી અને તપ-જપ કરીને નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરતા હોય છે. જૈનો ધનતેરસ રવિવારે જ મનાવશે, પણ તેમણે નિર્વાણ કલ્યાણકની ઉજવણી કાળી ચૌદસના સોમવારે જ કરવી પડશે.

જૈનો કાળી ચૌદસના દિવાળીની ઉજવણી કરશે, તેને કારણે તેમને એક બીજી સમસ્યાનો પણ સામનો કરવો પડશે. મહુડી નજીક આવેલાં તીર્થમાં કાળી ચૌદસે ઘંટાકર્ણ વીરનો હવન થતો હોય છે. આ હવન પણ આ વખતે તેરસના રવિવારે કરવાની ફરજ પડશે. જૈન ધર્મના નિયમ મુજબ ચૌદસના પક્ખી પ્રતિક્રમણ કરવાનું હોય છે. ચૌદસ સોમવારના હોવાથી જૈનો સોમવારે રાતે પક્ખી પ્રતિક્રમણ કરશે અને પછી પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ કલ્યાણકની આરાધના પણ કરશે, જે સામાન્ય રીતે આસો વદ અમાસના થતી હોય છે. જૈનો પોતાની તમામ આરાધના ઉદિત તિથિના નિયમ મુજબ જ કરતા હોય છે, પણ તેમણે પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ કલ્યાણકની ઉજવણી જૈનેતરો પ્રમાણે કરવાની હોય છે. આ નિયમ કરવાનો પૂર્વાચાર્યોનો આશય જૈનો અન્ય હિન્દુ પ્રજા સાથે હળીમળીને રહે તેવો હશે, પણ તેને કારણે જૈનોના પંચાંગમાં પણ તકલીફ પેદા થઈ છે. જો હિન્દુઓ પણ ઉદિત તિથિના નિયમને વળગી રહીને તહેવારોની ઉજવણી કરે તો આ મુસીબત મૂળમાંથી દૂર થઈ શકે તેમ છે.