ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પોતાના ઘરે વિશાળ રંગોળી બનાવીને અનોખી રીતે વિરોધ કર્યો હતો. હંજડાપર ગામે ખેડૂતોના વિવિધ પ્રશ્નોના અનુસંધાને રંગોળી બનાવીને વિરોધ નોંધાવ્યો હતો. દિવાળીના દિવસે રંગોળી પર દીવડા પ્રગટાવી સરકારના મગજમાં પ્રકાશ પાડવાના હેતુથી આ અનોખો વિરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ “સરકાર અમારા પ્રશ્નો સાંભળતી ન હોઈ ના છૂટકે અમારે અનોખો વિરોધ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
પાલ આંબલિયાની વિવિધ માગ
આ વર્ષે 120 ટકાથી 291 ટકા સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી હતી. પાક નુકશાનીનું વળતર તાત્કાલિક ચુકવવા માંગ કરાઈ હતી. જમીન માપણી રદ કરવાની માંગની રંગોળી બનાવી કરવામાં આવી હતી. પાક વીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાકવિમો ચુકવવા માગ કરવામાં આવી હતી. વર્ષ 2020-21 અને 2021-22 માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવવા માગ કરાઈ હતી. વર્ષ 2019-20 નુ 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાક વીમા પ્રિમિયમ પરત આપવા માંગ કરાઈ હતી. વર્ષ 2019નો 8 તાલુકાઓનો મંજુર થયેલો 25 ટકા પાકવિમો તાત્કાલિક ચુકવવા માગ કરવામાં આવી હતી.