દરેક સમાજ પાસે બે પ્રકારની મિલકત હોય, એક તેની ગગનચુંબી ઇમારતો, બીજી સંપત્તિ જ્ઞાનની છે

દિવસો દીપોત્સવીના છે. આ એક જ એવો વર્ષાન્ત દિવસ છે જેને આપણે દીપોત્સવી કે દિવાળી નામ આપ્યું છે. જિંદગીની જેમ વર્ષના આરંભે પ્રથમા અને અંતે પણ સ્ત્રી પ્રતિષ્ઠિત છે! આવા જ બીજા તહેવારો નવરાત્રિ, જન્માષ્ટમી, મહાશિવરાત્રી, ગણેશ ચતુર્થી, દુર્ગાષ્ટમી, રાધા અષ્ટમી અને તમામ અગિયારસ.. સર્વત્ર નારીરૂપેણ સંસ્થિતા! પણ આ માત્ર દીવડા પેટાવવા, રોશની કરવી, ફટાકડા ફોડવા અને મીઠાઇ ખાવી કે દેવ-દર્શને જવું અથવા તો રજાઓ માણવા દેશ-વિદેશે જવું એટલામાં ખુશ થઈ જવું? દરેક સમાજની પાસે બે પ્રકારની મિલકત હોય છે, એક તેની ગગનચુંબી ઇમારતો, તેની જીડીપી, તેની બજાર, અને સુવિધાઓ.

એક બીજી સંપત્તિ જ્ઞાનની છે, સમજદારીની છે, શ્રદ્ધાની છે અને ઇતિહાસ તેમજ સંસ્કૃતિ પ્રત્યેની સજ્જતાની છે. ઇતિહાસનું કોઈ પણ પાનું ખોલો તો આ હકીકત જોવા મળે. પણ કેટલીકવાર તેનાથી મોં ફેરવીને સમાજ વિપરીત દશામાં દોડવા માંડે છે. સપાટી પરના અભિપ્રાયો અને ઉદ્દંડ વ્યવહારોનો કચરો ઠલવાય છે. બધાં ક્ષેત્રો તેની અસરમાં આવી જાય છે. આવો સમય વારંવાર આવે પણ તેની આરપાર જોનારા કેટલાંક વ્યક્તિત્વોનું અસ્તિત્વ આશાનાં કિરણો અને કારણોને સર્જે છે. આત્મશ્લાઘા, મિથ્યાભિમાન, અજ્ઞાન જલદીથી સમાજને પતન તરફ લઈ જતાં હોય ત્યારે દીપજ્યોતિનો સાચો અર્થ સમજવો રહ્યો અને તે નજર કરો તો જરૂર મળે.

તહેવારોના આ દિવસોમાં એક સાહિત્યિક વ્યક્તિત્વનો અંદાજ મેળવીએ. ગગન અને નિર્મલ વર્મા: હિન્દી સાહિત્યનું એક શિખર-દંપતી. નિર્મલ તેમનાં અંતિમ વર્ષોમાં નોબેલ પારિતોષિક માટે નોમિનેટ થયા હતા. અજ્ઞેયની સાથે જ સર્જક્તામાં આ નામ બોલાય છે, ચર્ચાય છે. એ પદ્મભૂષણ હતા, જ્ઞાનપીઠ વિજેતા હતા, ‘વે દિન’ તેની નવલકથા. ‘પરિંદે, ક્વ્વે ઔર કાલા પાની’, ‘અંતિમ અરણ્ય’, ‘કલા કા જોખિમ’, ‘ધૂંધ સે ઉઠતી ધૂન’, ‘લાલ ટીન કી છત’, ‘એક ચીથડા સુખ’, ‘બીચ બહસ મેં’, ‘શબ્દ ઔર સ્મૃતિ’, ‘ઢલાન સે ઉતરતે હુએ…’. આ તેમનું ઉત્તમ સર્જન. અનુવાદો પણ કર્યા. તેમના ભાઈ ખ્યાત ચિત્રકાર રામકુમારને ઉદ્દેશીને લખેલા પત્રો ‘પ્રિય રામ’ પણ પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. તેમનું એક પુસ્તક છે, ‘આદિ, અંત ઔર આરંભ.’ આજે જ્યારે સાંસ્કૃતિક પ્રશ્નોનું વાવાઝોડું આવ્યું છે, કેટલીક અધૂરી અને પોતાના ઈરાદાઓની પૂર્તિ માટે પસંદ કરેલી બાબતો ઉમેરીને સપાટી પરનું ‘ચિંતન’ પીરસે છે ત્યારે નિર્મલ વર્માની ઊંડી સમજનો સાક્ષાત્કાર કરાવતાં લેખો અને પુસ્તકોનું સ્મરણ થઈ આવે.

તેમના અવસાન પછી ગગન ગિલે સંપાદિત કરેલું દળદાર (502 પાનાં) પુસ્તક ‘સંસાર મેં નિર્મલ વર્મા’ તેમની સાહિત્યિક મુલાકાતો આપે છે. 60 જેટલી આ મુલાકાતોમાં સાહિત્ય, જીવન અને સંસ્કૃતિનું વિશાળ આકાશ પ્રાપ્ત થાય છે. તેમાં લખવાના જોખમથી માંડીને કલાનો યથાર્થ, સાહિત્યના ધર્મક્ષેત્રમાં રાજનીતિનું કુરુક્ષેત્ર, વૈચારિક ગુલામી સામે વ્યાપક રાષ્ટ્રીય આંદોલન, સેક્યુલરિઝમ અને સંસ્કૃતિ, ભારત અને યુરોપ, તિબેટની યાતના, લેખન અને એકાંત, પૂર્વજોનું ઋણ, ફિલ્મ અને વાર્તા જેવા વિષયો ચર્ચાયા છે. ‘આદિ, અંત ઔર આરંભ’ 2017માં પ્રકાશિત થયું તે પણ તેમની વિદાય પછી. તેમાં ભારતીય હોવાનો અર્થ, ભારતીય બુદ્ધિજીવીની ભૂમિકા, પૂર્વ અને પશ્ચિમ. વૈશ્વિકીકરણની વચ્ચે ભારતીય સંસ્કૃતિ, કલાનું સત્ય, કથ્યની ખોજ, ભારતીય સભ્યતા જેવા વિષય છે. કોલેજના સમયમાં તે સામ્યવાદી પક્ષના ‘કાર્ડ હોલ્ડર’ હતા. ચેકોસ્લોવેકિયામાં વધુ અભ્યાસ માટે રહ્યા ત્યારે પ્રાગ પર રશિયન આક્રમણ નજરે જોયું અને સામ્યવાદ વિશેનો ભ્રમ ભાંગી ગયો. બીજી ઘટના ભારતમાં કટોકટી અને સેન્સરશિપની હતી. નિર્મલ વર્માની તે વિશે એક નવલકથા પણ છે અને કટોકટી સમયે ‘સેમિનાર’ના તંત્રી દંપતીએ તેમને એક લેખ લખવાનું કહ્યું, લખ્યો અને જુલાઈ, 1976ના અંકમાં પ્રકાશિત થયો. એ અંક અંતિમ બની ગ્યો કેમ કે સરકારે આ સામયિક પર લીધેલાં પગલાંથી સામયિક બંધ કરવું પડ્યું! જ્યારે તેઓ (લગભગ 1980ની આસપાસ) અમદાવાદ આવ્યા, કનોરિયા કેન્દ્રમાં વાર્તાપઠન કર્યું હતું. આઇઆઇએમ-એ ના અતિથિ ગૃહમાં તેમને મળીને કટોકટી સામાની જેલસ્મૃતિ કથા ‘મીસાવાસ્યમ’ આપી તો કલાક સુધી ચર્ચા કરી. તેમણે કહ્યું હતું: ઇતિહાસની બે મર્માંતક ઘટનાઓ છે, એક 1968માં ચેકોસ્લોવેકિયા પર સોવિયેત સેનાઓએ આક્રમણ કર્યું તે અને બીજી 1975માં ભારતમાં આપાતકાલની ઘોષણા થઈ. એક તો તેનો જીવંત, સ્પંદિત વર્તમાન હતો જે હવે ભૂતકાળની સ્મૃતિમાત્ર રહી ગયો છે.

ઈતિહાસમાં અપરાધ-બોધ કેવો હાસ્યાસ્પદ થઈ જાય છે તે આનાથી ખબર પડે છે. કાર્લ માર્કસ ક્યારેક સામ્યવાદને યુરોપનું પ્રેત કહ્યું હતું, ત્યારે કોઈએ વિચાર્યું હતું કે એક દિવસ ખુદ કમ્યુનિઝમ પોતે જ ઈતિહાસનું પ્રેત બની જશે? એકલું સાહિત્ય નહીં તેની સાથેનો ઇતિહાસ-બોધ અને તેનું ચિંતન જ સમાજને સાચી રીતે જીવતા રાખવાનું કામ કરે છે એ વાત નિર્મલ વર્માએ પોતાના સાહિત્યમાં-નવલકથા, ડાયરી, વાર્તા, નાટક અને મુલાકાતોમાં કરી હતી. ‘માયા દર્પણ’ પરથી એક ફિલ્મ પણ બની હતી. 1929માં ત્રીજી એપ્રિલે જન્મ્યા હતા, 2005માં તેમનું અવસાન. તેમણે માટે કહેવાયું છે: ભારતીય ચિંતનની ઉજ્જવળ પરંપરાના તે પ્રતીકપુરુષ હતા, તેમના જીવનમાં કર્મ, ચિંતન અને આસ્થામાં કોઈ અલગાવ નહોતો. દેશ એક નવી કરવટ લઈ રહ્યો છે ત્યારે જેમની રચના અને વિચારોનું સ્મરણ થવું જોઈએ કે ભાષા ભવનો અને સાહિત્ય-સંસ્થાઓએ તેમના વિષે કાર્યક્રમો કરવા જોઈએ તેમાંના એક નિર્મલ વર્મા છે.