અંધશ્રદ્ધા નિવારણ : પોરબંદરની હિન્દુ સ્મશાનભૂમિમાં કકડાટના વડાં ખવાયા

પોરબંદરની હિન્દુ સ્મશાનભૂમિમાં કકડાટના વડાં આરોગાયા : સોબર ગૃપ ઓફ પોરબંદર દ્વારા ઘૈર્યા અકબરી, માજી સૈનીકોનું સન્માન, મતદાન જાગૃતિ અભિયાન સહિતના કાર્યક્રમયો યોજાયા પોરબંદર શહેરમાં કાળી ચૌદશની રાત્રીના હિન્દુ સ્મશાનભૂમિમાં ભરચક કાર્યક્રમોનો માહોલ જામ્યો હતો

પોરબંદર શહેરમાં કાળી ચૌદશની રાત્રીના હિન્દુ સ્મશાનભૂમિમાં ભરચક કાર્યક્રમોનો માહોલ જામ્યો હતો. સામાન્ય રીતે કોઇ વ્યક્તિના અવસાને લોકો સ્મશાનભૂમિમાં પ્રવેશતા હોય છે. પરંતુ સોબર ગૃપ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સ્મશાનભૂમિમાં ધૈર્યા અકબરીને શ્રદ્ધાજંલી, માજી સૈનીકોનું સન્માન, મતદાન જાગૃતિ સંદેશો જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા.

સ્મશાનભૂમિમાં રાત્રીના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અંધશ્રદ્ધા નિવારણ સાથે જનમાનસમાં બદલાવ લાવવો જરૂરી છે. દિપોત્સવ પર્વની કાળી ચૌદશે અનેક માન્યતાઓ જોડાયેલી છે. કાળી ચૌદશની રાત્રી લોકો ગેરમાન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજો જેવી વિવિધ માન્યતાઓ હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. કાળી ચૌદશના દિવસે ઘરમાંથી કકડાટ કાઢવા માટે ચાર રસ્તા પર કુંડાળા કરી તેમા ભજીયા-વડાં મુકવાની માન્યતાઓ હજુ પણ જોવા મળે છે. પરંતુ આજના આધુનીક યુગમાં આવી માન્યતાઓ ભુલીને અંધશ્રદ્ધાથી દુર રહેવું જોઇએ.

પોરબંદર સોબર ગૃપ દ્વારા હિન્દુ સ્મશાનભૂમિમાં છેલ્લા ૧પ વર્ષથી અંધશ્રદ્ધા નિવારણ માટે વિવિધ કાર્યક્રમો થકી લોકોને પ્રેરણા દાયક સંદેશો આપવામાં આવે છે. આ વર્ષે પણ કાળી ચૌદશની રાત્રીએ વિવિધ કાર્યક્રમયો યોજી લોકોને અંધશ્રદ્ધાથી દુર રહેવા અપીલ કરી હતી. આપણે જાણીએ જ છીએ કે તાજેતરમાં તાલાલામાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં ગુંજી રહ્યાં છે. તાલાલમાં ઘૈર્યા અકબરીનું અંધશ્રદ્ધામાં અંધ બનેલા તેના જ પિતાએ ઘાતકી રીતે હત્યા કરી હતી. આ અંધશ્રદ્ધામાં ભોગ બનેલ માસૂમ દિકરી ધૈર્યાને હિન્દુ સ્મશાનભૂમિ પોરબંદર ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

આ ઉપરાંત સ્મશાનભૂમિમાં મતદાન જાગૃતિ અંગે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેમજ નિવૃત સૈનીકોનું સન્માન, ધૂન-ભજનના કાર્યક્રમો યોજાયા હતા. અને અંતમાં રાત્રીના ૧ર વાગ્યે સોબર ગૃપ દ્વારા કકડાટના વડાં આરોગ્યા હતા અને લોકોને અંધશ્રદ્ધાથી દુર રહેવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં પોરબંદરના સેવાભાવી હિરલબા જાડેજા, પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ, ડો. પારસ મજીઠિયા, નિધીબેન શાહ, દુર્ગાબેન લાદીવાલા, સાંઇનાથ મંદિરના પૂનિતભાઇ તથા જગદીશભાઇ વ્યાસ, નિશાંત બઢ, માજી સૈનીકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર સોબર ગૃપ ઓફ પોરબંદરના પ્રમુખ વિનેશભાઇ ચોલેરા, ઉપપ્રમુખ ભીખુભાઇ મહેતા, મંત્રી વિપુલભાઇ અમલાણી, સહમંત્રી કેયુરભાઇ રાયચુરા, ખજાનચી જય મજીઠિયા ઉપરાંત સોબર ગૃપમાં મયુર મજીઠિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.