દેવર્ષિ નારદ તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં આવ્યા પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે. જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેંત છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી શુકદેવજી પાસે આવે છે. અને શુકદેવજીને કહે છે કે મને તમે આત્મજ્ઞાન આપો. શુકદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો અને નારદજીએ તો આખી યાદી આપવા લાગી. મને ભાગવતનું, ઉપનિષદોનું, વેદોનું જ્ઞાન છે,.. આ યાદી પુરી થઇ કે તરત શુકદેવજી બોલ્યા: ‘જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અહમ નાશ નહીં પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઇ જઈ નહીં શકું.’
જો નારદજીને પણ આવો જવાબ શુકદેવજી તરફથી મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એવો અફસોસ કરવા જેવું નથી. પણ અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ શુકદેવજીએ આપ્યો અને નારદજી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અંતે બધું જ ભૂલી જવા લાગ્યા એમ આપણે પણ ‘હું શું છું’ તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથવગું રહેશે.
ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત વેદપુરાણો પાર ન પામ્યા, તે છે બ્રહ્મ અનંત! અનંત બ્રહ્મ છે એટલે એનું અનંત બ્રહ્મજ્ઞાન છે. સ્પિરિચ્યુઅલ સીકર્સના બે પ્રશ્નો છે. ‘હું કોણ છું ?’ બીજો પ્રશ્ન છે, ‘તે કોણ છે?’ જ્યારે હું ‘કોણ છું?’ની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું ? અહીં શા માટે આવ્યો છું? મારે શું કરવાનું છે ? Who am I? એમ ખોજવાથી જે જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ ‘તે કોણ છે?’ એનો જવાબ એ ‘બ્રહ્મજ્ઞાન’ છે. જેમ ‘હું કોણ છું?’માં અંતર્યાત્રા ચાલી એમ ‘તે કોણ છે ?’માં પણ અંદરની યાત્રા ચાલશે કે આ બધું કરનારો કોણ ? હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ? તે કોણ છે જે આ બધું કરે છે ? એનો જ્યારે જવાબ મળે ત્યારે એને ‘બ્રહ્મજ્ઞાન’ કહેવાય છે. ‘હું કોણ છું?’ ની યાત્રા અને ‘તે કોણ છે?’ની યાત્રા જ્યાં મળે એ પળ હકીકતમાં શૂન્યત્વની પળ છે.આ બે યાત્રા જ્યાં ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બને છે. ત્યાં જવાબ મળે છે હું પણ નથી, કે તું પણ નથી, તત્ત્વમસિ છે. તું જ તે જ છે, આ બે અલગ અલગ નથી, પણ બંને એક છે એ તત્ત્વમસિનો પરિચય આપણને આ યાત્રામાંથી મળી રહે છે અને ત્યારે આત્મભાવ જાગૃત થાય છે.
આત્મભાવને જાગૃત રાખવા માટે શું કરવું જોઈએ? સતતસ એ યાદ રાખવું પડે કે આ દેહ છે પણ દેહ તે હું નથી. ખાઈએ, સૂઈએ, ચાલીએ, બોલીએ, કોઈની સાથે કોઈ વ્યવહાર કરીએ ત્યારે અંદર નામસ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે અને આ હું જે કરી રહ્યો છું તે અન્ય કોઈ કરી રહ્યું છે. આત્મભાવ દેહમાં ઉમેરાઈ જાય ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગે કે એ પોતે કશું નથી…. આવા આત્મસાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવો એ ખરેખર આત્મજ્ઞાન છે.
આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ખરું પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. જે કરો છો એને અનુભવમાં મુકો અને તે દરમિયાન જે પ્રાપ્ત થાય છે એ આત્મજ્ઞાન છે. કશુંક કરતા રહેવાનો અનુભવ ભાથું બંધાવે છે. વધુમાં વધુ અનુભવ, વધુ ને વધુ વાંચન, વધુમાં વધુ સત્સંગ અને મૌન રહેવું, ખળખળ વહેતી નદીની સામે પલાંઠી મારીને બેસી રહેવું અને એનું વહેવાનું અંદર ઊતરવા દેવું. અંદર ઊતરશે ત્યારે એ ‘મારાપણાં’ની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ? આ જે પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત એ સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. રોજ જે કરીએ છીએ એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. કશું જ કર્યા વગર પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ મારું અધ્યાત્મ છે.