ખરો કિંગ તો કોહલી જ, દેશમાં કાળી ચૌદશે દિવાળી, પાક. પાસેથી ભારતે મેચ ઝૂંટવી લીધી

દિવાળીના આગલા દિવસે ભારતે વિરાટ કોહલીની ‘વિરાટ’ ઇનિંગના કારણે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટે 53 બોલમાં 82 રનની ‘ગ્રેટેસ્ટ ઇનિંગ’ રમી છે. તેની આ ક્લાસિક ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 154.72ની રહી હતી. તેણે એકલા હાથે ટીમને જિતાડીને ગત વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો. આ સાથે જ ભારતે આ વર્લ્ડ કપનો પણ કટ્ટર હરિફ એવા પાકિસ્તાનને હરાવીને જીતથી સંગીન પ્રારંભ કર્યો છે.

અગાઉ ભારતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આવી પ્રેશર પરિસ્થિતિમાં હાર્દિક અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શતકીય પાર્ટનરશિપ બની હતી. હાર્દિકે 37 બોલમાં 40 રન કર્યા હતા. પરંતુ મેચનો હીરો તો ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી જ રહ્યો હતો.

અગાઉ ભારત તરફથી હાર્દિક અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તો શાન મસૂદે 5 ચોગ્ગાની મદદથી 42 બોલમાં 52 રન કર્યા હતા.

બે વખત બચ્યો શાન મસૂદ

પાકિસ્તાનની ઇનિંગની શાન મસૂદને બે વખત જીવતદાન મળ્યું છે. પહેલા 6.3 ઓવરે હાર્દિકે રનઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મસૂદ બચી ગયો હતો. તે સાવ થોડાક માટે રહી ગયો હતો. તો આના પછીની ઓવરમાં થર્ડમેન ઉપર અશ્વિને તેનો કેચ છોડીને તેને બીજું જીવતદાન આપ્યું હતું.

T20 વર્લ્ડ કપમાં ભારત જ્યારે પણ ટૉસ જીત્યું છે, ત્યારે પાકિસ્તાન સામે મેચ જીત્યું છે
ટીમ ઈન્ડિયામો એક અનોખો રેકોર્ડ પણ છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં ટૉસ જીતી છે, ત્યારે તે મેચ ભારતીય ટીમ ક્યારેય હારી નથી. ત્યારે આ રેકોર્ડને જોતા, આજે પણ ભારતીય ટીમ સારું પરફોર્મંસ આપીને આ ખરાખરીના જંગમાં જીત મેળવશે. આ અગાઉ ટીમે 3 વખત ટૉસ જીત્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જ જીત મેળવી છે.

બન્ને ટીમની પ્લેંઇગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, હૈદર અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

ભારત અને પાકિસ્તાન મેચમાં ચાહકો ઉમટી પડ્યા છે…

T20 વર્લ્ડ કપ 2022ના સૌથી મોટો મુકાબલો માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આજે, ભારત અને પાકિસ્તાનની ટીમ બપોરે 1.30 વાગ્યે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતરશે, ત્યારબાદ લગભગ 1 લાખ દર્શકો સ્ટેડિયમમાં તેનો આનંદ માણશે અને લગભગ 300 મિલિયન લોકો ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેનો આનંદ માણશે. હવામાન મોરચે પણ રાહતના સમાચાર છે. ગઈકાલ સુધી મેચ દરમિયાન વરસાદની સંભાવના 90% હતી. હવે તેની સંભાવના ઘટીને 15% થઈ ગઈ છે.

આજ સવારના હવામાન અપડેટ મુજબ, મેલબોર્નમાં વાતાવરણ વાદળછાયું હતું, પરંતુ હવે તે વાદળો વિખેરાઈ ગયા છે. વરસાદની સંભાવના પણ હવે ઓછી થઈ ગઈ છે.

પિચ રિપોર્ટ અને બન્ને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ વાંચો

37 વર્ષ પછી મેલબોર્નમાં બન્ને ટીમની વચ્ચે મેચ રમાશે
ઓસ્ટ્રેલિયાના MCG સ્ટેડિયમમાં 37 વર્ષ પછી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે મેચ રમાશે. આ મેદાને છેલ્લીવાર બન્ને ટીમ 1985માં બેન્સન એન્ડ હેજિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટકરાઈ હતી.

મેલબોર્નની પિચ કેવી છે?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની છેલ્લી 5 મેચની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર ચેઝ કરનાર ટીમે જીત મેળવી છે. આ પાંચેય મુકાબલામાં હાઈએસ્ટ સ્કોર 175 રનનો રહ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાની સામે બનાવ્યો હતો.

પહેલી ઇનિંગમાં એવરેજ સ્કોર 145 રન છે. તો બીજી ઇનિંગમાં એવરેજ સ્કોર 140 રન છે. ભારતે આ મેદાનમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ 184 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો આ મેદાનમાં એવરેજ સ્કોર 125 રન છે. આ પિચમાં ફાસ્ટ બોલરોને મદદ મળતી હોય છે. આ પિચ પર પેસર્સે 59 વિકેટ ઝડપી છે.

T20 વર્લ્ડ કપમાં ભારતનું પલડું ભારી
બન્ને ટીમ વચ્ચે અત્યારસુધીમાં 6 વખત ટકરાઈ છે. જેમાં ભારતને 5 મેચમાં, જ્યારે પાકિસ્તાનને 1 મેચમાં જીત મળી છે.

T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે ઓવરઓલ 11 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી.