પાકું સરનામું હોય તો પણ સાચી જગ્યાએ પહોંચાય તેવું જીવનમાં હોતું નથી, ભવિષ્યમાં ભૂતકાળ નહીં જ વાગોળાય એવુ જીવનમાં બચપણ, યુવાની કે વૃધ્ધવસ્થામાં હોતું નથી.
દરેકની પાસે એનો ભવ્ય ભૂતકાળ હોય છે, તેને વર્તમાનમાંથી પસાર કરાવીને ભાગ્યે જ કોઈ ભવિષ્યમાં તેનું પુનરાવર્તન કરી શકે છે, અનેક મહાપુરુષો અને યુગપુરુષોના જીવનકાળથી ધરબાયેલો પૃથ્વી ગ્રહ આવી અસંખ્ય જાણી અજાણી યાદોથી ભરેલો પડ્યો છે. જેને લોકો અતીત અથવા ઇતિહાસથી ઓળખે છે.
ઘણાં મહામાનવ થયા જેણે કેટલાંક ક્રૂર ઇતિહાસને મુલાયમ બનાવીને સુધારો કર્યો, પરંતુ આતો સામુહિક ક્રિયા થઈ પરંતુ વ્યક્તિગત ક્રિયા શું ? કેટલાંક ઉંડા વિચારકો, ચિંતકો અને તત્વજ્ઞાનીઓ જણાવે છે કે દરેક વ્યક્તિ પાસે એક યાદગાર અને જીવંત ભૂતકાળ હોય છે એની સ્મૃતિ, એની સાથે જોડાયેલી સારી, ખરાબ અનુભૂતિ, સુખ, દુઃખ, પીડા, પ્રસન્નતા વ્યક્તિના મનમાં ક્યાંક સચવાઈને કે ધરબાઈને પડ્યાં હોય છે.
માણસ સ્મૃતિનો પ્રવાસ ટાળી શકતા પણ નથી, વ્યક્તિ, વસ્તુ કે વિચાર સાથે જોડાયેલી માણસની સ્મૃતિ આપણને વારંવાર ભૂતકાળમાં લઈ જવાનો મરણીયો પ્રયત્ન કરે છે. માણસને તેમાં જવું હોય છે, પરંતુ તે જઈ શકતા નથી, તો ક્યારેક નથી જવું, તેમ છતાં મન ત્યાં લઈ જાય છે.
માણસનું જીવન રિવાઈન્ડ કે ફોરવર્ડ થતું નથી, પરંતુ મન એ જ કર્યાં કરે છે. માણસનું મન ગમે તેટલા ધમપછાડા કરે પણ તેના જીવનનો પ્રવાસ એનાથી જુદી જ દિશામાં હોય છે.
આપણા સૌના સંઘર્ષનું કારણ એ છે કે, આપણે મન સાથે પ્રવાસ કરવાનો મરણિયો પ્રયાસ કરતા રહીએ છીએ જે શક્ય નથી, એ આપણને સૌને જોઈએ છે.
અસ્તિત્વને કે જિંદગીને ફક્ત વર્તમાન સાથે સંબંધ છે. ભૂતકાળની ભૂલની સજા, ભલે વર્તમાનમાં મળતી હોય, પરંતુ ત્યાં જઈને એને સુધારી શકાતી નથી. ભૂતકાળમાં છૂટી ગયેલો સંબંધ કે તૂટી ગયેલું સપનું કદાચ ફરી મળે તો પણ એ બદલાઈને આપણી સામે આવે છે. એથી ભૂતકાળને મનમાં સવાર ન થવા દેવો અથવા તો સવાર થાય તો તેને મનમાં જ સંઘરી રાખવો, બહાર છલકવા ન દેવો એ એક માત્ર એનો ઉપચાર છે.
માણસ ફક્ત વર્તમાન પર અધિકાર ધરાવે છે. છૂટી ગયેલો, વિતી ગયેલો ભૂતકાળ કે આવનારો સમય એના હૃદય અને હસ્તરેખાને ઢંઢોળવાથી વાંચી શકાય, પરંતુ જીવી શકાતો નથી.