દિવાળીમાં રાત્રે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે

સુપ્રીમની ગાઈડલાઈન મુજબ દિવાળીના તહેવારમાં ભાવનગર સમેત રાજ્યના વિવિધ જિલ્લામાં લોકો રાત્રિના આઠથી દસ એમ બે કલાક જ ફટાકડા ફોડી શકશે. આ માટે દરેક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું જારી કર્યું છે. જેમાં ફટાકડા ફોલવાનો સમય નિશ્ચિત કરાયો છે. તે ઉપરાંત વિદેશી અને સિરીઝમાં જોડાયેલા ફટાકડા પર પ્રતિબંધ, ફ્લીપકાર્ટ, એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના ઓર્ડર કે વેચાણ નહીં કરી શકે તેમ સ્પષ્ટ પણે જણાવાયું છે.

સુપ્રીમ કાર્ટે ફટાકડા ફોડવા સબંધમાં કેટલીક સ્પષ્ટ સુચનાઓ અને માર્ગદશકા આપી છે. જેથી દિવાળી અને અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો જાહેર કરાયા છે.

ભાવનગર જિલ્લામાં ફટાકડાના કારણે આગ અકસ્માતના બનાવો ન બને તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટર રમેશ મેરજાએ સમગ્ર જિલ્લામાં દિવાળીની રાત્રિએ ૮થી ૧૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવું જાહેરનામું જારી કર્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે સિરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણે હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી-વેંચાણ કરી કે ફોડી શકાશે નહી.