સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં મનોરથ, પૂજા અને દીપદાન સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવશે.

તા. 22-10-2022, શનિવારના રોજ ધનતેરસના દિવસે પણ શ્રીહરિ મંદિરમાં સાંજે ૫:૦૦થી ૬:૩૦ દરમિયાન વિધિપૂર્વક શ્રીલક્ષ્મી પૂજન સંપન્ન થશે. લક્ષ્મીપૂજન બાદ દીપદાન વિધિ થશે અને સાંજે ૭ઃ૦૦ વાગ્યે સાયં આરતી થશે.

તા. 23-10-2022, રવિવારના રોજ રુપ ચતુર્દશીના દિવસે શ્રીહરિ મંદિરમાં સાંજે ૫:૩૦ થી ૬:૩૦ સુધી શ્રીહનુમાનજીની પૂજા થશે. ત્યારબાદ ૬:૩૦ થી ૭:૦૦ દરમ્યાન દીપદાન વિધિ સંપન્ન થશે અને ૭:૦૦ વાગ્યે સાયં આરતી થશે.

તા. 24-10-2022, સોમવાર દિવાળીના શુભ દિવસે સાંજે સમય ૫:૦૦ થી ૬:૩૦ શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું સહસ્રકમલો દ્વારા વિધિપૂર્વક પૂજન-અર્ચન સંપન્ન થશે. ૬:૩૦ વાગ્યેથી દીપદાન વિધિ થશે, ૭:૦૦ વાગ્યે શયન આરતી થશે. શયન આરતી બાદ ૭:૩૦ થી ૮:૦૦ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ થશે અને ત્યારબાદ ૮:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવશે.

દીપદાનનું મહત્ત્વ
ભગવાન વિષ્ણુના વામન અવતારમાં જ્યારે ભગવાને સંપૂર્ણ પૃથ્વીને એક ચરણમાં માપી લીધી ત્યારે બલિરાજાના દાન અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને જ્યારે વરદાન માંગવાનું કહ્યું ત્યારે બલિરાજાએ પ્રાર્થના કરી કે આસો માસની ત્રયોદશી, ચતુર્દશી અને અમાસ સહિત ત્રણ દિવસ સુધી જે વ્યક્તિ યમરાજને દીપદાન કરે, એમને યમયાતના ભોગવવી ન પડે અને ત્રણ દિવસ સુધી જેઓ દીપાવલિ ઉજવશે એના ઘરનો શ્રીલક્ષ્મીજી ક્યારેય ત્યાગ ન કરે. ભગવાનને “એવમસ્તુ” કહીને કહ્યું કે જે મનુષ્ય આ ત્રણ દિવસમાં દીપદાન /દીપાવલી કરશે તો મારી પ્રિયા લક્ષ્મી એને છોડીને જશે નહિ.

તા. 26-10-2022, બુધવારના રોજ શ્રીહરિ મંદિરમાં નૂતન વર્ષ ઉજવવામાં આવશે. પ્રાતઃ ૭:૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન અને ૮:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન ધાન્યકૂટ સમર્પિત કરવામાં આવશે અને મધ્યાહ્નમાં ૧૨:૦૦ વાગ્યે ધાન્યકૂટની આરતી સંપન્ન થશે. અપરાહ્ન સમયમાં નૂતન વર્ષ નિમિત્તે શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનને અન્નકૂટ ભોગ લગાવવામાં આવશે. જેના દર્શનનો સાંજે ૪:૩૦ થી ૮:૦૦ દરમ્યાન સૌ દર્શનાર્થીઓ લાભ લઈ શકશે. સાંજે ૭:૦૦ વાગ્યે અન્નકૂટ આરતી પણ સંપન્ન થશે.