રાજસ્થાનમાં 250 દલિત પરિવારોએ હિન્દુ ધર્મ છોડ્યો, મૂર્તિઓને નદીમાં વિસર્જન કરી

  • દલિત સમાજના યુવાનોએ મા દુર્ગાની આરતીનું આયોજન કર્યું હતું

રાજસ્થાનના બારાં જિલ્લામાં સવર્ણ સમાજના લોકો દ્વારા કરવામાં આવેલી મારપીટથી પીડિત 250 દલિત પરિવારોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આ લોકોએ પોતાના ઘરેથી દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફોટાઓનું બેથલી નદીમાં વિસર્જન કર્યું હતું.

આ પરિવારોએ રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોપ લગાવ્યા હતા કે 15 દિવસ પહેલા માતા દુર્ગાની આરતી કરવા પર સવર્ણોએ દલિત સમાજના લોકોએ મારપીટ કરી હતી. પીડિત સમાજે રાષ્ટ્રપતિથી લઈને જિલ્લા તંત્ર સુધી ન્યાય માટેની માંગ કરી હતી, પણ મારપીટ કરનારા આરોપીઓની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલો છબડા ક્ષેત્રના ભુલોન ગામનો છે.

માતા દુર્ગાની આરતી કરવા બાબતે દલિત યુવકોને માર માર્યો હતો
જિલ્લા બૈરવા મહાસભા યુવા મોરચાના પ્રમુખ બાલમુકંદ બૈરવાએ જણાવ્યું કે, ભુલોન ગામમાં 5 ઓક્ટોબરે દલિત સમાજના યુવાનો રાજેન્દ્ર અને રામહેત એરવાલે મા દુર્ગાની આરતીનું આયોજન કર્યું હતું. આ યુવકો પર રાહુલ શર્મા અને લાલચંદ લોઢા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ લોકોનો આરોપ છે કે તેઓએ પોલીસ પ્રશાસન, મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ન્યાય માટે અપીલ કરી હતી, પરંતુ ક્યાંયથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે આવું થયું ત્યારે સમાજના લોકોએ સામૂહિક રીતે ધર્મ પરિવર્તનકરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે ગામમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ પછી દેવતાઓની મૂર્તિઓ અને તસવીરોનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

SDM ઓફિસ પર પ્રદર્શન કરવાની ચેતવણી
બાલમુકંદ બૈરવાએ ચેતવણી આપી હતી કે જો મુખ્ય આરોપીની જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો છબડા એસડીએમ ઓફિસ પર દેખાવો કરવામાં આવશે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના અને દલિતો સામે અત્યાચારના મામલાઓમાં વધારો કરવાનો આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન રમેશ મરાઠા, બદ્રીલાલ બૈરવા (છીપાબડોદ), છીતરલાલ બૈરવા, પવન, રામહેત બૈરવા, મહેન્દ્ર મીણા (તુર્કીપાડા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઘટનાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યા છે
ડીએસપી પૂજા નાગરે જણાવ્યું કે પીડિતે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે, પરંતુ તેમાં સરપંચ પ્રતિનિધિનું નામ લખવામાં આવ્યું નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.