સાંસદ પૂનમબેન માડમ અને માજી રાજ્યમંત્રી મુળુભાઈ બેરા સમેત દાતાઓનું સન્માન યોજાયું

મોટા કાલાવડના આહીર સમાજ ખાતે જામનગરના અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ અને માજી મંત્રી મુળુભાઈ બેરા આજરોજ ગામના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલ હતાં, જે પૂર્ણ થયા બાદ એજ ગામના રહીશોએ મુખ્ય ગેટના દાતાઓ રાજાભાઇ અરશી ભાઈ કાનારા, રમેશભાઈ ગોવાભાઈ ગાગલીયા અને ઉક્ત મહેમાનોનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ અલગથી યોજાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજાભાઇ અરશી ભાઈ કાનારા અને રમેશભાઈ ગોવાભાઈ ગાગલીયાના પૂર્ણ આર્થિક સહયોગથી બંને મુખ્યગેટ ૨૦ લાખના ખર્ચે નિર્માણ પામ્યા છે.

સન્માન સમારંભ દરમ્યાન ભગવાન શ્રી દ્વારકાધીશ ના મોમેન્ટો દાતાઓ તરફથી સાંસદ અને પૂર્વ ધારાસભ્યને અપાયા હતાં, તો સાંસદ પૂનમબેન અને માજી મંત્રી મુળુભાઈએ સંયુક્ત રીતે બંને દાતાઓને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું

આ તકે સન્માન બાદ યોજાયેલા ઉદબોધનમાં માજી મંત્રી મુળુભાઈએ વિકાસના કામોની યાદી સાથે જણાવ્યું હતું કે માત્ર મોટા કાલાવડ જ નહી પરંતુ સમગ્ર ભાણવડ પંથકના વિકાસના કામોમાં તેઓ હંમેશા અગ્રેસર અને ચિંતિત રહ્યા છે.

મોટા કાલાવડ ખાતે ખાસ પધારેલા સાંસદ શ્રી પૂનમબહેન માડમે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સહુથી વધુ વિકાસના કામોમાં આ ગામ આગળ પડતું રહ્યું છે અને તેના મુકાબલે અન્ય ગામોમાં પણ વિકાસ વિસ્તરે તેથી આજના પ્રવાસમાં ભાણવડ સર્કિટ હાઉસ ખાતે તમામ સરપંચોને મળીને મે તેમને સૂચવ્યું છે કે જોઈએ તે ગ્રાન્ટ માંગો, સાંસદનીધી સમેત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિધીમાંથી મોટાભાગના કામો કરવા હું કટીબદ્ધ છું.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સિંચાઈના કારણે સમુચા તાલુકાની ઇકોનોમી સદ્રઢ થઈ છે કારણ કે ખેતી ની આવક સમગ્ર દેશના અર્થતંત્ર ને ચલાવવા માટે મહત્વની અને મોટી ઇકોનોમી છે, જેને મજબૂત બનાવવા માજી મંત્રી મુળુભાઈ બેરાએ ખુબ આગળ પડતું કામ કરી બતાવ્યું છે.

અન્ય મહેમાનોમાં વી. એચ. કનારા, સાજણભાઇ રાવલીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને સહકારી આગેવાન હમીરભાઈ કનારા, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ કનારા દેવશીભાઇ કરમુર, મોટા કાલાવડના સરપંચ સમેત અગ્રણીઓએ પણ પ્રસંગોપાત ઉદબોધન કર્યું હતું.

આ તકે ઉપસ્થિત ગ્રામ્ય વાસીઓની જનમેદનીમાં સુશોભીત આગેવાનોમાં દેવશીભાઇ કરમુર, ઉપ સરપંચ મયુરભાઈ ગાગલીયા, ખીમભાઇ રાવલીયા, કરશન ભેડા, મનહર કનારા, પરબત ભાઈ ભાદરકા, હિતેશભાઈ પિંડારીયા તેમજ આહીર કર્મચારી મંડળના પ્રમુખ અરજણ ભાઈ ગાગલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.