પોરબંદર જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના અધ્યક્ષ સ્થાને યોજાયો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં અનેકવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન થયું હતું. જે અંતર્ગત આજ તા.૨૧ ના રોજ પોરબંદર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાના અધ્યક્ષસ્થાને તાજાવાલા હૉલ પોરબંદર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રૂ.૩૦ કરોડથી વધુ રકમના ૮૯ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદષ્ટિનાં પરિણામે ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી રહ્યું છે. ત્યારે તેમના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસની વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવતા પોરબંદર જિલ્લામાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ રાજ્ય સરકારના વિકાસ કાર્યોને આવકાર્યા હતા.

આ તકે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુબેન કારાવદરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર વિકાસના કામો કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં તથા જિલ્લામાં વિવિધ વિકાસના ફળો જનતા સુધી પહોચી રહ્યા છે. જેમાં પોરબંદર તાલુકા માટે રૂ.૮.૯ કરોડના ૫૮ કામો, રાણાવાવ તાલુકાના રૂ.૭.૩૦ કરોડના ૧૦ કામો તથા કુતિયાણા તાલુકાના રૂ. ૧૪.૭૮ કરોડના ૨૧ કામોનુ ખાતમુહૂર્ત તથા ઉદધાટન કરી ગૌરવ અનુભવીએ છીએ.

આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ પોરબંદર જિલ્લામા થયેલા વિકાસના કામોની ગાથા રજુ કરી હતી. તથા આવનારા દિવસોમા યોજાનાર વિધાનસભાની ચૂંટણીમા પોરબંદર જિલ્લાના સૌ મતદારો જોડાયને લોકશાહીનો પર્વ ઉજવે તેવી જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અપીલ પણ કરી હતી.

આ કાર્યક્રમનું સ્વાગત ઉદબોધન જિલ્લા આયોજન અધિકારીશ્રી ભટ્ટ તેમજ આભારવિધિ  નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાધુ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એમ.કે.જોશી, જિલ્લા પંચાયતના  ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ કોઠારી, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રતાપભાઈ કેશવાલા, કુતિયાણા  તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિશ્રી મશરીભાઈ ખુંટી,  જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી આવડાભાઈ ઓડેદરા, નિલેશભાઇ સહિત મહેમાનો, અધિકારોઓ તથા પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.