જલારામ જયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ

પોરબંદરમાં મોટા પ્રમાણમાં રઘુવંશી સમાજ વસવાટ કરે છે અને ઘણા વર્ષોથી પુ. જલારામ બાપાની જયંતીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ જલારામ સેવા સમિતિના નેજા હેઠળ થતો આવ્યો છે, બે વર્ષ કોરોના મહામારી ના કારણે આ આયોજન શકય ન બન્યું અને આ વર્ષે જલારામ સેવા સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ કોટેચાની નાદુરસ્ત તબિયતના કારણે પોરબંદર લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજની દરેક સંસ્થાઓને એકમંચ પર લાવી આ આયોજન થઈ રહયું છે.

દર વર્ષની જેમ આ આયોજન માટે લોહાણા સમાજ દ્વારા તન-મન અને ધન થી સહયોગ મળી રહયો છે, આ આયોજન સાથે નાત-જમણ નું પણ આયોજન થાય છે જે માટે મુખ્ય અનુદાન શ્રી મનુભાઈ મોદી અને સાગરભાઈ મોદી પરિવાર તથા ડો. નિતીન લાલ (મનન હોસ્પીટલ-રાજકોટ) તરફથી મળેલ છે. આગામી તા. 31-10-22 સોમવાર ના રોજ બપોરે 3-૦૦ કલાકે લોહાણા મહાજનવાડી પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જે મહાજનવાડીથી હરીશ ટોકીઝ, રાણીબાગ થઈને એમજી રોડ પર માણેક્ચોક સુધી અને ત્યાંથી શીતલાચોક ખાતે આવેલ જલારામ મંદીર સુધી જઈને ત્યાં મહા-આરતી કરવામાં આવશે, આ જ દિવસે લોહાણા મહાજનવાડી પર સાંજે 7-૦૦ વાગ્યાથી મહા-પ્રસાદ (નાત-જમણવાર) નું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટા પ્રમાણમાં રઘુવંશી સમાજ જોડાશે.

જલારામ જયંતિ ઉત્સવ કમિટીનું આ સમગ્ર આયોજન પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત સહયોગી સંસ્થાઓ જલારામ મિત્ર-મંડળ, પોરબંદર લોહાણા મિત્ર-મંડળ, પોરબંદર લોહાણા યુવાશકિત, લોહાણા મહિલા મંડળ ઉપરાંત લોહાણા મહાજન છાંયા, લોહાણા મહાજન-રાણાવાવ, જલારામ સેવા સમિતિ, લોહાણા સગપણ માહિતી કેન્દ્ર, લોહાણા હિતેચ્છુક મંડળ, ઈન્ટરનેશનલ લોહાણા સમાજ, જલયાણ ગૃપ, લોહાણા યુવા સેના, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, “જલારામ સમાજ સેવા ટ્રસ્ટ, જલારામ પદયાત્રા સંઘ, જલારામ સેવા મંડળ, લોહાણા મહાપરિષદ અંતર્ગત સમિતીઓ સહીત થઇ રહેલ છે.

આ સમગ્ર આયોજન માટે લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા, માનદ મંત્રી રાજેશભાઈ લાખાણી ના માર્ગદર્શન હેઠળ દરેક સહયોગી સંસ્થાના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. ગુજરાતભરમાં રઘુવંશી સમાજ દ્વારા જલારામ જયંતિની ભાવ ભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં વિવિધ સંસ્થા દ્વારા વિશેષ આયોજન કરાયું છે.