ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ખૂબ જોરશોરથી શરૂ થયો હતો. સમગ્ર દેશમાંથી નેતાઓની ફોજ ગુજરાતમાં પ્રચાર માટે ઊતરી ગઈ હતી. વડાપ્રધાન મોદી, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના કેન્દ્રીય નેતાઓ ગુજરાતનો વાંરવાર પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે હવે આજથી દિવાળીનું પર્વ શરૂ થતાં જ લોકો તહેવારોમાં વ્યસ્ત હોવાથી નેતાઓએ પણ રાજકીય પ્રવાસો અને પ્રચાર ટાળી દીધો છે. બીજી તરફ, ગુજરાતમાં હવે લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો પણ લગભગ પૂર્ણ થઈ ગયા છે. ચૂંટણીની ટીમ આજે આખરી સમીક્ષા બાદ દિલ્હી પરત જશે. બે દિવસમાં તેમનો રિપોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનરને સોંપ્યા બાદ તરત જ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે.
ચૂંટણીપંચની ટીમે ચાર ઝોનનો પ્રવાસ પૂરો કર્યો
રાજ્યમાં દિવાળીની ખરીદી અને ઉજવણી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. લાભપાંચમ સુધી હવે રજા સહિતનો માહોલ હશે, એ સમયે ચૂંટણી આચારસંહિતા અમલી બનાવવી કે કેમ એ અંગે પ્રશ્ન છે. એક વખત આચારસંહિતા અમલી બન્યા બાદ અનેક પ્રકારનાં નિયંત્રણો પણ આવી જશે અને દીપાવલી સમયે વ્યાપાર-ઉદ્યોગમાં નાણાં સહિતની રોકડ વ્યવહારની હેરફેર તથા મોટે પાયે કામકાજ થતાં હોય છે, એને પણ બિનજરૂરી રીતે મુશ્કેલી પડે એવી શક્યતા છે. ચૂંટણીપંચની ટીમે તમામ ચાર ઝોનનો પ્રવાસ પૂરો કર્યો છે અને ચૂંટણી સમીક્ષા પણ પૂર્ણ થઈ છે. હવે રાજ્યનું વહીવટી તંત્ર ફરી એક વખત નિયમિત કામગીરીમાં જોડાઈ જશે.
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પણ પૂર્ણ થઈ રહી છે
બીજી તરફ આજે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પણ પૂર્ણ થઈ રહી છે. ત્યાર બાદ ત્રણથી ચાર દિવસના વિરામ કાર્યકર્તાઓ ફરી જુસ્સા સાથે આવી શકે એ પણ ભાજપ જોવા માગે છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં તા. 1 કે 2 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત થશે અને નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન સાથે જ ચૂંટણીપ્રક્રિયાઓ પૂરી કરવામાં આવશે તથા હિમાચલની સાથે જ તા. 8 ડિસેમ્બરે મતગણતરી થાય એવા શેડ્યૂલ સાથે ચૂંટણીપંચ આગળ વધી રહ્યું હોવાના સંકેત છે.
ભાજપ ભાઈબીજથી નિરીક્ષકોને મેદાને ઉતારશે
વિધાનસભાના 182 મતક્ષેત્રમાં ઉમેદવારો શોધવા અને એક રીતે ટિકિટવાંછુકોના દાવા સ્વીકારવા ભાજપ ભાઈબીજથી લાભપાંચમ એમ ત્રણ દિવસ નિરીક્ષકોને મેદાને ઉતારશે. ગુજરાત પ્રદેશ ભાજપે નિરીક્ષકોનાં નામો કે ટીમની જાહેરાત કર્યા વગર જ ગુરુવારે પદાધિકારી, કાર્યકરોની સેન્સ મેળવવાની પ્રક્રિયા માટે 27, 28 અને 29 એમ ત્રણ દિવસ જે-તે જિલ્લામાં જશે, એમ જાહેર કરતાં ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓમાં સળવળાટ પ્રસર્યો છે. ભાજપ દ્વારા 1લી નવેમ્બરે 182 બેઠકમાં બેઠકદીઠ એક સ્થળે 20 હજાર કાર્યકરોનું એમ કુલ 40 લાખ કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.
કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીનો આજે ત્રીજો દિવસ
દિલ્હીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ કરવા માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી છે. આ બેઠકનો આજે ત્રીજો દિવસ છે. આજે આ બેઠકમાં નામો ફાઈનલ થયાં બાદ ચીફ ઈલેક્શન કમિટીની બેઠક મળશે, જેમાં ઉમેદવારોનાં નામની પસંદગી કરાશે. દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે, પરંતુ દાવેદારી કરનાર અનેક ઉમેદવારોમાં નારાજગી પણ રહેશે, જેથી નારાજ કાર્યકરો કે નેતાઓને મનાવવા તથા પક્ષ છોડીને કોઈ નેતા ના જાય એ માટે પણ બેઠકમાં મંથન કરવામાં આવશે. ઉમેદવારોના કામ, મત વિસ્તારના કાર્યકરોના અભિપ્રાયના આધારે તેમનાં નામ નક્કી કરવામાં આવશે.