વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ગુજરાત પ્રવાસમાં ભાણવડ ને કોઈ લાભ કેમ નહીં ?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ગુજરાતના સતત પ્રવાસ છતાં અને ભાણવડ પંથકની નબળી નેતાગીરીના કારણે સમગ્ર ગુજરાતમાં વિકાસના કામોની લ્હાણી થઈ રહી હોવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકો વંચિત રહી ગયો છે.

જો કે અનુઠી રાજકીય પક્ષાપક્ષી અને સ્થાનિક નેતાઓની હુસાતુસી નો ભોગ ભાણવડ વર્ષોથી બનતું આવ્યું છે, એક સમયમાં ભાણવડ જ્યારે હાલાર ના જામનગર જિલ્લાનો હિસ્સો હતું ત્યારે તેનાથી પણ બદતર હાલત જામજોધપુર તાલુકાની હતી, આજે અગર આ બંને તાલુકાની સરખામણી કરવામાં આવે તો જામજોધપુરના મુકાબલે ભાણવડ પછાત અને પાછળ રહી ગયું છે.

ભાણવડને બસ ડેપો મળી શક્યો હોત જે નથી, ભાણવડ ને કોલેજ મળી શકી હોત જે નથી, ભાણવડને રેલ્વે પાર્કિંગ મળી શક્યું હોત જે નથી, ડેપો અને કોલેજ જામજોધપુરને મળી અને પાર્કિંગ તથા જંક્શન જેતલસર તેમજ વાંસજાળીયા ને મળ્યા,

ભાણવડમા ધોરણ ૧૨ સાયન્સનું પરીક્ષા કેન્દ્ર નથી, ભાણવડ ને આધુનિક પોલીસ મથક મળ્યું એ પણ શહેર બહાર, ભાણવડ ને કોર્ટ, માર્કેટિંગ યાર્ડ અને તાલુકા સેવાસદન પણ શહેર બહાર મળ્યા છે.

આમ સ્થાનિક રાજકીય દાવપેચ નો શિકાર બનેલા ભાણવડ પર પ્રધાનમંત્રીની નજર ન પડી એ ક્ષતી મોદીજીની આંખોમાં નહીં પરંતુ ભાણવડની નેતાગીરીમાં કહી શકાય.

માત્ર ભાજપ જ નહીં કોંગ્રેસની યુપીએ સરકારમાં પણ પ્રધાનમંત્રીની નજર ભાણવડમાં દોડાવી ન શકાઈ, ત્યારે ૨૦૧૪ થી કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં અને સાંસદ પણ ભાજપના હોવા છતાં લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી ના વારંવાર ના ગુજરાત પ્રવાસ છતાં ભાણવડ વધુ વિકસિત થતાં રહી ગયું.