સુદામાપુરીના માણેક ચોકમાં આવેલી ઐતિહાસિક ઈમારતોને જાળવણીના અભાવે જર્જરીતપણાનો લૂણો લાગ્યો છે.
સુદામાપુરીમાં અનેકવિધ પ્રાચીન ઇમારતો આવેલી છે જેની જાળવણીના અભાવે આ ઈમારતો જર્જરીત બની હોવાનું જણાવી સ્થાનિક સત્તાધીશો આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તેવી પોરબંદર કોંગ્રસે દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કૃષ્ણસખા સુદામાની ભૂમિ પોરબંદરમાં અનેકવિધ ઐતિહાસિક ઈમારતો આવેલી છે પરંતુ તંત્ર હસ્તકની મોટાભાગની ઈમારતો જર્જરીત છે તેમાં પણ ખાસ કરીને પોરબંદર નગરપાલિકા હસ્તક માણેક ચોકના ઉપરના ભાગે આવેલી ઐતિહાસિક ઈમારતો હાલત જીર્ણ-શીર્ણ બની ગઈ છે.
ગાંધીજીના જન્મસ્થાન નજીક જ આવેલી મુખ્ય બજારમાં આવેલી ઈમારતોમાંથી અવાર-નવાર અવશેષોના પોપડા નીચે ખરે છે તેનાથી રાહદારીઓ પર પણ જોખમ સર્જાય છે. ભૂતકાળમાં આ આ ઈમારતોમાંથી નળિયા અને લાકડાની કોતરણી અને સ્લેબના પોપડા ધડાકાભેર પડ્યા હોવા છતાં તેના જતન અને જાળવણી માટે કાળજી લેવામાં નથી આવી.
રામદેવભાઇ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે નજીકમાં જ ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર અને વૈષ્ણવો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ શ્રીનાથજીની હવેલી આવેલાં છે, જયાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડે છે અને તેઓની નજર માણેકચોકના તાક પર પડે છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત બની જાય છે, પરંતુ તેની જાળવણી ન થવી તે પોરબંદરવાસીઓ માટે પણ શરમજનક બાબત છે. પોરબંદર નગરપાલિકા દ્વારા આ તાકના નવીનીકરણ માટે દર વર્ષે બજેટમાં રકમ ફાળવવામાં આવે છે પરંતુ આ બાબતે હજુ સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો રામદેવભાઈ મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે.
રામદેવભાઇ મોઢવાડિયાએ એવી રજૂઆત કરી છે કે આ ઈમારતની જાળવણી અને નવીનીકરણ માટે પાલિકાના તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જોઇએ. ઐતિહાસિક ઇમારતને આકર્ષક લાઇટિંગ દ્વારા સુંદરતાને ચાર ચાંદ લગાડી આ હેરિટેજ બિલ્ડીંગને વધુ સુંદર અને આકર્ષણનું કેન્દ્રબિંદુ બનાવવા રામદેવભાઇ મોઢવાડિયાએ સૂચન કર્યું છે. અગાઉ આ ઐતિહાસિક તાક ખાતે પોરબંદર નગરપાલિકાની કચેરી પણ કાર્યરત હતી ત્યારે આવી આ હેરિટેજ બિલ્ડીંગના સમારકામ માટે તંત્રએ તાત્કાલીક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયાએ કરી છે.