રખડતા ઢોરનો ત્રાસ અનેક આદેશો અને કડકાઈ છતા યથાવત રહેતા હવે આજે ફરી હાઈકોર્ટે કોર્ટ રૂમમાં હાજર રાજયના ગૃહ સચિવ, શહેર વિકાસ સચિવ મુકેશકુમાર, ડીજીપી આશિષ ભાટિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારસનને ફટકાર લગાવી છે.
આજની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રખડતા ઢોરના કારણે નરોડામાં મોતને ભેટેલા યુવકના કેસમાં અમ્યુકોએ જાહેર કરેલા રૃ.બે લાખના વળતરને અપૂરતું અને અયોગ્ય જણાવ્યું હતું. હાઇકોર્ટે મૃતક યુવકના પરિજનો પરત્વે ભારે સંવેદના પ્રગટ કરતાં અમ્યુકોને માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, તમે જરા વિચારો તો ખરા.એ યુવક બિચારો ઝેરોક્ષ કઢાવવા જતો હતો, તેનો શું વાંક હતો કે તે અકાળે મોતને ભેટયો. તેની વિધવા પત્ની અને બે નાના બાળકોનો વિચાર કરો. આ તબક્કે એડવોકેટ અમિત પંચાલે પણ જણાવ્યું કે, અમ્યુકોએ સ્પેશ્યલ કેસના ધોરણે પૂરતું વળતર ચૂકવવું જ જોઇએ.હાઇકોર્ટે મૃતક યુવકના વારસોને રૃ.પાંચ લાખનું વળતર તાત્કાલિક ચૂકવવા અમ્યુકોને હુકમ કર્યો હતો.
તમારા પ્રયાસો-પગલાં બધુ કાગળ પર જણાય છે: હાઇકોર્ટ
હાઇકોર્ટે સરકાર અને અમ્યુકોની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, તમારા બધા પ્રયાસો, પગલાંઓ બધુ કાગળ પર જ જણાય છે કોઇ નક્કર અને અસરકારક પરિણામ દેખાતુ નથી. ચીફ જસ્ટિસે માર્ગો પર રખડતા ઢોરોના ફોટોગ્રાફ્સ બતાવી સરકારને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, જુઓ આ શું છે..?? હજુ આ સમસ્યાનું જોઇએ તે રીતે નિરાકરણ આવતું નથી. અમે બહુ ડિસ્ટર્બ થયા છીએ. હાઇકોર્ટ દ્વારા ફોટોગ્રાફ્સ બતાવી પૂછાયેલા પ્રશ્નોનો સરકાર કે અમ્યુકો પાસે કોઇ સંતોષજનક જવાબ ન હતો.
કસૂરવાર ઢોર માલિકો પાસેથી વળતરની રકમ વસૂલો
નરોડાના મૃતક યુવકના વારસોને વળતરની રકમ હાઇકોર્ટે રૃ. બે લાખથી વધારી રૃ.પાંચ લાખ કરી આપતાં અમ્યુકોએ બચાવ કર્યો હતો કે, આ કોઇ નીતિવિષયક નિર્ણય નથી, પ્રજાના ટેક્સના નાણાંમાંથી એક રીતે આ પૈસા અપાઇ રહ્યા છે. તેથી હાઇકોર્ટે તેને નીતિવિષયક નિર્ણય ના ગણવો જોઇએ. હાઇકોર્ટે અમ્યુકોને સાફ શબ્દોમાં પરખાવ્યું કે, તમે ગમે તે કરો પણ યોગ્ય અને પૂરતું વળતર તો ચૂકવવું જ પડે, તેમાં નહી ચાલે. તમારે જે કરવું હોય તે કરો. કસૂરવાર ઢોર માલિકો પાસેથી વળતરની રકમ વસૂલ કરવા દિવાની દાવો કે આકરી જોગવાઇ લાગુ પાડો. તમારો પ્રોબ્લેમ અમારો પ્રોબ્લેમ ના બનાવો.
શહેરના મુખ્ય પોઇન્ટ પર એક પણ પોલીસકર્મી દેખાતો નથી
ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રને આ સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં કામગીરી કરવા કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે ડીજીપીને ઉદ્દેશીને સરકારપક્ષને માર્મિક ટકોર કરી હતી કે, શહેરમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા કે ફરિયાદ છે તેવા મુખ્ય પોઇન્ટ કે સ્થળો પર હજુ સુધી મેં એકપણ પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ કર્મચારીને ફરજ પર તૈનાત જોયો નથી. ટૂંકમાં, હાઇકોર્ટનો સંકેત એ હતો કે, આવા સ્થળો પર પોલીસ પોઇન્ટ ગોઠવો.
તહેવારોમાં રખડતા ઢોરના કારણે કોઇ મોત કે ઇજા ના થાય
હાઇકોર્ટે રાજય સરકાર અને અમ્યુકોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, તહેવારોમાં રખડતા ઢોરોના કારણે કોઇ નિર્દોષ નાગરિકનું મોત કે ઇજા ના થાય તેનું ધ્યાન રાખજો. નહી તો, અદાલત સાંખી નહી લે. જેથી સરકારે આ મામલે બનતી તમામ તકેદારી અને પગલાં લેવાની હૈયાધારણ હાઇકોર્ટને આપી હતી.
હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.15મી નવેમ્બરે રાખી હતી અને ત્યાં સુધી રખડતા ઢોરો પકડવાની અને પેટ્રોલીંગની કામગીરી સતત ૨૪ કલાક ચાલુ રાખવા પણ હુકમ કર્યો હતો.