જામનગરમાં સીટી સી ડિવિઝન પોલીસે ગોકુલ નગર વિસ્તારમાં દરોડો પાડી મકાનમાંથી 36,000ની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ પ્રકરણમાં પોલીસે ગોકુલ નગરના કૈલા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે જ્યારે જીગો રઈસ નામનો શખ્સ હાજર ન મળતા ફરાર દર્શાવવામાં આવ્યો છે.
કોઇ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધો સે બડા કોઈ ઇમાન નહીં હોતા… રઈસ ફિલ્મના આ ડાયલોગને જામનગરના જીગાએ પોતાના પાત્ર સાથે ફિટ બેસાડી દારૂનો ધંધો શરૂ કર્યો. પોતાનું પેટ નેમ પણ ‘રઇસ’ રાખ્યું, સીટી સી ડિવિઝન પોલીસે પાડેલા દરોડા દરમ્યાન આવી વિગતો સામે આવી છે. જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં શેરી નંબર છ માં રહેતા પ્રકાશ રૂપે વિજય લાખાભાઈ મકવાણા નામનો શખ્સ પોતાના અન્ય મિત્રોની મદદથી વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની સીટી સી ડિવિઝન પોલીસ સ્ટાફને ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પોલીસે પ્રકાશના દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન ઘરની તલાસી લેતા રૂપિયા 36,000ની કિંમતનો 72 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે પ્રકાશ રૂપે વિજય ઉપરાંત હાજર મળેલા તેના સાથીદાર કેયુર ઉર્ફે કઇલો ગિરીશભાઈ ડોબરીયાની પણ ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો 58 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા જીગો ઉર્ફ રહીશ નામના શખ્સ પાસેથી ખરીદ કર્યો હોવાની બંને શખ્સોએ કબુલાત કરી હતી. જેને લઈને પોલીસ રઈશ ને ફરાર જાહેર કરી ત્રણેય સામે પ્રોહીબિશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે જીગો ઉર્ફ રહીશ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જીગાએ રઇસ ફિલ્મની સ્ટોરી પોતાના જીવનમાં ઉતારી હોય અને દારૂના ધંધામાં જંપલાવ્યું હશે એવી ચર્ચાઓ વહેતી થઈ છે.