પોરબંદર જિલ્લામાં ફટાકડા ફોડવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ,વેચાણ તથા ઉપયોગ ઉપર નિયત્રંણ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.કે.જોષી દ્રારા જિલ્લાની હદમાં ફટાકડા ફોડવા માટે જાહેરનામું બહાર પાડ્યુ છે. આ જાહેરનામું તા.18 ઓકટોબરથી તા.25 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રે 8થી 10 સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે 23.55 કલાકથી 00.30 કલાક સુધી જ ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર (Decibel level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર ”PESOની સુચના પ્રમાણેનું’ માર્કિંગ હોવું જરૂરી છે.

હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ, ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહી.

લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માતવતી રીવર ફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, અલ.પા.જા./બોટલાગ પ્લાન્ટ, એલ.પા.જા.ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોંના સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.

કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુકકલ/આતિશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં. તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કોર્ટના તા.23/10/2018ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 તથા આઈ.પી.સી. કલમ–188માં જણાવેલા શિક્ષાને પાત્ર રહેશે.