પોરબંદરના યશસ્વી કલેક્ટરના ઉદાર સ્વભાવનો લાભ ઉઠાવી લેતા કેટલાંક મનસ્વી કર્મીઓ

પોરબંદરને મળેલા કલેકટર એ પોરબંદર જિલ્લાનું અહૌભાગ્ય છે, નખશીખ પ્રામાણિક, ધીર ગંભીર અને આગવી શૈલી સાહેબના ઉત્તમ લક્ષણો છે, તેમ છતાં સાહેબની કાર્યશૈલીમાં એક નાનકડો વિવાદ ચર્ચાસ્પદ બની રહ્યો છે.

સત્તપક્ષ ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસના કેટલાંક આગેવાનોમાં ચણભણાટ જાણવા મળી રહ્યો છે કે વિવાદિત કર્મચારીઓની કમ્પ્લેઇન સાહેબ સાંભળે તો છે પરંતુ એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાખતા હોય તેવો ઘાટ સર્જાય છે.

વાત કરીએ કર્મચારીઓની તો સાહેબે ગાદી સાંભળ્યા બાદ કેટલાંક કર્મચારીઓનું કામ પર મોડાં આવવાનું બેહદ વધી ગયું છે, જિલ્લા સેવાસદન સંકુલ જિલ્લાભરના પ્રશ્નોના નિરાકરણ માટે હોવાથી સંકુલમાં ગ્રામ્ય અરજદારો ગામડેથી વહેલાં આવી જતાં હોય છે પરંતુ સાહેબના આશીર્વાદથી સુરક્ષિત કેટલાંક કર્મચારીઓ વહેલા ન સહી પણ સમયસર આવી જતા હોય તો પણ ચાલે તેને બદલે સાડા અગિયાર, પોણા બાર સુધી ઓફિસમાં આવવાની તસ્દી લેતા નથી, તેથી ગ્રામ્ય અરજદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે જેની બદોલત આવો રોષ રાજકીય પક્ષોના કાન સુધી પહોંચ્યો છે.

ગામડાઓના અરજદારોનો રોષ એ પ્રકારે હોય છે કે મોડા આવે તે ચલાવી પણ લેવાય કદાચ પરંતુ આવે ત્યારે પણ પુરુષ હોય કે મહિલા, કર્મચારીના કાને ફોન ચોંટેલો હોય છે, જે ફુસફુસ બીજી પંદર મીનીટ ચાલે, જો તેને ટોકવામાં આવે તો કામને ટલ્લે ચડાવી દેવામાં આવતા હોવાની પણ ફરીયાદ અરજદારોમાં વ્યાપક બની છે. તેઓ જે તે કર્મચારીને કશું કહેવાને બદલે આગેવાનોને ઘણું બધું કહે છે. વિરોધપક્ષ તો ઠીક કે સત્તામાં ના હોય પરંતુ સત્તપક્ષના આગેવાનો પણ આ સમસ્યાના સમાધાનને ખોળી રહ્યા છે.

કલેક્ટર શર્માના આવ્યા પહેલાં ચીટનીશ ઓફીસ ખાતે એક ફિંગર મશીન લગાવવામાં આવતું હતું જેથી કર્મચારીઓ સમયસર આવે છે કે કેમ તે ચકાસી શકાય, આ મશીન સાહેબના શાસનમાં દીવાલમાંથી ઉતરીને કોઈક ટેબલની નીચે ડસ્ટબીન પાસે ગોઠવાઈ ગયું છે, જો કે આ મશીનને પણ નહીં ગાંઠતા કેટલાંક કર્મચારીઓ મશીન હતું ત્યારે પણ મોડા આવવું, વહેલા જવું અને રીશેષનો ડબલ સમય વાપરવામાં નિપુણ હતાં, જેમાનાં કેટલાંક બદલી ગયા અને કેટલાંક હજુ એજ નિપુણતા સાથે યથાવત છે.

જિલ્લા સેવાસંકુલમાં સૌથી મોડે આવવાનો ક્રમ ગ્રામ્ય મામલતદાર કચેરીના કેટલાંક કર્મચારીઓએ અણનમ જાળવી રાખ્યો છે, જયારે વનડાઉન ક્રમાંકે કલેકટર કચેરી અને મીડલ ઓર્ડર ક્રમાંકે પ્રાંત કચેરીના તેવા નિપુણ કર્મચારીઓએ જાળવ્યો છે.

સાહેબને રજુઆત આમ તો અનેક નેતાઓ કરતાં હોય છે પરંતુ એક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે કલેકટર સાહેબ પાસે આવડું મોટું મહેકમ હોવા છતાં સાહેબ ખુદ કોમ્યુટરમાં જાતે ટાઈપ કરતા હોય છે, એટલું જ નહીં રજુઆત કરીએ ત્યારે કોઈ જ આઈ કોન્ટેક્ટ વિના સારું!! જોવડાવી લઈશ!! અથવા તો કર્મચારીઓની બાબતમાં હું કોઈની ડખલગીરી ચલાવી શકતો નથી, જેવા પ્રત્યુતર પાઠવીને આગેવાનને ટાળવાની રીતરસમ અપનાવતા હોય છે.

સામાન્ય રીતે આંતરિક બદલીઓ નિવાસી કલેકટર કરતાં હોય છે પરંતુ કર્મચારીઓની આંતરિક બદલીઓની બાબતમાં કલેકટર, નિવાસી કલેકટર અને ડેપ્યુટી કલેકટરો તેમજ મામલતદારોમાં કોમ્યુનીકેશનનો અભાવ છે જે માત્ર નેતાઓ જ નહીં, તાબાના કર્મચારીઓ અને માસુમ અરજદારોને પણ નજરે ચડે છે.

તુમાખી અને ગુમાની ધરાવતાં કેટલાંક કર્મચારીઓના પાપે ઈમાનદાર અને નમ્ર કર્મચારીઓને વધુ ભોગવવું પડતું હોય છે, નમ્ર કર્મચારીઓ જેટલો આદર અરજદારને આપે છે તેનાથી વધુ ઘમંડમાં ચકનાચુર કર્મચારીઓ અરજદારોને મોઢે ચોપડી દેતાં હોય છે કે કલેક્ટરને જ શું કામ, જાવ મુખ્યમંત્રી ને પણ કહી આવો!! “અહીં હું કહીશ એમ જ થાશે” ખાસ કરીને જેને કોઈ જ કારણ વગર અલગ ચેમ્બર ફાળવી તેવા કેટલાંક કર્મીઓ તો પોતાને જ કલેકટર માને છે. તેનો ફોન ચાલુ હોય તો અંદર જઈ ન શકાય ? તેની મીઠી મીઠી વાતો કોઈ સાથે ચાલતી હોય તો તેમાં ખલેલ પાડી ન શકાય ? આવા કર્મચારીઓને ખરેખર તો સરકારે ઘરે બેસાડીને જ પગાર આપવો જોઈએ કેમકે આવા કર્મચારીઓ કામ કરવા ઓછા અને ઘરેથી બહાર નીકળવાના બહાનારૂપ નોકરી વધુ કરતા હોય છે.

છએક મહિના અગાઉ એક પત્રકાર પરિષદમાં પત્રકારોએ સંવાદ દરમ્યાન કલેકટર સાહેબને રજુઆત કરી હતી કે સંકુલની કેટલીક ઓફીસોના કાચના દરવાજા પર સરકારી જાહેરાતના બેનરો ઉંધા કરીને ચોંટાડી દેવામાં આવ્યા છે, જેથી લોબીમાંથી પસાર થતા મુલાકાતીઓ અંદર ઝાંખી ન શકે, તો કેટલાંક ચતુર કર્મચારીઓ એ લોબીમાં પડતી બારીઓ પાસે કબાટ અને પોટલાં ખડકી દીધા છે, પત્રકારોની રજુઆતને સાહેબે ધ્યાને ધરી હોય તેમ તુરંત બાજુમાં ઉપસ્થિત નિવાસી કલેક્ટરને આ બાબતે ઘટતું કરવા અને રજુઆત યોગ્ય જણાય તો તેવા કાચોને પારદર્શી કરવા આદેશ કર્યો હતો, પરંતુ આ આદેશ સભાખંડમા જ બાળમૃત્યુ પામ્યો હોય તેમ દરવાજાના કાચ પર બેનરો અને ખિડકીઓ આડે કબાટ અને પોટલાઓ આજની તારીખે પણ જેમનાતેમ યથાવત છે.

આ પરથી લોકો એવું તારણ કરી રહ્યા છે કે યા તો પેધી ગયેલા કેટલાંક કર્મચારીઓ પાસે સાહેબનું કાંઈ ઉપજતું નથી, યા તો સાહેબ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ સાંભળી ને હા પાડી દેવામાં અતિ ઉદાર હોય.

વાત કરીએ સાહેબની ઈમાનદારીની તો કલેકટર શર્મા જેવા કલેકટર ભાગ્યે જ પોરબંદર ને મળશે, પરંતુ વાત કરીએ કાર્ય પદ્ધતિની તો સાહેબ અન્ય કામોમાં જેટલાં સારા હોય તેટલા પરંતુ કર્મચારીઓના ઘમંડ, ગુમાન અને ગેરવર્તણુંકની બાતમી મેળવનારા તરીકે એકદમ સીધા સાદા અને ભોળા છે. જયારે પેધી ગયેલા કેટલાંક કર્મચારીઓ માટે સાહેબનું આ ઢીલાપણું પતાસા સમાન છે જેને રોજ આવા કર્મચારીઓ આરામથી ગળી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાહેબ તેના વિભાગો પાસેથી તેવી જાણકારી મંગાવે કે કોણ કર્મચારી નિયમિત રીતે મોડા આવે છે તો કદાચ રિપોર્ટમાં એકાદ નામ પણ મળે તો મળે પરંતુ એક દિવસ તેઓ ખુદ ઇન્સ્પેકશન કરે તો અર્ધાથી ઝાઝા નામો કે જે રીપોર્ટમાં ક્યારેય ન જાણવા મળે તે સામે ઉભરી આવે તેમ છે, તેવું જ ક્યારેક ઓચિંતું ઇન્સ્પેકશન રીશેષમા પણ હાથ ધરશે તો વધુ સચ્ચાઈ સામે આવી જશે.

અને આવું કાંઈ જ ન કરે તો પોરબંદર વાસીઓનો પોકાર સાંભળીને આવતાં દિવસોમાં પેધી ગયેલા કર્મચારીઓની શાન ઠેકાણે લાવી શકે તેવા અધિકારી પણ આવશે તેવું જિલ્લાના એક બૌ મોટા આગેવાન પ્રભુ પાસે યાચી રહ્યા છે.