રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક યુવકનું મૃત્યુ રખડતા ઢોરના કારણે થયું હતું. કન્ટેમ્પ્ટ પિટિશન મામલે કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે વધુ રીપોર્ટ માંગ્યો છે. દિવાળી પછી વધુ સુનાવણી આ મામલે હાથ ધરવામાં આવશે.
રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે સંજ્ઞાન લેતા તંત્રએ કડક કાર્યવાહી આરંભી છે પરંતુ તે છતાં પણ રખડતા ઢોર શહેરમાં રસ્તા પર જોવા મળી રહ્યા છે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે, એક પણ વ્યક્તિનો જીવ રખડતા ઢોરના કારણે ના જવો જોઈએ. તંત્રએ લીધેલા કેટલાક નિર્ણય કાગળો પર જ છે તેમ કોર્ટે આજે સુનાવણી કરતા કહ્યું હતું. રીપોર્ટ જ્યારે મળશે ત્યારે 15 નવેમ્બરે વધુ સુનાવણી હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. શહેરી વિકાસ સચિવ મુકેશ કુમારને વધુ કડક પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે કોર્પોરેશનને પણ વધુ સખ્ત કડકાઈ દાખવવા માટે આદેશ કર્યો છે.
રઝળતા ઢોર મામલે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હોવાની વિગતો ગઈ કાલે મળી હતી. રાજ્ય સરકારે અધિકારીઓને જિલ્લા, નગર પાલિકા તેમજ શહેર ક્ષેત્રે જવાબદારી ફિક્સ કરી હોવાની વિગતો મળી રહી છે. જિલ્લા સ્તરે કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પેરોશન વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટે આખા મામલેને ગંભીરતાથી લીધો છે અને આ મામલે વધુ સુનાવણી આગામી 15 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.