રાજકોટમાં પેપર લીક મામલે સૌ.યુનિ. ખાતે NSUI એ VCના રાજીનામાની માગ કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક મામલે ચાર દિવસ બાદ કોઈ કાર્યવાહી ન થતાં આજે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને VCના રાજીનામાની માગ કરી હતી. જોકે કુલપતિ કે અન્ય કોઈ જવાબદાર સત્તાધીશ NSUIના આગેવાનોને મળ્યા નહોતા અને મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે NSUIનું ઘર્ષણ થયું હતું અને ધક્કામુકી થતાં દરવાજાના કાચ તૂટ્યા હતા અને પોલીસે NSUIના આગેવાન સહિત 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય થયો છે: NSUI પ્રમુખ
આ અંગે ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે, પરંતુ સરકાર દ્વારા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી, જે સ્પષ્ટ દર્શાવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારના ઈશારે કામ કરી રહી છે. અમારી એક જ માગ છે કે કુલપતિએ હવે રાજીનામું આપી દેવું જોઈએ. તેમની અધ્યક્ષતામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે, તેથી જ આજે અમે લોકો અહીં ધરણાં કરવા આવ્યા છીએ અને અમારી એક જ માગ છે કે કુલપતિ રાજીનામું આપે અને વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય થયો છે તો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે