ચાણસ્મા તાલુકાના મીઠી ઘારીયાલ ગામે 12 વર્ષ અગાઉ પૈસા વગર પપૈયા વેચાણથી ન આપતા ફેરિયા ઉપર પાઇપ વડે હુમલો કરાયો હતો .આ ઘટનાનો કેસ ચાણસ્મા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને બે વર્ષની સખત કેદ ની સજા ફરમાવી હતી અને પ્રોબેશન નો લાભ આપવાની અરજ નામંજૂર કરી હતી.
આ કેસની હકીકત મુજબ, મોઢેરાના વતની પટણી દેવીપૂજક કસ્તુરભાઈ મોતીભાઈ 13 ડીસેમ્બર 2009 ના રોજ મીઠીધારીયાલ ગામે પપૈયા વેચાણ માટે ગયા હતા જેઓ પાસેની ગામના રહીશ ગૌસ્વામી નરેશભાઈ પ્રહલાદવનએ ચાર કિલો પપૈયા લીધા હતા જેના પૈસા કસ્તુરભાઈએ માંગતા પૈસા નહી આપતા તેમણે પપૈયા પરત લઇ લેતા ઉશ્કેરાયેલા નરેશભાઈ એ અપશબ્દો બોલી પોતાના હાથમાંની લોખંડની પાઇપ માથામા મારવા જતા કસ્તુરભાઈએ ડાબો હાથ આડો કરતા ડાબા હાથની કોણી નીચે પાઇપ વાગતાં ફ્રેકચરની ઈજા થઈ હતી.
આ અંગેની ફરિયાદ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ચાણસ્મા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં એપીપી આશુતોષ જે.ગોસ્વામીની દલીલો બાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુનિલ મહેતાએ આરોપી ગૌસ્વામી નરેશભાઇ પ્રહલાદવન રહે.મીઠીધારીયાલને ઈપીકો કલમ 325 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં દોષીત ઠરાવી બે વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000નો દંડ ન ભરે તો વધુ દસ દિવસની વધારાની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. આરોપીના જાત મુચરકા તથા જામીનખત રદ કરી આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો.